23 November, 2026 05:29 PM IST | Mumbai | Heena Patel
જૃંભાવેગ, મળવેગ, છર્દિવેગ, ક્ષુધાવેગ, અશ્રુવેગ અને ક્ષવથુવેગ
આપણે સ્વસ્થ રહેવા માટે આહાર અને જીવનશૈલીનું ધ્યાન રાખીએ છીએ, પરંતુ શરીર દ્વારા રોજ અપાતા કેટલાક કુદરતી સંકેતોને અવગણીએ છીએ. જાહેર સ્થળે વાયુનો ત્યાગ કરવો કે છીંક રોકવી, કામની ઉતાવળમાં મળમૂત્રની ઇચ્છા ટાળવી, ભૂખ-તરસને અવગણવી કે ઊંઘ આવતી હોવા છતાં જાગતા રહેવું જેવી બાબતો સામાન્ય લાગે છે. જોકે આયુર્વેદમાં શરીરની આવી ૧૩ કુદરતી ક્રિયાઓને ‘અધારણીય વેગ’ કહેવામાં આવે છે, જેમને બળજબરીથી રોકવી ન જોઈએ. કઈ છે આ ક્રિયાઓ અને એમને રોકવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થઈ શકે છે એ વિશે ત્રિતત્ત્વમ આયુર્વેદ અને પંચકર્મ સેન્ટરનાં આયુર્વેદિક એક્સપર્ટ શીતલ ત્રિવેદી પાસેથી જાણીએ.
૧. વાતવેગ (વાયુને બહાર નીકળતો રોકવો)
શરીરમાં બનતો વાયુ કુદરતી રીતે બહાર નીકળવો ખૂબ જરૂરી છે. ઘણી વાર જાહેર સ્થળોએ સંકોચ કે શરમને કારણે આપણે એને રોકી રાખીએ છીએ, પરંતુ વારંવાર આવું કરવાથી મળ અને પેશાબના નિકાલમાં અવરોધ ઊભો થાય છે. આ ઉપરાંત પેટ ફૂલવું, પેટમાં દુખાવો થવો, અસ્વસ્થતા થવી અને વધુ પડતો થાક લાગવો જેવી તકલીફો પણ થઈ શકે છે. તેથી આ સામાન્ય શારીરિક ક્રિયાને શરમ સાથે જોડવાને બદલે યોગ્ય સમયે વાયુનો ત્યાગ કરવો જોઈએ.
૨. મળવેગ (મળત્યાગની ઇચ્છા રોકવી)
આજની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા લોકો સવારે ઑફિસની ઉતાવળમાં કે મોબાઇલમાં વ્યસ્ત રહીને મળત્યાગ કરવાનું ટાળે છે, જ્યારે બાળકો સ્કૂલમાં સ્વચ્છ ટૉઇલેટ ન હોવાને કારણે એને રોકી રાખે છે. આ વેગને વારંવાર રોકવાથી પેટ ફૂલવું, પેટના નીચેના ભાગમાં તથા માથામાં દુખાવો થવો, વાયુ અટકવો અને પગની પિંડીઓમાં ખેંચાણ થવું જેવી તકલીફો થઈ શકે છે. લાંબા ગાળે આ આદત ગંભીર કબજિયાત, પેટમાં ભારેપણું તેમ જ પાઇલ્સ અને ગુદામાં ચીરા જેવા રોગોનું જોખમ વધારે છે. તેથી જ્યારે પણ મળત્યાગની ઇચ્છા થાય ત્યારે એને રોકવાને બદલે પૂરતો સમય આપવો જોઈએ અને સાથે યોગ્ય આહાર તથા પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ એટલું જ જરૂરી છે.
૩. મૂત્રવેગ (પેશાબ રોકવો)
આજના સમયમાં લાંબી મુસાફરી, સ્કૂલમાં ટૉઇલેટની સુવિધાનો અભાવ અને કામની વ્યસ્તતાને કારણે ઘણા લોકો પેશાબ લાગ્યો હોવા છતાં એને રોકી રાખે છે. ખાસ કરીને મહિલાઓ જાહેર શૌચાલયનો ઉપયોગ ટાળવા માટે પેશાબ રોકે છે અથવા પાણી ઓછું પીએ છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પેશાબ રોકવાથી મૂત્રાશયમાં અને પેશાબની નળીમાં દુખાવો થવો, પેશાબ કરવામાં તકલીફ થવી, માથાનો દુખાવો થવો, શરીર અકડાઈ જવું અને જાંઘના સાંધા પાસે ભાર લાગવો કે ફુલાવો થઈ શકે છે. લાંબા સમય સુધી આવું કરવાથી મૂત્રાશય પર બિનજરૂરી દબાણ આવે છે અને પેશાબની નળીઓમાં ચેપ લાગવાનું જોખમ પણ વધી જાય છે. તેથી પેશાબ જવાની ઇચ્છા થાય ત્યારે એને રોકવાને બદલે યોગ્ય સમયે એનો નિકાલ કરવો જોઈએ.
૪. ક્ષવથુવેગ (છીંક રોકવી)
છીંક રોકવાથી ગરદન અકડાઈ જવી, માથામાં દુખાવો થવો અને ક્યારેક કાનમાં દબાણ થવું જેવી તકલીફો થઈ શકે છે. છીંક નાક અને શ્વાસની નળીઓમાંથી ધૂળ, ઍલર્જી પેદા કરનારા કણો કે નાકમાં બળતરા અને ખંજવાળ પેદા કરતા અન્ય કણોને બહાર કાઢવાની કુદરતી પ્રક્રિયા છે. કેટલાક લોકો જાહેર સ્થળે છીંક ન આવે એ માટે નાક દબાવી દે છે અથવા મોઢું અને નાક બન્ને બંધ કરી દે છે. આવું કરવું યોગ્ય નથી. છીંક આવે ત્યારે ટિશ્યુ કે રૂમાલ વડે નાક અને મોઢું ઢાંકીને છીંક આવવા દેવી જોઈએ.
૫. ક્ષુધાવેગ (ભૂખ રોકવી)
ભૂખ શરીરને ઊર્જા અને પોષણની જરૂર હોવાનો કુદરતી સંકેત છે, પરંતુ આજના સમયમાં કામની વ્યસ્તતા કે ઝડપથી વજન ઘટાડવાની લાલચમાં ઘણા લોકો ભૂખને અવગણે છે. ખાસ કરીને લગ્નપ્રસંગ પહેલાં કે જિમમાં વધુ કૅલરી બર્ન કરવા માટે લોકો ક્રૅશ ડાયટિંગ કરે છે, દિવસમાં એક જ વાર જમે છે અથવા માત્ર જૂસ-સૂપ પર રહીને પાણી પીને ભૂખ દબાવે છે. આ રીતે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી નબળાઈ લાગવી, ચક્કર આવવાં, શરીરમાં દુખાવો થવો, ચહેરાની ચમક ઘટવી અને પાચનશક્તિ મંદ પડવી જેવી તકલીફો થઈ શકે છે. અતિશય ડાયટિંગથી શરૂઆતમાં વજન ઘટતું દેખાય છે, પરંતુ એમાં શરીરનું પાણી અને સ્નાયુઓ ઘટે છે જે લાંબા ગાળે પોષણની ઊણપ અને સતત થાક લાવે છે. તેથી ભૂખ લાગે ત્યારે એને રોકવાને બદલે સમયસર હળવો, ગરમ, થોડો સ્નિગ્ધ અને સંતુલિત આહાર લેવો જોઈએ.
૬. તૃષ્ણાવેગ (તરસ રોકવી)
તરસ શરીરને પાણીની જરૂર હોવાનો કુદરતી સંકેત છે. ખાસ કરીને ઉનાળામાં એક્સરસાઇઝ દરમ્યાન કે વધુ પરસેવો થતો હોય ત્યારે આ જરૂરિયાત વધી જાય છે. તરસને લાંબા સમય સુધી રોકી રાખવાથી મોઢું અને ગળું સુકાવું, થાક લાગવો, નબળાઈ અને શરીરમાં અસ્વસ્થતા લાગવી જેવી તકલીફો થઈ શકે છે. તેથી તરસ લાગે ત્યારે એને અવગણવાને બદલે દિવસભર પૂરતું પાણી અને શરીરને હાઇડ્રેટ રાખે એવું પ્રવાહી લેવું જોઈએ. જોકે હૃદય કે કિડનીના દરદીઓએ પ્રવાહીનું પ્રમાણ ડૉક્ટરની સલાહ મુજબ જ રાખવું.
૭. નિદ્રાવેગ (ઊંઘ રોકવી)
ઊંઘ શરીર અને મગજને પૂરતો આરામ આપવા તથા યાદશક્તિ મજબૂત કરવા માટે અત્યંત જરૂરી છે. જોકે આજના સમયમાં ઘણા લોકો ઑફિસનું કામ, પરીક્ષાની તૈયારી, નાઇટ શિફ્ટ કે રાત્રે મોડે સુધી મોબાઇલ પર વેબ-સિરીઝ અને સોશ્યલ મીડિયા જોવામાં ઊંઘનો ભોગ આપે છે. ઊંઘને વારંવાર રોકવાથી બગાસાં આવવાં, આંખોમાં ભાર લાગવો, માથામાં તથા શરીરમાં દુખાવો થવો, સુસ્તી લાગવી, એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો થવો તેમ જ ભૂખનાં હૉર્મોન્સ અસંતુલિત થવાં જેવી તકલીફો થાય છે. લાંબા સમય સુધી ઊંઘની ઊણપ રહેવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર, હૃદયરોગ થવાનું જોખમ વધી જાય છે. તેથી ઊંઘ આવે ત્યારે એને ટાળવી નહીં, સૂવા-ઊઠવાનો સમય નિયમિત રાખવો અને થાક દૂર કરવા શરીરની માલિશ કરવી જોઈએ.
૮. શ્રમજન્ય નિઃશ્વાસવેગ
(થાકને કારણે ચડતો શ્વાસ)
શારીરિક પરિશ્રમ કે કસરત કર્યા પછી શ્વાસની ગતિ વધી જાય અને થાક લાગે તો એ શરીરને આરામની જરૂર હોવાનો કુદરતી સંકેત છે. આજના સમયમાં ઘણા લોકો કામ પૂરું કરવાની ઉતાવળમાં કે જિમમાં ક્ષમતા કરતાં વધારે વજન ઉઠાવવાના અને દરરોજ સખત વર્કઆઉટ કરવાના ચક્કરમાં થાકને અવગણીને સતત શ્રમ કરતા રહે છે. શરીરના આ સંકેતોને અવગણવાથી કાર્યક્ષમતા ઘટે છે અને ચક્કર આવવા, બેભાન થઈ જવું તથા હૃદય પર વધારાનો ભાર પડવો જેવી ગંભીર તકલીફો થઈ શકે છે. તેથી કસરત કે મહેનત જેટલી જરૂરી છે એટલો જ આરામ પણ જરૂરી હોવાથી શ્વાસ ચડે કે અસામાન્ય થાક અને દુખાવો જણાય ત્યારે કામ કે કસરત અટકાવીને શરીરને સ્વસ્થ થવા માટે પૂરતો આરામ આપવો જોઈએ.
૯. ઉદ્ગારવેગ (ઓડકાર રોકવો)
જમ્યા પછી પેટમાં ભરાયેલી વધારાની હવાને બહાર કાઢવા માટે ઓડકાર આવવો એ એક કુદરતી શારીરિક પ્રક્રિયા છે. આજના સમયમાં ઘણા લોકો ઑફિસની મીટિંગમાં, ક્લાસરૂમમાં કે સામાજિક પ્રસંગોમાં સંકોચને કારણે ઓડકાર રોકવાનો પ્રયત્ન કરે છે. આ રીતે બળજબરીથી ઓડકાર રોકવાથી હેડકી આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, ભૂખ ન લાગવી, કંપારી થવી, પેટમાં ભારેપણું લાગવું કે ફુલાવું અને છાતીના ઉપરના ભાગમાં દબાણ લાગવું કે ગભરામણ થવી જેવી તકલીફો થઈ શકે છે. તેથી જાહેરમાં અવાજ ન થાય એ રીતે શાંતિથી ઓડકાર બહાર કાઢવો જોઈએ અને જમતી વખતે ઉતાવળ કરવી, વાતો કરતાં-કરતાં ખાવું, ગૅસવાળાં પીણાં પીવાં તથા ચ્યુઇંગ-ગમ ચાવવી જેવી આદતો ટાળવી જોઈએ જેથી પેટમાં વધારાની હવા ન જાય.
૧૦. જૃંભાવેગ (બગાસું રોકવું)
બગાસું આવવું એ શરીરની એક કુદરતી ક્રિયા છે જે થાક, ઊંઘની અછત અથવા લાંબા સમય સુધી એકધારું કામ કરવાને કારણે થાય છે. ઘણા લોકો સંકોચને કારણે બગાસું રોકવાનો પ્રયત્ન કરે છે; પરંતુ વારંવાર આવું કરવાથી જડબાંના સ્નાયુઓમાં તનાવ થવો, શરીર અકડાઈ જવું, સ્નાયુઓમાં ખેંચાણ આવવું, સુન્નતા લાગવી, કંપારી થવી અને ધ્રુજારી થવી જેવી તકલીફો થઈ શકે છે. તેથી બગાસું આવે ત્યારે એને બળજબરીથી દબાવવાને બદલે શરીરના આરામના સંકેતને સમજવો જોઈએ અને જો વારંવાર બગાસાં આવતાં હોય તો પોતાની ઊંઘ તથા રોજિંદી દિનચર્યા પર યોગ્ય ધ્યાન આપવું જોઈએ.
૧૧. અશ્રુવેગ (આંસુ રોકવાં)
દુઃખ, અતિશય આનંદ કે માનસિક તનાવના સમયે આંખમાં આંસુ આવવાં એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે; પરંતુ ઘણી વાર આપણે લાગણીઓને દબાવી દઈએ છીએ. આંસુઓને બળજબરીથી રોકી રાખવાથી શરદી, આંખના રોગો, છાતીના ભાગમાં તકલીફ, ભૂખ ન લાગવી અને ચક્કર આવવાં જેવી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત સતત લાગણીઓ દબાવવાથી માનસિક તનાવ, ચીડિયાપણું, બેચેની, ગુસ્સો, એકલતા અને સંબંધોમાં ભાવનાત્મક અંતર ઊભું થાય છે. તેથી આંસુ રોકવાને બદલે લાગણીઓને વ્યક્ત કરવી જોઈએ. એમાં પૂરતી ઊંઘ લેવી અને પ્રિય કે વિશ્વાસુ વ્યક્તિ સાથે મનની વાત વહેંચવી ખૂબ જ મદદરૂપ બને છે અને જો માનસિક તકલીફ વધુ જણાય તો યોગ્ય કાઉન્સેલિંગ કરવું જોઈએ કે સારવાર લેવી જોઈએ.
૧૨. છર્દિવેગ (ઊલટી રોકવી)
ઊલટી થવી એ શરીરની એક બચાવ પ્રતિક્રિયા છે જે ખોરાક ન પચવાની, ચેપ કે પાચનતંત્રની તકલીફને કારણે થઈ શકે છે. ઊલટું વેગને બળજબરીથી રોકવાથી ઊબકા આવવા, ભૂખ ન લાગવી, તાવ આવવો, સોજો થવો, લોહીની ઊણપ થવી, ચહેરા પર ડાઘ થવા, ખંજવાળ આવવી, ચામડી પર ચકામાં પડવાં અને વિસર્પ જેવા ત્વચાના રોગો થઈ શકે છે. તેથી ઊલટી થાય ત્યારે એને રોકવાનો કે જાતે જ કરાવવાનો પ્રયાસ કરવો નહીં અને જો વારંવાર ઊલટી થાય, પાણી પણ ન ટકે, ડીહાઇડ્રેશન થાય કે ઊલટીમાં લોહી દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
૧૩. શુક્રવેગ (પ્રજનન સંબંધિત કુદરતી વેગ)
આ વિષયને સંકોચને બદલે પ્રજનન સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી સમજવો જરૂરી છે. શરીરની કુદરતી પ્રજનન-પ્રક્રિયાઓ અને જરૂરિયાતોને બળજબરીથી રોકવી ન જોઈએ, કારણ કે એમ કરવાથી શારીરિક તકલીફો ઊભી થઈ શકે છે. આ બાબતે ખોટી માન્યતાઓ કે અયોગ્ય દબાણ રાખવાને બદલે શરીરના કુદરતી સંકેતો પ્રત્યે યોગ્ય સમજદારી રાખવી સ્વાસ્થ્ય માટે હિતકારક છે.
૧૪. કાસવેગ (ખાંસી રોકવી)
કાસ એટલે ખાંસી, જેને અષ્ટાંગ હૃદયમાં ન રોકવા જેવા વેગમાં ગણવામાં આવી છે. જોકે ચરકસંહિતાના ૧૩ વેગોમાં એનો સમાવેશ નથી, કારણ કે એ શ્વસનમાર્ગને સાફ કરવાની કુદરતી બચાવક્રિયા છે. આપણે ઘણી વાર ઑફિસમાં, મીટિંગમાં, ક્લાસમાં કે જાહેર કાર્યક્રમમાં સંકોચને કારણે ખાંસી દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ; પરંતુ આમ કરવાથી ગળા અને શ્વસનમાર્ગમાં કફ જમા થવાથી અસ્વસ્થતા વધે છે અને મૂળ રોગની સારવારમાં વિલંબ થાય છે. તેથી ખાંસીને રોકવાને બદલે મોઢું કોણી અથવા ટિશ્યુથી ઢાંકીને યોગ્ય રીતે ખાંસવું અને હાથની સ્વચ્છતા જાળવવી જોઈએ તેમ જ જો સૂકી ખાંસી, ઍલર્જી, અસ્થમા કે લાંબા સમયની ખાંસી હોય તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે.