ગુસ્સો તમારા સંબંધોને હર્ટ કરે કે ન કરે, તમારા હાર્ટને ચોક્કસ હર્ટ કરે છે

13 July, 2026 02:12 PM IST  |  Mumbai | Kajal Rampariya

નાની-નાની બાબતોમાં ખૂબ જ ગુસ્સો આવી જતો હોય તો એનાથી લાંબા ગાળે સંબંધોમાં દરાર પડી શકે છે. જોકે એવું થાય એ પહેલાં શરીરની અંદર સર્જાતા આ કેમિકલ લોચાથી વ્યક્તિનું હૃદય નબળું પડવા લાગે છે એવું નિષ્ણાતોનું કહેવું છે.

પ્રતીકાત્મક તસવીર

ભાગદોડ અને સ્ટ્રેસથી ભરેલી લાઇફસ્ટાઇલમાં ગુસ્સો આવવો બહુ સામાન્ય બાબત બની ગઈ છે. ઑફિસનું ટેન્શન હોય કે ટ્રાફિકનો કંટાળો, બાળકોનો ખર્ચ હોય કે પાર્ટનર સાથે અણબનાવ હોય, આવી નાની-નાની બાબતોમાં ઘણી વાર લોકો પોતાનો પિત્તો ગુમાવી બેસે છે. જેને ગુસ્સો આવતો હોય તે હંમેશાં એવું વિચારે છે કે ગુસ્સો કરીશ તો મારી જીદ પૂરી થઈ જશે અથવા મારું કામ થઈ જશે. તમારો ક્ષણિક ગુસ્સો સામેવાળી વ્યક્તિની ફીલિંગ્સને જેટલું નુકસાન પહોંચાડે છે એનાથી અનેકગણું વધારે નુકસાન એ સમયે તમારા પોતાના હૃદયને થતું હોય છે. જો તમે શૉર્ટ-ટેમ્પર્ડ છો તો કઈ રીતે શાંત રહેવું જેથી હૃદયને નુકસાન ન થાય, શું સાવચેતીઓ રાખવી જોઈએ અને રોજિંદા જીવનમાં કયા ફેરફાર કરવા અનિવાર્ય છે એના વિશે નાણાવટી અને ગોદરેજ જેવી હૉસ્પિટલ્સમાં કન્સલ્ટ કરી રહેલા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. હિરેન ગાલા પાસેથી સમજીએ.

ગુસ્સો આવે ત્યારે શરીરમાં શું થાય?

કોઈ વાતને લઈને જ્યારે વ્યક્તિ અગ્રેસિવ થાય ત્યારે એ માત્ર મનની સ્થિતિ નથી હોતી. મગજમાંથી સિગ્નલ મળતાંની સાથે શરીરમાં સ્ટ્રેસ હૉર્મોન્સ મોટી માત્રામાં રિલીઝ થાય છે. આ હૉર્મોન્સને લીધે હાર્ટ-રેટ વધે છે અને બ્લડ-પ્રેશર હાઈ થઈ જાય છે. હૃદયની ધમનીઓ સંકોચાઈ જાય છે જેને કારણે હૃદયને લોહી પમ્પ કરવા માટે સામાન્ય કરતાં બમણી મહેનત કરવી પડે છે. સરળ ભાષામાં કહીએ તો ગુસ્સો આવવાની એક મિનિટની અંદર જ તમારા હૃદય પર એટલો લોડ આવે છે જેટલો કદાચ ભારે કસરત કરવાથી પણ નથી આવતો.

સમસ્યાને સાઇલન્ટ આમંત્રણ

જે લોકોને નાની-નાની વાતોમાં વારંવાર ગુસ્સો આવતો હોય તેમના શરીરમાં સતત હાઈ બ્લડ-પ્રેશર અને સ્ટ્રેસ હૉર્મોન્સનું પ્રમાણ જળવાઈ રહે છે. લાંબા ગાળે આ સ્થિતિ હૃદયની ધમનીઓની અંદરની દીવાલોને નુકસાન પહોંચાડે છે. ધમનીઓમાં કૉલેસ્ટરોલ જામવાનું જોખમ વધી જાય છે જેને લીધે બ્લૉકેજની સમસ્યા થાય છે અને જો ધ્યાન આપવામાં ન આવે તો હાર્ટ-અટૅક તરફ દોરી જાય છે. બીજી તરફ જે લોકો લાંબા સમય સુધી મનમાં ગુસ્સો કે નફરત ભરી રાખે છે તેમનો હાર્ટ-રેટ કાયમી ધોરણે ખોરવાઈ શકે છે જે અચાનક કાર્ડિઍક અરેસ્ટનું કારણ બની શકે છે. તેથી વારંવાર ગુસ્સો કરવો પોતાના પગ પર કુહાડી મારવા સમાન છે.

શું છે સૉલ્યુશન?

સાયન્ટિફિક રીતે જ્યારે આપણને કોઈ વાત પર ગુસ્સો આવે છે ત્યારે જે કેમિકલ પ્રતિક્રિયા શરીરમાં થાય છે એનો પ્રભાવ માત્ર ૯૦ સેકન્ડ સુધી જ રહે છે. આ ૯૦ સેકન્ડની અંદર કોઈ પ્રતિક્રિયા આપવામાં ન આવે તો સ્ટ્રેસ હૉર્મોન્સ આપોઆપ ફ્લશઆઉટ થઈ જાય છે; પણ જો ૯૦ સેકન્ડ બાદ પણ ગુસ્સો આવતો જ હોય તો એનું કારણ એ કેમિકલ્સ નથી, પણ આપણું મન છે. આપણે સતત એ જ નકારાત્મક વાત વિચારીને એ ગુસ્સાને રી-ફ્યુઅલ આપીએ છીએ. જો તમે ગુસ્સો આવ્યાની પહેલી ૯૦ સેકન્ડ સુધી કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર શાંત રહી જાઓ તો શરીરની કેમિકલ પ્રોસેસ શાંત થઈ જશે.

ઇન્સ્ટન્ટ ક્વિક પ્રૅક્ટિકલ ટ્રિક્સ અપનાવો

મને જ્યારે લાગે કે ગુસ્સાનો પારો સાતમા આસમાને પહોંચી રહ્યો છે અને હૃદયના ધબકારા વધી રહ્યા છે ત્યારે તાત્કાલિક ડીપ બ્રીધિંગ કરવું જોઈએ. લાંબા અને ઊંડા શ્વાસ લો. ૪ સેકન્ડ માટે અંદર લો, ૭ સેકન્ડ માટે રોકી રાખો અને ૮ સેકન્ડ સુધી ધીમે-ધીમે મોં દ્વારા બહાર કાઢો. આ ૪-૭-૮ બ્રીધિંગ ટેક્નિકથી આખા શરીરની નર્વસ સિસ્ટમ શાંત થશે અને હૃદયના ધબકારા તરત જ ઓછા થઈ જશે. શાંત મગજ હશે તો નિર્ણય લેવાની ક્ષમતા સારી થશે.

જો બ્રીધિંગ કરવાનું યાદ ન રહે અને ખબર પડે કે મને ગુસ્સો આવી રહ્યો છે તો એક ગ્લાસ ઠંડું પાણી પી જવું. પાણી પીવાથી શરીરનું તાપમાન અને નર્વસ સિસ્ટમ તાત્કાલિક કન્ટ્રોલમાં આવે છે અને ગુસ્સાને કારણે હૃદય પર આવતો લોડ ઓછો થાય છે.

ધારો કે ઑફિસમાં મીટિંગ દરમ્યાન કોઈ વાતને લઈને ગુસ્સો આવ્યો હોય કે ઘરમાં નાની બાબતને લઈને મગજનો પારો ઉપર જતો હોય તો ત્યાંથી તાત્કાલિક એકથી બે મિનિટ માટે વૉક પર નીકળી જાઓ અથવા રૂમમાંથી બહાર જતા રહો. આનાથી તમારું માઇન્ડ રિલૅક્સ થવા લાગશે અને તમે પોતાની વાતને ગુસ્સો કર્યા વિના શાંતિથી રજૂ કરી શકશો.

ગુસ્સાની ફીલિંગ આવે ત્યારે ૧૦૦થી એકની ઊંધી ગણતરી શરૂ કરી દો. આનાથી મગજ ડાઇવર્ટ થાય છે અને લૉજિકલ માઇન્ડ ઍક્ટિવ થાય છે.

જો સ્વભાવ જ ગુસ્સાવાળો થઈ ગયો હોય તો કોઈ સાઇકિયાટ્રિસ્ટ અથવા સાઇકોલૉજિસ્ટની હેલ્પ લેવી વધુ હિતાવહ છે, જેથી આવા સ્વભાવ પાછળનાં કારણો જાણીને સમયસર યોગ્ય સારવાર લઈ શકાય.

તમારો ગુસ્સો હૃદય માટે કેટલો જોખમી? આ ક્વિક ટેસ્ટ કરીને જાણો

જો તમને નીચેનામાંથી ૩ કે એથી વધુ લક્ષણોનો અનુભવ થતો હોય તો તમારે તમારા ગુસ્સા અને હૃદય બન્ને પર ધ્યાન આપવાની તાત્કાલિક જરૂર છે.

ગુસ્સો આવ્યા પછી કલાકો સુધી તમારો મૂડ ખરાબ રહે છે અને એ જ વાત મનમાં ઘોળાયા કરે છે?

સામાન્ય બોલાચાલી દરમ્યાન પણ તમારા હાથ ધ્રૂજવા લાગે છે અથવા અવાજ મોટો થઈ જાય છે?

ગુસ્સાની ક્ષણે તમને છાતીમાં ભારેપણું, ગભરામણ કે શ્વાસ ચડતો હોય એવું લાગે છે?

નાની વાતમાં પિત્તો ગુમાવ્યા પછી તમને તરત જ પસ્તાવો થાય છે કે આટલો ગુસ્સો કરવાની જરૂર નહોતી?

ભૂખ ન લાગવી, અપચો થવો કે રાત્રે અચાનક ઊંઘ ઊડી જવી જેવી સમસ્યાઓ વારંવાર થાય છે?

જો આ લક્ષણો વારંવાર દેખાતાં હોય તો ગુસ્સાને માત્ર સ્વભાવ ગણીને અવગણવાને બદલે એને મેડિકલ કન્ડિશન સમજીને એના પર કાબૂ મેળવવો જરૂરી છે.

mental health health tips healthy living life and style lifestyle news columnists