શું કોઈ દવા હોઈ શકે જે આરોગ્યને સુધારી શકે?

16 September, 2025 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હોમિયોપથીની ફિલોસૉફી માને છે કે આપણા શરીરની અંદર એક જૈવિક બળ છે જેને લાઇફ-ફોર્સ કહી શકાય. એ આપણા જીવનનું નિયમન કરે છે. એ આપણી અંદર રહેલી એવી સિસ્ટમ છે જે આપણને બાહ્ય પરિબળથી બચાવે છે, રોગોથી બચાવે છે.

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI

દવા હંમેશાં રોગનો ઇલાજ કરવા માટે જ નથી હોતી, રોગ ક્યારેય થાય જ નહીં એના માટે પણ હોઈ શકે છે. ઍલોપથી પાસે આવી દવા નથી પરંતુ હોમિયોપથી પાસે છે, કારણ કે આ સાયન્સ થોડું અલગ છે. આજકાલ એક કન્સેપ્ટ આપણી આસપાસ સમાજમાં પ્રવર્તી રહ્યો છે જે છે સંપૂર્ણ હેલ્થનો કન્સેપ્ટ. એ અનુસાર આરોગ્ય પામીને સદા નીરોગી રહેવાની વાત વહેતી કરવામાં આવી રહી છે. શું કોઈ એવી દવા હોઈ શકે જે આરોગ્યને સુધારી શકે, જે એક એવું સ્ટેજ લાવે જ્યાં વ્યક્તિ એટલી સ્ટ્રૉન્ગ હોય કે તેને બીમારી આવે નહીં અથવા આવે તો તેને અસર કરે નહીં? આ કન્સેપ્ટ બિલકુલ નવો નથી. વર્ષો પહેલાં ડૉ. સૅમ્યુઅલ હનેમને જે મુખ્ય સિદ્ધાંતો પર હોમિયોપથીની શરૂઆત કરી એમાં એક સિદ્ધાંત એ હતો કે ઇલાજ દરમ્યાન એ વસ્તુને શરીરમાંથી દૂર કરવી જેને કારણે વ્યક્તિ ભવિષ્યમાં બીમાર પડી શકે છે. આમ પ્રિવેન્શન એ હોમિયોપથીના મૂળભૂત સિદ્ધાંતોમાં સામેલ એવો સિદ્ધાંત છે.

હોમિયોપથીની ફિલોસૉફી માને છે કે આપણા શરીરની અંદર એક જૈવિક બળ છે જેને લાઇફ-ફોર્સ કહી શકાય. એ આપણા જીવનનું નિયમન કરે છે. એ આપણી અંદર રહેલી એવી સિસ્ટમ છે જે આપણને બાહ્ય પરિબળથી બચાવે છે, રોગોથી બચાવે છે. એના વગર કોઈ અનુભૂતિ, કોઈ કાર્ય કે કોઈ પણ પ્રકારનો બચાવ શક્ય બનતો નથી. આ જૈવિક બળને કારણે જ આપણે હેલ્ધી જીવન જીવી શકીએ છીએ. જ્યારે એ કોઈ પણ રીતે ડિસ્ટર્બ થાય છે ત્યારે શરીરમાં કોઈ પ્રકારનાં ચિહ્‌નો દ્વારા એ પોતાનું ડિસ્ટર્બન્સ જતાવે છે. આ ચિહ્‌નોને આપણે બીમારી સમજીએ છીએ. ઇલાજરૂપે હવે જો આ ચિહ્‌નો દૂર કરવા મથીએ તો લક્ષણો જરૂર દૂર થાય, પરંતુ આ રોગનું કારણ દૂર થતું નથી. હોમિયોપથી એના ઇલાજમાં એનાં ચિહ્‌નોને સુધારવા મથતી નથી, પરંતુ જૈવિક બળના આ ડિસ્ટર્બન્સને સુધારે છે. એક વખત જૈવિક બળ સુધરી જાય તો બીમારીનાં ચિહ્‌નો એની મેળે જતાં રહે છે. આમ બીમારીને જડમૂળથી દૂર કરવાનો પ્રયાસ હોમિયોપથી કરે છે.

હોમિયોપથીના સિદ્ધાંત મુજબ વ્યક્તિમાં રહેલું જૈવિક બળ જ્યારે ડિસ્ટર્બ થાય છે ત્યારે એ કોઈ ચિહ્‌નો જતાવે છે જેને આપણે રોગ કહીએ છીએ. હોમિયોપથીની ઝીણી સફેદ ગોળીઓ આ જૈવિક બળ પર કામ કરે છે અને એના ડિસ્ટર્બન્સને સુધારી એનું સમતોલન જાળવીને વ્યક્તિને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ તો થઈ બીમારીને ઠીક કરવાની વાત, પરંતુ આ સફેદ ગોળીઓ આવનારી બીમારીથી રક્ષણ કરવાનું પણ કામ કરે છે. એટલે કે બીમારીથી બચાવ પણ શક્ય છે. જ્યારે લાઇફ-ફોર્સ ઠીક છે ત્યારે બીમારી આવી શકતી જ નથી. હોમિયોપથી આ લાઇફ-ફોર્સ પર કામ કરે છે જે આપણા બધા માટે ઘણું ઉપયોગી સાબિત થાય એમ છે. 

- ડૉ. રાજેશ શાહ

health tips ayurveda columnists lifestyle news exclusive