ઊંઘની તકલીફ છે એ કેમ ખબર પડે?

31 January, 2022 01:18 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

ક્યારેક લાગે છે કે ખરેખર તકલીફ હશે તો શું? કઈ રીતે સમજી શકાય કે તેમને ખરેખર ઊંઘની તકલીફ છે કે નહીં? કોઈ ખાસ ચિહનો ખરાં? 

પ્રતીકાત્મક તસવીર

મારા પિતા ૬૦ વર્ષના છે તેમને ઊંઘ નથી આવતી. ખરા અર્થમાં અમે જે જોઈએ છીએ એ મુજબ તેઓ સારું જ સૂએ છે. રાત્રે તેઓ એકાદ વાગ્યે સૂએ છે અને સવારે ૧૦ વાગ્યા પહેલાં ઊઠતા નથી. બીજું એ કે નસકોરાં જબરદસ્ત બોલાવે છે. તેમને ડાયાબિટીઝ પણ છે. ક્યારેક મને લાગે છે કે તેમને આવું બોલવાની આદત પડી ગઈ છે કે મને તો ઊંઘ જ નથી આવતી. ક્યારેક લાગે છે કે ખરેખર તકલીફ હશે તો શું? કઈ રીતે સમજી શકાય કે તેમને ખરેખર ઊંઘની તકલીફ છે કે નહીં? કોઈ ખાસ ચિહનો ખરાં? 
    
ઊંઘની સમસ્યા તમારા પિતાજીને છે કે નહીં એ સમજવું જરૂરી છે, કારણ કે ઊંઘ સારી હોય તો માણસ ઘણી હદે નીરોગી જીવન જીવી શકે છે. તેઓ મોડા સૂએ છે એ જ દર્શાવે છે કે તેમને ઊંઘની તકલીફ તો છે જ. અમુક નિશ્ચિત કારણો છે જેના દ્વારા સમજી શકાય કે ઊંઘની તકલીફ છે કે નહીં. આ ઉંમરમાં તો તેમણે ખાસ ઊંઘનું ધ્યાન રાખવું જરૂરી છે. અપૂરતી ઊંઘની સમસ્યાને કારણે ડાયાબિટીઝ હંમેશાં વકરે છે. એટલે આ બાબતે રિસ્ક લેવા જેવું નથી. ખરેખર ઊંઘની તકલીફ હોય તો એનો ઇલાજ કરવો અત્યંત જરૂરી છે. 
કેટલાંક ચિહનો છે જેના દ્વારા સમજ પડે છે કે ઊંઘની તકલીફ છે. જો નિયમિતરૂપે તમે સૂવા જાઓ અને ૩૦ મિનિટ કે એનાથી વધુ સમય સુધી તમને ઊંઘ ન આવે, સતત થાક અને ચીડચીડાપણું આખો દિવસ રહે, સવારે ઊઠો ત્યારે એકદમ ફ્રેશ ન લાગે, રાત્રે ઊંઘમાં વારંવાર ઊઠવું પડે, સવારમાં માથાનો દુખાવો રહે, હાઈ બ્લડ-પ્રેશર રહે, કામમાં કે ભણવામાં એકાગ્રતા રાખવામાં ખૂબ તકલીફ પડે, દિવસમાં કોઈ પણ સમયે ઊંઘ આવી જાય, સવારમાં ખૂબ જલદી ઊંઘ ઊડી જાય, ઊંઘમાં જોર-જોરથી નસકોરાં બોલે, શ્વાસમાં અવાજ આવે કે ઊંઘમાં જાત-જાતના અવાજો કાઢે, જ્યારે સૂઓ ત્યારે પગ ચલાવવાની વિચિત્ર ઇચ્છાને રોકી ન શકો, ખાસ કરીને પગમાં કશું સળવળે એવું લાગે અને એને કારણે તમે સૂઈ ન શકો, દિવસના સમયે જાગવામાં માટે સતત તમે કૉફી કે ચાનો સહારો લેતા હો, કોઈ પણ વાતનું રીઍક્શન આપવામાં મોડું થાય કે રીઍક્શન આપો જ નહીં, શનિ-રવિ કે રજાના દિવસે ફક્ત સૂવાનું કામ જ કરો એમ સમજીને કે આખું અઠવાડિયું સૂતા નથી તો ઊંઘ પૂરી કરી લઈએ તો આ બધાં ઊંઘની તકલીફનાં ચિહનો છે.

columnists health tips