✕

તનાવ અને હૃદયરોગનો એકબીજા સાથે કેટલો ઊંડો સંબંધ છે એ જાણવું જરૂરી છે

08 October, 2026 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડો વિરામ, થોડી કસરત, પૂરતી ઊંઘ અને પોતાના મનની કાળજી આ જ આપણા હૃદય માટે સૌથી સરળ અને શ્રેષ્ઠ ભેટ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આપણા રોજિંદા જીવનમાં તનાવ હવે કોઈ નવી વાત નથી. કામનો સતત વધતો બોજ, પરિવારની જવાબદારીઓ, આર્થિક ચિંતાઓ, અપૂરતી ઊંઘ અને ૨૪ કલાક મોબાઇલ સાથે જોડાયેલા રહેવાની ટેવ - આ બધું ધીમે-ધીમે આપણા મન અને શરીર પર નકારાત્મક અસર કરે છે. ઘણી વાર આપણે તનાવને માત્ર એક માનસિક સમસ્યા માની લઈએ છીએ, પરંતુ એની સીધી અસર આપણા હૃદય પર પણ થાય છે.
આપણે જ્યારે તનાવમાં હોઈએ છીએ ત્યારે શરીર સ્વાભાવિક રીતે ‘ફાઇટ ઑર ફ્લાઇટ’ મોડમાં જતું રહે છે. આ સ્થિતિમાં શરીરમાં એડ્રિનલિન અને કૉર્ટિઝૉલ જેવાં સ્ટ્રેસ હૉર્મોન્સનું પ્રમાણ વધે છે, જેને લીધે હૃદયના ધબકારા ઝડપી બને છે અને બ્લડ-પ્રેશર વધી શકે છે. કોઈ કટોકટીની પરિસ્થિતિમાં શરીરની આ પ્રતિક્રિયા કુદરતી અને અનિવાર્ય છે, પરંતુ જો વ્યક્તિ સતત તનાવમાં જ રહે તો આ પ્રક્રિયા વારંવાર ચાલુ રહે છે જે આગળ જતાં હૃદય અને રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે.
લાંબા સમય સુધી રહેતો તનાવ હાઈ 
બ્લડ-પ્રેશરનું કારણ બને છે. આ ઉપરાંત તનાવને લીધે ઊંઘ બગડે છે, શારીરિક પ્રવૃત્તિ ઘટે છે અને ખાનપાનની આદતો પણ અસંતુલિત થઈ જાય છે. ઘણા લોકો તનાવમાંથી રાહત મેળવવા માટે ધૂમ્રપાન, દારૂ અથવા જન્ક-ફૂડ તરફ વળે છે. આ તમામ પરિબળો ભેગાં મળીને હૃદયરોગનું જોખમ અનેકગણું વધારી દે છે.
તનાવ અને હૃદય વચ્ચેનો સંબંધ માત્ર આટલેથી જ નથી અટકતો. અચાનક આવેલો ખૂબ જ તીવ્ર ભાવનાત્મક આઘાત - જેમ કે સ્વજનનું મૃત્યુ, મોટું આર્થિક કે સામાજિક નુકસાન અથવા ગંભીર બીમારી - કેટલીક વ્યક્તિઓમાં હૃદયની કામગીરી પર સીધી અસર કરે છે. આ સ્થિતિને વૈજ્ઞાનિક ભાષામાં સ્ટ્રેસ-ઇન્ડ્યુસ્ડ કાર્ડિયોમાયોપથી અથવા સામાન્ય ભાષામાં બ્રોકન હાર્ટ સિન્ડ્રૉમ કહેવામાં આવે છે. સદ્નસીબે, યોગ્ય સંભાળ સાથે મોટા ભાગના કિસ્સામાં હૃદયની કાર્યક્ષમતા સમય જતાં પૂર્વવત્ થઈ જાય છે.
જો તમને સતત ચિંતા રહેતી હોય, ઊંઘ ન આવતી હોય, વારંવાર ચીડિયાપણું થતું હોય કે હંમેશાં થાક અનુભવાતો હોય તો એને ‘આ તો સામાન્ય સ્ટ્રેસ છે’ કહીને અવગણશો નહીં. જરૂર પડે ત્યારે સમયસર ડૉક્ટર અથવા માનસિક આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે સામાન્ય રીતે કૉલેસ્ટરોલ, બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, વજન અને ધૂમ્રપાન પર ધ્યાન આપીએ છીએ; પરંતુ મનની શાંતિ પણ હૃદયના આરોગ્યનો એટલો જ અનિવાર્ય હિસ્સો છે.
તનાવ જીવનનો એક ભાગ છે. એને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય નહીં, પણ એને આપણા જીવન પર હાવી થવા દેવાની જરૂર પણ નથી. થોડો વિરામ, થોડી કસરત, પૂરતી ઊંઘ અને પોતાના મનની કાળજી આ જ આપણા હૃદય માટે સૌથી સરળ અને શ્રેષ્ઠ ભેટ છે.

- ડૉ મૌલિક પરીખ

health tips lifestyle news life and style columnists gujarati mid day