04 July, 2026 12:37 PM IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, ચોમાસાનું આગમન વાતાવરણમાં ઠંડક તો લાવે છે, પણ તેની સાથે ઘણીવાર શરીરમાં આળસ, મૂડ સ્વિંગ્સ અને ગરમાગરમ તળેલું ખાવાની અતિશય ક્રેવિંગ્સ પણ લઈને આવે છે. વરસાદી માહોલમાં આપણું રૂટિન ખોરવાઈ જાય ત્યારે તેની અસર ફિટનેસ અને મેન્ટલ વેલનેસ પર પડે છે. આ ઋતુમાં જાતને એક્ટિવ રાખવા, ઇમ્યુનિટી વધારવા અને ફ્રેશ ફીલ કરવા શું કરવું જોઈએ?
બારીની બહાર પડતા વરસાદના ટીપાંનો લયબદ્ધ અવાજ, ગરમાગરમ ચાની સુગંધ અને દોડધામ ભરી જિંદગીને થોડી ધીમી પાડવાની એક અઘોષિત મંજૂરી... વરસતા વરસાદમાં કંઈક એવું છે જે આપણને અંદરથી એક અલગ પ્રકારની શાંતિ અને સાંત્વના આપે છે. પરંતુ ચોમાસાના આ રોમાન્સની પાછળ આપણા રોજિંદા ઓફિસ કમિટમેન્ટ્સ અને અન્ય કામકાજની એક એવી વાસ્તવિકતા પણ છુપાયેલી છે, જેના વિશે આપણે બહુ વાત નથી કરતા! ચોમાસાના આ દિવસોમાં શરીરમાં આવતી સુસ્તી, લો મૂડ, કસરત કે હલનચલનનો અભાવ અને પથારીમાંથી બહાર ન નીકળવાનું મન થવું એ બધિ બાબતો બહુ સામાન્ય છે. આ આળસ આપણને વારંવાર એલાર્મ બંધ કરવા અને વારેઘડીએ ગરમાગરમ તળેલું કે કમ્ફર્ટ ફૂડ ખાવા તરફ દોરી જાય છે.
પરિણામે, ચોમાસું પૂરું થતાં થતાં આપણું વજન વધી જાય છે, એનર્જી સાવ ડાઉન થઈ જાય છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.
તો ચાલો, આ `મોન્સૂન મૂડ`નો એક સરળ ઈલાજ શોધીએ – આ માટે આપણી રોજિંદી દિનચર્યામાં બહુ મોટા નહીં, બસ નાના-નાના ફેરફારો કરવાની જરૂર છે.
ચોમાસામાં વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યપ્રકાશ ઓછો મળે છે, જેના લીધે આપણા શરીરમાં `સેરોટોનિન` (જેને આપણે `ફીલ ગુડ` હોર્મોન કહીએ છીએ) નું સ્તર ઘટી જાય છે. એટલે, વર્કઆઉટ કરવાનું મોટિવેશન ક્યારે આવે એની રાહ જોવાને બદલે ઊંધું કરો – મુવમેન્ટ શરૂ કરો, મોટિવેશન આપોઆપ આવી જશે.
તમારે કોઈ જીમમાં જવાની કે કલાકો સુધી પરસેવો પાડવાની જરૂર નથી. ઘરમાં જ કરવામાં આવતી માત્ર ૨૦ થી ૩૦ મિનિટની સામાન્ય એક્ટિવિટી પણ મોટો તફાવત લાવી શકે છે:
સવારે ઉઠીને માત્ર ૧૦ મિનિટ બોડી સ્ટ્રેચિંગ અથવા હળવા આસનો કરો.
જમ્યા પછી ઘરમાં જ થોડું ઝડપથી ચાલો, સાંજે હળવી ગતિશીલ (લાઈટ મોબિલિટી) એક્સરસાઇઝ કરો.
મનગમતી પ્રવૃત્તિ: દોરડા કૂદો અથવા તમારા ફેવરિટ મ્યુઝિક પર દિલ ખોલીને ડાન્સ કરો.
જ્યારે બહારનું વાતાવરણ એકદમ અનપ્રિડિક્ટેબલ (અનિયમિત) હોય, ત્યારે અંદરથી સ્ટેબલ રહેવા માટે આ નાની આદતો અપનાવો:
મોડી રાત્રે ફોન કે ટીવીનો વધુ પડતો ઉપયોગ ટાળો, કારણ કે તે તમારી ઊંઘ અને મૂડ બંનેને બગાડે છે.
સારું મ્યુઝિક સાંભળો, ડાયરી (journaling) લખો. એક ફિક્સ રૂટિન તમને માનસિક સ્થિરતા આપશે.
આ એવો સમય છે જ્યારે તમે જૂના મિત્રો સાથે ફોન પર દિલ ખોલીને વાતો કરી શકો છો, જે પુસ્તકો વાંચવાના રહી ગયા છે તે પૂરા કરી શકો છો અથવા પરિવાર સાથે કેરમ કે લુડો જેવી ઇન્ડોર ગેમ્સ રમી શકો છો.
આ સીઝન ઘરમાં કેદ થઈને લો ફીલ કરવા માટે નથી, પણ મેન્ટલ હેલ્થને બૂસ્ટ કરીને રિફ્રેશ થવા માટેની છે.
હા, ચોમાસામાં ગરમાગરમ ચા અને ઘરના બનેલા ભજિયાંની મજા ચોક્કસ લો – પણ તેની સાથે એવો પૌષ્ટિક ખોરાક પણ લો જે તમારી એનર્જી વધારે, નહીં કે તમને વધારે સુસ્ત બનાવે.
આ આખી રમત માત્ર `એડેપ્ટેશન` એટલે કે બદલાતા વાતાવરણ સાથે અનુકૂળ થવાની છે – થોડું અલગ રીતે હલનચલન રાખવું, સમજી-વિચારીને ખાવું અને થોડા વધુ સભાન બનીને પોતાના માનસિક સ્વાસ્થ્યની સંભાળ રાખવી. કારણ કે, વરસાદ ભલે આખા શહેરની રફતાર ધીમી પાડી દે, પણ એ તમારા શરીની સ્પીડને ધીમી ન કરી શકે.
શરીર અને મન બંનેથી હળવાશ અનુભવવા માટે, ક્યારેક ઘરમાં જ એક નાનું પણ સકારાત્મક પગલું ભરવું પૂરતું હોય છે! બસ તો આ ચોમાસામાં આ જ કરવાનું છે એવું નક્કી કરી લો તો મોસમની મજા માણવાની વધુ મજા આવશે.
(શબ્દાંકનઃ રચના જોષી)