23 August, 2025 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
હાઈ બ્લડપ્રેશર એ હાર્ટ-ડિસીઝ, સ્ટ્રોક, ડિમેન્શિયા અને ક્રૉનિક કિડની ડિસીઝનું મોટું જોખમી પરિબળ છે. અમેરિકન હાર્ટ અસોસિએશન (AHA)નું કહેવું છે કે જો આ જીવલેણ રોગોનું જોખમ ઘટાડવું હોય તો હાઇપરટેન્શનના મૅનેજમેન્ટ માટેની ગાઇડલાઇન બદલવી જોઈએ.
હાર્ટ, રક્તવાહિની, બ્રેઇન અને કિડનીને થતું ડૅમેજ અટકાવવા માટે હાઇપરટેન્શનનું કડક મૉનિટરિંગ જરૂરી છે એવું કાર્ડિઍક નિષ્ણાતોનું કહેવું છે.
શું છે બ્લડપ્રેશરનાં પરિમાણ?
શરીરમાં લોહીનું દબાણ મિલીમીટર ઑફ મર્ક્યુરી (mmHg)ના યુનિટમાં મપાય છે. એમાં ઉપરનું સિસ્ટોલિક દબાણ અને નીચેનું ડાયસ્ટોલિક દબાણ કહેવાય છે. એક સમયે સિસ્ટોલિક દબાણ ૧૩૦ અને ડાયસ્ટોલિક દબાણ ૯૦ને ન્યુ નૉર્મલ ગણવામાં આવતું હતું, પણ હવે અમેરિકન હાર્ટ અસોસિએશને હાઇપરટેન્શનનું પરિમાણ ૧૨૦/૮૦ mmHg ગણ્યું છે. આ નવા પરિમાણને સમજાવતાં મૅક્સ હેલ્થકૅરના કાર્ડિઍક સાયન્સિસના ચૅરમૅન ડૉ. બલબીર સિંહનું કહેવું છે, ‘એનો મતલબ એ કે નૉર્મલ બ્લડપ્રેશર લેવલ ૧૨૦/૮૦ mmHg કરતાંય થોડું ઘટ્યું છે. હવે તમારું બ્લડપ્રેશર 115-119/70-79 mmHg હોય એ આઇડિયલ ગણાય. 120/80 mmHg એ વધેલું બ્લડપ્રેશર ગણાશે. ૧૩૦-૧૩૯/૮૦-૮૯ વચ્ચેનું પ્રેશર સ્ટેજ-વન હાઇપરટેન્શન ગણાશે અને ૧૪૦થી વધુ સિસ્ટોલિક કે ૯૦થી વધુ ડાયસ્ટોલિક એ સ્ટેજ-ટૂ હાઇપરટેન્શન કહેવાશે. બ્રેઇન, કિડનીની હેલ્થ અને પ્રેગ્નન્સીને લગતાં કૉમ્પ્લીકેશન્સ ઘટાડવા માટે પરિમાણોમાં આટલું અગ્રેસિવ રિવિઝન કરવામાં આવ્યું છે. અભ્યાસોમાં જોવા મળ્યું છે કે હાઈ બ્લડપ્રેશરને કારણે બ્રેઇનની સૂક્ષ્મ રક્તવાહિનીઓ ડૅમેજ થાય છે.’
ક્યારે બ્લડપ્રેશરની દવા લેવાનું શરૂ કરવું?
નવી ગાઇડલાઇન્સ મુજબ સિસ્ટોલિક બ્લડપ્રેશર ૧૩૦થી ૧૩૯ હોય તો પહેલાં એને લાઇફસ્ટાઇલ ચેન્જથી મૅનેજ કરવાનું રહે છે. જો એ પરિવર્તન કરવાથી બ્લડપ્રેશર ઘટે નહીં તો દવા શરૂ કરવાની જરૂર પડે છે અથવા તો ડાયસ્ટોલિક પ્રેશર ૮૦થી ૯૦ જેટલું વધી જાય તો એવા કેસમાં એક મેડિકેશનની સલાહ અપાય છે. હાર્ટ-ફેલ્યરના દરદીઓમાં અચાનક ક્રાઇસિસ પેદા ન થાય અને એ માટે જોખમ ઘટાડવા માટે દવા જરૂરી છે.
જો બ્લડપ્રેશર ૧૪૦/૯૦ mmHgથી વધી જાય તો ગાઇડલાઇન મુજબ દિવસમાં બે દવા તરત જ શરૂ કરવાનું કહેવાયું છે. ડૉ. સિંહનું કહેવું છે કે બે જુદી દવાઓ જે બે અલગ-અલગ રીતે બ્લડપ્રેશર ઘટાડવાનું કામ કરે છે એ વધુ ઇફેક્ટિવ છે. સિંગલ દવાનો ઊંચો ડોઝ આપવા કરતાં બે દવાઓનું કૉમ્બિનેશન વધુ અસરકારક હોય છે.’