23 September, 2026 05:14 PM IST | Mumbai | Jigisha Jain
૩ પ્રકારના C છે : કન્ટ્રોલિંગ, કરેક્ટિંગ અને ક્રિટિસિઝમ
‘હું આ એટલા માટે જ કહી રહ્યો/રહી છું, કારણ કે મને તમારી પરવા છે.’
‘હું તમારા ભલા માટે જ તમને સુધારી રહ્યો/રહી છું.’
‘જો હું તમને નહીં કહું કે તમે શું ખોટું કરી રહ્યા છો તો બીજું કોણ કહેશે?’
આ વાક્યો આપણે બધાએ અઢળક વાર સાંભળ્યાં છે અને કહ્યાં પણ છે. આ વાક્યોમાં અઢળક કૅર એટલે કે સંભાળ છુપાયેલી હોય છે, પરંતુ સાંભળવામાં કાળજી જેવી લાગતી આ વાતો પાછળ ક્યારેક એવા ૩ વ્યવહારો છુપાયેલા હોય છે જે સંબંધોને ચૂપચાપ નુકસાન પહોંચાડે છે. એ છે કન્ટ્રોલિંગ એટલે કે નિયંત્રણ કરવું, કરેક્ટિંગ એટલે કે સુધારવું અને ક્રિટિસાઇઝિંગ એટલે કે ટીકા કરવી. જ્યારે કાળજીના બહાના હેઠળ આવતા ૩ C સંબંધોમાં દાખલ થાય છે ત્યારે એ સંબંધને પાંગળો બનાવે છે એટલું જ નહીં, જે વ્યક્તિ પર આ વીતે છે તે વ્યક્તિને પણ નબળી બનાવે છે. ખાસ કરીને જ્યારે આ વર્તન એક નિયમિત પૅટર્ન બની જાય છે ત્યારે એ ધીમે-ધીમે સૌથી મહત્ત્વપૂર્ણ ‘C’ કૉન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસને નુકસાન પહોંચાડે છે અને જ્યારે આત્મવિશ્વાસ પર વારંવાર પ્રશ્નો ઊભા થાય છે ત્યારે ખુદ પ્રત્યેનો પ્રેમ અને માન બન્ને ઘટવા લાગે છે. આ વાતને આજે વિસ્તારથી સમજીએ.
તમે જેને પ્રેમ કરો છો તેની કાળજી રાખવી સહજ છે, પણ ક્યારેક એ નિયંત્રણમાં પરિણમે છે. આ વાત સ્પષ્ટ કરતાં કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ નેહા મોદી કહે છે, ‘કાળજી કહે છે કે મને તમારી ચિંતા છે, જ્યારે નિયંત્રણ કહે છે કે હું જાણું છું કે તમારા માટે શું શ્રેષ્ઠ છે અને તમારે હું કહું એમ જ કરવું જોઈએ. આ તફાવત નાનો લાગી શકે છે, પરંતુ માનસિક રીતે એ ખૂબ મોટો છે. કાળજી રાખતાં માતા-પિતા કહી શકે છે કે મને તારા અભ્યાસની ચિંતા છે, હું તને કેવી રીતે મદદ કરી શકું? નિયંત્રણ રાખતાં માતા-પિતા વારંવાર કહેતાં હોય છે કે તું ક્યારેય સરખો અભ્યાસ નથી કરતો/કરતી, જો તારે સફળ થવું હોય તો હું કહું એમ જ કર. એ જ રીતે પાર્ટનર કહી શકે છે કે તું મોડો/મોડી ઘરે આવે ત્યારે મને અસ્વસ્થતા લાગે છે, શું આપણે આ વિશે વાત કરી શકીએ? આ કાળજી છે. નિયંત્રણ રાખવા માગતી વ્યક્તિને એવું લાગી શકે છે કે જો તું મને પ્રેમ કરતો/કરતી હોત તો તું આ મિત્રો સાથે બહાર ન જાત. બન્ને પરિસ્થિતિઓમાં વર્તનને ચિંતા તરીકે રજૂ કરવામાં આવી શકે છે; પરંતુ એક વિકલ્પ એને વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે, જ્યારે બીજું ધીમે-ધીમે સ્વાયત્તતા છીનવી લે છે.’
એવી વ્યક્તિ વિશે વિચારો જે વારંવાર સાંભળે છે કે તું ક્યારેય કંઈ સાચું નથી કરતો/કરતી કે પછી તને ખબર નથી કે તારા માટે શું સારું છે. વ્યક્તિ કદાચ જાગૃતપણે એવું નહીં વિચારે કે મારો આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે, પણ એને બદલે આ સંદેશાઓ ધીમે-ધીમે મનમાં ઘર કરી જાય છે. વ્યક્તિને લાગે છે કે કદાચ હું સક્ષમ નથી જેને કારણે
ધીમે-ધીમે આ નિર્ણયો પર વધુ પડતું વિચારવું, સતત બીજાની મંજૂરી શોધવી, ના કહેવામાં મુશ્કેલી પડવી, લોકોને સતત ખુશ રાખવાની જરૂર ડેવલપ કરવી, ભૂલો કરવાનો ડર ઘૂસી જવો, વખાણ સ્વીકારવામાં મુશ્કેલી પડવી અને બાહ્ય માન્યતા પર નિર્ભરતા આવી જવી જેવા અઢળક પ્રૉબ્લેમ્સ આવે છે. આવી વ્યક્તિઓ બહારથી આત્મવિશ્વાસુ દેખાઈ શકે છે, પરંતુ અંદરથી સતત પૂછતી હોય છે કે હું બરાબર છું કે નહીં?
જો તમે વર્ષોથી આ ૩ C સાથે જીવ્યા છો તો માત્ર તમારી જાતને આત્મવિશ્વાસુ બનો કહેવું પૂરતું નથી એમ સમજાવતાં નેહા મોદી કહે છે, ‘પોતાના પર વિશ્વાસ કરવાના નાના અનુભવો દ્વારા આત્મવિશ્વાસ પુનઃ નિર્માણ થાય છે એટલે તમે સ્વતંત્ર રીતે નાના નિર્ણયો લેવાની પ્રૅક્ટિસ કરો. બીજા કોઈની મંજૂરી લીધા વિના ભોજન, કપડાં, પ્રવૃત્તિ કે પ્લાન પસંદ કરવાથી શરૂઆત કરી શકાય. કોઈ બીજાના પ્રતિસાદને તમારા ખુદના વ્યક્તિત્વથી અલગ કરો. એક ભૂલનો અર્થ ‘મેં એક ભૂલ કરી’ થાય છે, ‘હું નિષ્ફળ છું’ એવો થતો નથી. તમારી અંદરથી આવતી ટીકાઓ પર ધ્યાન આપો અને સમજવાની કોશિશ કરો કે શું આ ખરેખર મારો અવાજ છે કે આ એવું કંઈક છે જે મેં વારંવાર બીજા પાસેથી સાંભળ્યું છે? જવાબ મળ્યા પછી આદરપૂર્વક તમારી બાઉન્ડરીઝ નક્કી કરો. ખુદને પ્રેમ કરવાનો અર્થ એ નથી કે તમે જે કરો છો એ બધું સંપૂર્ણ છે. એનો અર્થ એ છે કે તમે ભૂલો કરો ત્યારે પણ આદર મેળવવાને પાત્ર છો.’
નિયંત્રણ અથવા ટીકા કરતી વ્યક્તિ જરૂરી નથી કે ખરાબ વ્યક્તિ હોય. ક્યારેક આ વર્તન ચિંતા, ડર, અસુરક્ષા, પર્ફેક્શનિઝમ, કૌટુંબિક પૅટર્ન, અનિશ્ચિતતા સહન કરવાની અસમર્થતા અથવા એવી માન્યતામાંથી આવે છે કે એ ટીકા લોકોને પ્રોત્સાહિત કરે છે. આ વાત કરતાં નેહા મોદી કહે છે, ‘કેટલાક લોકો પોતે અતિશય નિયંત્રણ અને સુધારા વચ્ચે મોટા થયા હોય છે. તેઓ શીખ્યા હશે કે પ્રેમનો અર્થ કોઈને શું કરવું એ કહીને એનું રક્ષણ કરવું છે. અન્ય લોકો કોઈને ખોઈ બેસવાનો ડર ધરાવતા હોઈ શકે છે અને તેથી સંબંધો પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ કારણ સમજવાનો અર્થ વર્તનને ક્ષમ્ય ગણવું એવો નથી. ઇરાદો અને અસર એ બે અલગ બાબતો છે. કોઈનો ઇરાદો કાળજી રાખવાનો હોઈ શકે છે; પરંતુ જો તેમના વારંવારના વર્તનથી બીજી વ્યક્તિ પોતાને અસમર્થ, અપર્યાપ્ત કે શક્તિહીન અનુભવે તો એની અસર પર ધ્યાન આપવાની જરૂર છે.’
સ્વસ્થ સંબંધોમાં આપણે સતત આપણી યોગ્યતા સાબિત કરવાની જરૂર નથી હોતી. કાળજીથી વ્યક્તિએ સપોર્ટતા અનુભવવી જોઈએ, નિયંત્રિતતા નહીં. સુધારાથી વ્યક્તિનો વિકાસ થવો જોઈએ, તે સંકોચાવી ન જોઈએ. પ્રતિસાદથી વર્તનને માર્ગદર્શન મળવું જોઈએ, વ્યક્તિત્વ પર હુમલો થવો જોઈએ નહીં. ભલે તમે માતાપિતા હો, ભાગીદાર હો, મિત્ર હો, સહકર્મી હો કે પછી પોતાની સાથે સ્વસ્થ સંબંધ બાંધવા માગતી વ્યક્તિ હો. એ યાદ રાખો કે આદર વિનાનો પ્રેમ નિયંત્રણ બની શકે છે, મર્યાદા વિનાની કાળજી દખલગીરી બની શકે છે, કરુણા વિનાનો સુધારો ટીકા બની શકે છે. જ્યારે આ ૩ C કાળજીના બહાના હેઠળ સંબંધમાં વારંવાર પ્રવેશ કરે છે ત્યારે તેઓ ચોથા C એટલે કે આત્મવિશ્વાસને ધીમે-ધીમે તોડી શકે છે.
કન્ટ્રોલિંગ એટલે કે નિયંત્રણ : બીજી વ્યક્તિએ શું પહેરવું જોઈએ, કોને મળવું
જોઈએ, પૈસા કેવી રીતે ખર્ચવા જોઈએ, કઈ કારકિર્દી પસંદ
કરવી જોઈએ, બાળકોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ અથવા તેમને કેવું લાગવું જોઈએ એનો નિર્ણય વ્યક્તિ પોતાના હાથમાં લેવા ઇચ્છે એ છે કાળજીના નામે નિયંત્રણ. આ અવસ્થા એકદમ સૂક્ષ્મ હોઈ શકે છે. ‘હું તો બસ તમને સાચો નિર્ણય લેવામાં
મદદ કરી રહ્યો/રહી છું’ એ
વારંવાર એવો સંદેશ આપી શકે
છે કે ‘તમે મારા વગર સારા નિર્ણયો લઈ શકતા નથી.’ આનું સૌથી મોટું નુકસાન એ છે કે
સમય જતાં જે વ્યક્તિ પર નિયંત્રણ રાખવામાં આવે છે તે પોતાના નિર્ણય પર વિશ્વાસ કરવાનું જ બંધ કરી દે છે.
કરેક્ટિંગ એટલે કે સુધારવું :
ભૂલો સુધારવી એ હંમેશાં હાનિકારક નથી હોતી. ઊલટું
ઘણી જગ્યાએ એ સ્વસ્થ સંબંધોનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે દરેક વાતચીત કોઈ વ્યક્તિ શું ખોટું
કરી રહી છે એ દર્શાવવાની તક બની જાય છે. અહીં સમજવાનું
એ છે કે ‘તમે એ પરિસ્થિતિને અલગ રીતે સંભાળી શક્યા હોત’ એ ‘તમે હંમેશાં બધું ખરાબ જ
કરો છો’ એના કરતાં ખૂબ અલગ છે. સતત સુધારા કરવાથી વ્યક્તિને એવું લાગી શકે છે કે તેમનામાં જ કોઈ મૂળભૂત ખામી છે, નહીં કે તે માત્ર એક એવી બાબત છે જે તેઓ શીખી કે સુધારી શકે છે.
ક્રિટિસિઝમ એટલે કે ટીકા :
ટીકા વર્તનને સંબોધવાને બદલે વ્યક્તિ પર હુમલો કરે છે. ‘તમે એક ભૂલ કરી’ એ એક ક્રિયાને દર્શાવે છે. ‘તમે નકામા છો’ એ વ્યક્તિના વ્યક્તિત્વ પર હુમલો
કરે છે. વારંવાર થતી ટીકા એ અંદરનો અવાજ બની શકે છે. આખરે આવી વ્યક્તિને એક
સમય પછી તેમની ટીકા કરવા
માટે બીજા કોઈની જરૂર પડતી નથી, કારણ કે તેઓ પોતે જ પોતાની ટીકા કરવા લાગે છે. બાહ્ય ટીકા એ આંતરિક સ્વ-ટીકા બની જાય છે.
નેહા મોદીના જણાવ્યા અનુસાર તમે કાળજીના નામે કન્ટ્રોલ તો નથી કરતાને એ ચકાસવા માટે આટલું કરો.
‘હું આ તમને એટલા માટે કહી રહ્યો છું, કારણ કે મને પરવા છે’ એવું કહેતાં પહેલાં થોભો અને ખુદને પૂછો કે ‘હું સામેવાળી વ્યક્તિની મદદ કરવા ઇચ્છું છું કે હું પરિણામ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરી રહી છું?’
‘તારે એ નોકરી છોડી દેવી જોઈએ, તને ખબર નથી કે તારા માટે શું સારું છે’ એવું કહેવાને બદલે ‘શું તું જાણવા માગે છે કે હું શું વિચારું છું? આખરે નિર્ણય તારો છે.’
‘તું હંમેશાં આટલો/આટલી ભાવુક કેમ થઈ જાય છે?’ એવું કહેવાને બદલે ‘હું જોઈ શકું છું કે આનાથી તને અસર થઈ છે. શું તું ઇચ્છે છે કે હું તને સાંભળું કે ઉકેલ શોધવામાં મદદ કરું?’
‘તું ક્યારેય કંઈ સરખું નથી કરતો/કરતી’ એવું કહેવાને બદલે ‘આ ચોક્કસ પરિસ્થિતિમાં કામ ન થયું, ચાલો જોઈએ કે હવે પછી શું અલગ કરી શકાય.’