Health Funda: શ્રાવણ મહિનાના ઉપવાસ એ પરંપરા, ફિટનેસ કે માત્ર વજન ઘટાડવાની હોડ?

15 August, 2026 03:24 PM IST  |  Mumbai | Dr. Rishita Bochia Joshi

Health Funda: આજના સમયમાં કેવી રીતે શ્રાવણ માસના ઉપવાસ હવે માત્ર આત્મસંયમ અને આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક નથી રહ્યા, પરંતુ વજન ઘટાડવા માટેનો એક લોકપ્રિય માર્ગ બની ગયા છે. માઇન્ડફુલ ઉપવાસ અને કેલરીથી ભરપૂર એવા ‘ફરાળી દાવતો’ વચ્ચેનો તફાવત સમજવો જરુરી

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.

આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે,  શ્રાવણ મહિનામાં ઉપવાસનો સાથો અર્થ શું?

શ્રાવણ મહિનો આવતાની સાથે જ એક અલગ જ વાતાવરણ સર્જાય છે — મંદિરની ઘંટડીનો અવાજ, સાત્વિક આહાર અને ભારતીય ઘરોમાં ઉપવાસનો પ્રારંભ. પરંતુ પરંપરા અને આજના યુગમાં `વજન ઘટાડવાની ઘેલછા` વચ્ચે, ઉપવાસનો સાચો અર્થ ક્યાંક ખોવાઈ રહ્યો હોય તેવું લાગે છે.

૧. તમારા આંતરિક `હેતુ` (Why) ને ઓળખો

ઉપવાસ શરૂ કરતા પહેલા તમારી જાતને પૂછો: તમે ઉપવાસ શા માટે કરી રહ્યા છો?

શું તમે મનને શાંત કરવા, આધ્યાત્મિક સાધના કરવા અને પાચનતંત્રને આરામ આપવા માંગો છો?

કે પછી તમે માત્ર અનુકરણ (પીઅર પ્રેશર) કે વજન ઘટાડવા માટે આ કરી રહ્યા છો?

તંદુરસ્ત શરીરની ઈચ્છા રાખવામાં કંઈ ખોટું નથી, પરંતુ જો વજન ઘટાડવું એ જ ઉપવાસ પાછળનો એકમાત્ર હેતુ બની જાય, તો શું આપણે ખરેખર ઉપવાસ કરી રહ્યા છીએ કે પછી માત્ર ભૂખ્યા રહી રહ્યા છીએ?

૨. ઉપવાસ અને `ફરાળી ખાનપાન` વચ્ચેનો તફાવત

પરંપરાગત ઉપવાસ એ શરીરને સજા આપવાનું સાધન ક્યારેય નહોતું; તે સંયમ, જાગૃતિ અને શિસ્તની સાધના છે. તેનો હેતુ સાદો ખોરાક લેવો અને અતિ-આહારની ટેવમાંથી બહાર નીકળવાનો હતો.

આખો દિવસ ભૂખ્યા રહ્યા પછી સાંજે બટાકા, તળેલી વાનગીઓ, મીઠાઈઓ, સુકો મેવો અને સીંગદાણાથી ભરેલી કેલરી-રીચ ફરાળી થાળી આરોગવી — એ ઉપવાસ નથી પણ `ફરાળી દાવત` છે. આનાથી શરીરને કોઈ સ્વાસ્થ્યપ્રદ ફાયદો થતો નથી.

યાદ રાખો:

જો હેતુ આધ્યાત્મિક હોય, તો ખોરાક એકદમ સાદો અને મન શાંત હોવું જોઈએ.

જો હેતુ સ્વાસ્થ્ય હોય, તો ભૂખ્યા રહેવાને બદલે શરીરને યોગ્ય પોષણ આપવા પર ધ્યાન આપો.

જો હેતુ વજન ઘટાડવાનો હોય, તો યાદ રાખો કે કાયમી ફેટ-લોસ યોગ્ય આહારશૈલીથી થાય છે, થોડા દિવસોની કડક પરેજીથી નહીં.

૩. શરીરના સંકેતોને ઓળખો

ઉપવાસ કરતી વખતે તમારા શરીરનો અવાજ સાંભળવો ખૂબ જ જરૂરી છે. સતત ચક્કર આવવા, નબળાઈ લાગવી, માથાનો દુખાવો, ભારે એસિડિટી કે કામમાં એકાગ્રતા ન થવી એ સફળ ઉપવાસના લક્ષણો નથી — એ સંકેત છે કે તમારે તમારી પદ્ધતિ બદલવાની જરૂર છે.

કોણે ઉપવાસ ન કરવા જોઈએ?

બાળકો, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ.

વયોવૃદ્ધ લોકો અને ડાયાબિટીસ કે અન્ય બીમારીઓ ધરાવતી વ્યક્તિઓ.

નિયમિત દવાઓ લેતા દર્દીઓ.

૪. ભગવાન શિવ અને સાચી ભક્તિ

જો ઉપવાસ કરવાથી તમે ગુસ્સે થઈ જાઓ છો, તમારી એનર્જી ઓછી થઈ જાય છે અથવા ભૂખ સહન કરવી અશક્ય બને છે, તો આ મહિનો ચાલતા ઉપવાસ વિશે ફરી વિચારવાની જરૂર છે.

માત્ર ભૂખ્યા રહેવાથી શિવજી પ્રસન્ન થઈ જશે એવું નથી. ઈશ્વરની આરાધના અને આધ્યાત્મિક શાંતિ મેળવવાના બીજા ઘણા માર્ગો છે:

નિયમિત ધ્યાન (Meditation) કરવું.

તામસિક ખોરાક અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું.

શરીરમાં સંતુલન લાવવા માટે યોગને દિનચર્યાનો ભાગ બનાવવો.

ઉપવાસ કરો પણ શ્રદ્ધા સાથે, સભાનતા (Awareness) સાથે અને એક સ્પષ્ટ હેતુ સાથે. સંયમ અને શાંતિ જ આ શ્રાવણ મહિનાની સાચી ભેટ છે.

 

(શબ્દાંકનઃ રચના જોષી)

health funda dr rishita bochia joshi health tips healthy living shravan diet overweight life and style lifestyle news exclusive columnists gujarati mid day rachana joshi