સ્ત્રીઓમાં હૉર્મોન્સના બદલાવને કારણે પણ હાડકાંમાં કળતર થઈ શકે છે

18 April, 2024 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેલ્ધી લાઇફ-સ્ટાઇલ, જરૂર પડે તો સપ્લીમેન્ટ્સ અને ધીરજ જ એનો ઇલાજ છે. આ પરિસ્થિતિમાં વજન ઓછું કરવું જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

હાલમાં મારી પાસે ૪૭ વર્ષનાં એક બહેન એની સમસ્યા લઈને આવ્યાં. તેમને છેલ્લા એકાદ મહિનાથી શરીરમાં સખત કળતર રહેતી હતી. એવું લાગતું હતું કે શરીર તૂટ્યા કરે છે. દિવસે-દિવસે ખૂબ થાકતાં હતાં. ઘૂંટણનો દુખાવો ચાલુ થયો ત્યારે જ તેમને લાગ્યું કે હે ભગવાન, મને તો ઉંમરલાયક ચિહ્‍‍નો શરૂ થઈ ગયાં. આખો દિવસ ઘૂંટણની ચિંતામાં રહેવા લાગ્યાં. તેલ ઘસ્યા કરે. પોતાની મેળે જ તેમણે પગથિયાં ઊતર-ચડ કરવાનું ઓછું કરી નાખ્યું. ખાસ કરીને સવારે ઊઠે ત્યારે આ તકલીફ ખૂબ વધારે થતી. તપાસ કરી, ટેસ્ટ કરાવ્યાં ત્યારે સમજાયું કે આ ઉંમરલાયક બદલાવ નથી, પરંતુ તમારો મેનોપૉઝ પહેલાંનો સમય ચાલી રહ્યો છે એટલે આ હાલત થઈ છે. 

સાયન્સ હજી સુધી સાબિત નથી કરી શક્યું કે હૉર્મોનલ ફેરફાર આવે તો એની અસર હાડકાં અને સ્નાયુ પર કેમ થાય છે. એ સંબંધ સ્પષ્ટ નથી થઈ શક્યો, પરંતુ અમે ડૉક્ટર્સ આ વાત સાથે સહમત થયા છીએ કે દરદીઓમાં આ કારણોસર શારીરિક પેઇન જોવા મળે છે. હૉર્મોનલ બદલાવને કારણે એ શક્ય છે. અહીં હું શબ્દ ‘બદલાવ’ વાપરું છું, ઇમ્બૅલૅન્સ નહીં. સામાન્ય બદલાવ પણ આવે તો એની અસર હાડકાં, સ્નાયુ અને સાંધા પર થઈ શકે છે. બધામાં નથી થતી, પરંતુ ઘણી સ્ત્રીઓમાં એ થાય છે. હૉર્મોન્સમાં આવેલો બદલાવ એ હાડકાં, સાંધા અને સ્નાયુઓને અસર પહોંચાડે જ છે, પરંતુ મેનોપૉઝનાં ચિહ્‍‍નો આ તકલીફને વધારે છે. મેનોપૉઝ આવ્યા પહેલાંનાં જે ચિહ્‍‍નો છે એમાં એક મહત્ત્વનું છે વજન વધવું. આ સમયગાળામાં સ્ત્રીઓ ધ્યાન ન રાખે તો હૉર્મોન્સની ઊથલપાથલને કારણે તેમનું વજન વધી જતું હોય છે. આ વજનનો ભાર ઘૂંટણ અને એની નીચેની બૉડી પર આવે છે. આ વજન વધવાને કારણે અને મૂડ-સ્વિંગ્સ રહેવાને કારણે, ઇરિટેશનને કારણે તેમનો ખોરાક પણ જરૂરી નથી કે હેલ્ધી હોય, આ સિવાય એક્સરસાઇઝ આ ઉંમરે ભાગ્યે જ સ્ત્રીઓ કરતી હોય છે. જે સામાન્ય કામ પણ તે કરતી હોય એ ઘૂંટણની સમસ્યા ચાલુ થવાને કારણે પણ ઓછું થઈ જાય. આમ, પ્રવૃત્તિ ઘટે એમ વજન વધે. વજન વધે અને તકલીફો વધે એટલે ડિપ્રેશન આવવા લાગે. આ પરિસ્થિતિમાં સ્ત્રી પડી રહે. પડી રહે એટલે શરીરમાં કળતર એમ પણ વધવાની છે. આમ, આ બધું જ એકબીજા સાથે સુસંગત છે. આ સાઇકલને તોડવી જરૂરી છે. હેલ્ધી લાઇફ-સ્ટાઇલ, જરૂર પડે તો સપ્લીમેન્ટ્સ અને ધીરજ જ એનો ઇલાજ છે. આ પરિસ્થિતિમાં વજન ઓછું કરવું જરૂરી છે. એના માટે પ્રયત્નો ભરપૂર કરવા પડશે.

અહેવાલ : ડૉ. મિતેન શેઠ

columnists life and style health tips