ડાયાબિટીઝ કે હૃદયરોગ સાથે કોઈ કનેક્શન છે ખરું તમારા ટૂથબ્રશનું?

07 January, 2026 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યસ, તમારા મોંનું સ્વાસ્થ્ય તમારા શરીરના એકંદર સ્વાસ્થ્યનો અરીસો છે અને નિષ્ણાતો માને છે કે નિયમિતપણે ટૂથબ્રશ બદલવું એ માત્ર ઓરલ હેલ્થ માટે જ નહીં, ડાયાબિટીઝ અને હૃદયરોગ જેવાં ગંભીર સ્વાસ્થ્ય જોખમોથી બચવા માટે જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે ડેન્ટલ અસોસિએશન્સ દ્વારા કહેવાતું હોય છે કે દર ૩થી ૪ મહિનામાં ટૂથબ્રશ બદલવું જોઈએ. જો બ્રશના બ્રિસલ્સ એટલે કે તાંતણા તૂટી ગયા હોય, ઘસાઈ ગયા હોય, વાંકા વળી ગયા હોય અથવા જો ફ્લુ, શરદી કે ઓરલ એરિયાની કોઈ બીમારી હોય તો તરત જ ટૂથબ્રશ બદલી નાખવું જોઈએ પછી ભલે ત્રણ મહિના પૂરા ન થયા હોય. કૉમન સેન્સની દૃષ્ટિએ પણ વિચારીએ તો સમજી શકાય એમ છે કે બ્રશનાં બ્રિસલ્સ ઘસાઈ ગયાં હોય તો એ દાંત પર જામેલા પ્લાક અને બૅક્ટેરિયાને અસરકારક રીતે દૂર કરી શકતાં નથી. આનાથી પેઢાં અને દાંત વચ્ચે બૅક્ટેરિયા જમા થાય છે. બીજું, જૂનું ટૂથબ્રશ બૅક્ટેરિયા માટે સંવર્ધન સ્થળ બની જાય છે. ગંદા બ્રશનો ઉપયોગ કરવાથી મોઢામાં ફરીથી બૅક્ટેરિયા દાખલ થાય છે જે પેઢાંના ચેપનું જોખમ વધારે છે. એટલે જ નિયમિતપણે ટૂથબ્રશને નળ નીચે ફોર્સથી આવતા પાણીથી પણ ધોવાનું નિષ્ણાતો કહેતા હોય છે. જોકે એનો ડાયાબિટીઝ અને હૃદયરોગ સાથે સંબંધ કેવી રીતે છે એ જાણવું રસપ્રદ રહેશે.

દાંતના નિષ્ણાતો માને છે કે જ્યારે જૂના બ્રશને કારણે મોંમાં પ્લાક જમા થાય છે ત્યારે પેઢાના ચેપથી મોઢામાં સતત સોજો રહે છે. આ સોજાવાળાં પેઢાંમાંથી બૅક્ટેરિયા સરળતાથી લોહીના પ્રવાહમાં પ્રવેશ કરી શકે છે. લોહીમાં ફરતા આ બૅક્ટેરિયા અને ઇન્ફ્લમેશનના કારણે હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓમાં સોજો લાવી શકે છે. સંશોધનો સૂચવે છે કે આ પ્રક્રિયા કૉરોનરી આર્ટરી ડિસીઝ અને હાર્ટ-અટૅકનું જોખમ વધારી શકે છે. નિયમિત અને અસરકારક બ્રશિંગ આ બાયોલૉજિકલ ચેઇન રીઍક્શનને અટકાવે છે.

એવી જ રીતે ડાયાબિટીઝ ધરાવતા લોકોને ખૂબ ઝડપથી ઓરલ ઇન્ફેક્શન થતું હોય છે અને ઓરલ ઇન્ફેક્શન ડાયાબિટીઝને વધુ ખરાબ બનાવી શકે છે. મોઢામાં સોજો હોય અને ઇન્ફેક્શન હોય તો શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ શકે અને લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવું મુશ્કેલ બનાવે છે. આ જ કારણ છે કે આજકાલ ઓરલ હાઇજીન પર વિશેષ ફોકસ કરવામાં આવી રહ્યું છે અને એના માટે નિયમિત બ્રશ કરવું અને જૂના ટૂથબ્રશનો સમયસર નિકાલ કરવો મહત્ત્વનો છે.

આટલું યાદ રાખજો

તમારું ટૂથબ્રશ એક ગેટકીપરની ભૂમિકા ભજવે છે જે મોંના ચેપને શરીરનાં મોટાં અંગો સુધી પહોંચતાં અટકાવે છે એટલે જ દર ત્રણેક મહિને ટૂથબ્રશ બદલો અને જો બ્રિસલ્સ ઘસાઈ જાય તો વહેલું બદલી નાખો. ઓછામાં ઓછી બે મિનિટ માટે દિવસમાં બે વખત બ્રશ કરો.

health tips healthy living heart attack diabetes lifestyle news life and style columnists