05 November, 2025 04:16 PM IST | Mumbai | Dr. Himanshu Mehta
પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
જો તમે સતત ૪-૫ દિવસ કંઈ ખાઓ નહીં અને સિગારેટ અને આલ્કોહોલમાં ડૂબેલા રહો જેને બિન્જ-ડ્રિન્કિંગ કે બિન્જ-સ્મોકિંગ કહે છે તો એવું બની શકે છે કે તમે હંમેશ માટે આંધળા થઈ જાઓ. તમારી આંખો હંમેશ માટે છીનવાઈ જાય. ફક્ત ૪ દિવસનું વ્યસન અને જીવનભરનો અંધાપો. આવું બની શકે છે જો તમને ટબૅકો-આલ્કોહોલ ઍમ્બ્લિઓપિયા થાય તો. ટબૅકો-આલ્કોહોલ ઍમ્બ્લિઓપિયા એક એવો રોગ છે જેનું મુખ્ય કારણ તમાકુનું સેવન, આલ્કોહોલનું સેવન અને શરીરમાં પોષણની કમી છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે અતિશય આલ્કોહોલ કે વધુ પ્રમાણમાં તમાકુનું સેવન કરે અથવા બન્નેનું સાથે સેવન કરે ત્યારે તે ખાવાનું ભાન ભૂલી જાય છે. આ દરમ્યાન ખોરાક ન મળતો હોવાથી અથવા અપૂરતો મળતો હોવાથી શરીરમાં પોષણની કમી સર્જાય છે.
વ્યક્તિ જ્યારે દારૂ કે તમાકુનું વધુ પડતું સેવન કરતી હોય ત્યારે એનાં ઝેરી તત્ત્વો અને એ દરમ્યાન સર્જાતા કુપોષણને કારણે આંખના અત્યંત સંવેદનશીલ ભાગ ઑપ્ટિક નર્વને નુકસાન પહોંચે છે. ઑપ્ટિક નર્વને વ્યવસ્થિત કામ કરવા માટે પૂરતા પોષણની જરૂર પડે છે જેના અભાવે એની કામગીરીને અસર થાય છે. આપણા શરીરમાં દરેક કોષની અંદર ઘણી વધુ માત્રામાં માઇટોકૉન્ડ્રિયા રહેલા હોય છે જેને કોષનું પાવર હાઉસ કહી શકાય. આ માઇટોકૉન્ડ્રિયા તમાકુ અને દારૂના સેવનથી પ્રભાવિત થાય છે અને કોષને નુકસાન પહોંચાડે છે. આમ ઑપ્ટિક નર્વના કોષને જો એ નુકસાન પહોંચાડે તો ઑપ્ટિક નર્વ ડૅમેજ થાય છે. વળી એની કામગીરી માટે પણ એને એ સમયે પૂરતી એનર્જી મળતી ન હોવાથી એ વધુ ને વધુ ડૅમેજ થાય છે જેને લીધે વ્યક્તિના વિઝનને અસર પહોંચે છે.
સ્મોકિંગ અને આલ્કોહોલની ખરાબ અસર આખા શરીર પર થતી હોય છે, પરંતુ તાત્કાલિક કોઈ બીમારી સામે નથી આવતી. બીજાં અંગો જેમ કે લિવર, કિડની, ફેફસાં વગેરે મોટાં અંગ છે અને એ અંગમાં જો થોડો ભાગ ખરાબ થાય તો એની અસર તરત સામે નથી આવતી. ઊલટું જ્યાં સુધી આ અંગોનો મોટો જથ્થો ખરાબ ન થાય ત્યાં સુધી વ્યક્તિને ખબર પણ નથી પડતી. જોકે ઑપ્ટિક નર્વ એક પાતળી નર્વ છે જે અત્યંત સંવેદનશીલ છે અને એ ડૅમેજ થાય એટલે તરત જ ખબર પડે છે. બીજું, જ્યારે સ્મોકિંગ કે આલ્કોહોલની આદત છોડી દઈએ તો ફેફસાં, લિવર કે કિડની ફરીથી પહેલાં જેવાં સારાં થવાની શક્યતા રહે છે, પરંતુ ઑપ્ટિક નર્વ એક વખત ડૅમેજ થઈ પછી કોઈ પણ રીતે એ રિપેર થઈ શકતી નથી. આમ વ્યક્તિને મોટું નુકસાન એ થાય છે કે તેની દૃષ્ટિ જ જતી રહે છે.