14 November, 2024 07:33 AM IST | Mumbai | Dr. Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર
દાંત કઢાવડાવો કે ઍપેન્ડિક્સનું ઑપરેશન કરાવો, હાર્ટ સર્જરીથી લઈને સામાન્ય અંગૂઠાના ફ્રૅક્ચર સુધી કોઈ પણ નાનીથી લઈને મોટી સર્જરી પછી ડૉક્ટર્સ અમુક સમય માટે જે દવાઓ ચાલુ રાખે છે એમાંની એક હોય છે પેઇનકિલર્સ. નાનો ઍક્સિડન્ટ થયો હોય કે હાડકાં ભાંગી ગયાં હોય ત્યારે પણ ડૉક્ટર્સ જે દવાનો કોર્સ કરવાનું કહે છે એ છે પેઇનકિલર્સ.
ઘણા લોકોને વાગે તો ખૂબ પેઇન થાય, ઘણા લોકોને ઓછું અથવા કહીએ કે ઘણા લોકો પેઇન સહન કરી જાણે છે તો ઘણા નહીં. તો શું પેઇન માનસિક જ હોય છે, શારીરિક નહીં? પેઇન એક અનુભવ છે, પરંતુ એ શારીરિક પ્રૉબ્લેમ છે, માનસિક નહીં. જ્યારે કોઈ ભાગમાં કોઈ તકલીફ હોય ત્યારે એ ભાગમાં પેઇનને સમજનારાં પરિબળો હોય છે એ જાગૃત થઈ જાય છે જેને કારણે મગજને જાણકારી પહોંચે છે કે આ ભાગમાં તકલીફ ઊભી થઈ છે. આ સમગ્ર અવસ્થા શારીરિક છે, પરંતુ એ પેઇનને સહન કરવાની દરેકની પોતાની કૅપેસિટી હોય છે. એ અનુભવ પર પણ આધાર રાખે છે જેમ કે બાળક પડી જાય ત્યારે તેને વાગે તો તે વધુ રડે છે, પરંતુ થોડું મોટું થાય, ત્યાં સુધીમાં તેને વાગવાનો અનુભવ થઈ ગયો હોય તો
ધીમે-ધીમે રડવાનું ઓછું થતું જાય છે.
પેઇનકિલર્સ આમ તો ઘણા પ્રકારની આવે છે જેમ કે પૅરાસિટામૉલ, કોક્સ ટુ ઇન્હેબીટર્સ, ડાયક્લોફિનેટ વગેરે. પેઇનકિલર્સ શરીરમાં જઈને જે જગ્યાએ પ્રૉબ્લેમ થયો છે એ અંગના પેઇન રીસેપ્ટર્સ જે મગજને સંકેત આપી રહ્યા છે કે આ ભાગમાં તકલીફ છે એને સપ્રેસ કરે છે જેથી પેઇનની માત્રા ઘટી જાય છે, પરંતુ આજની અમુક પેઇનકિલર્સ ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રૉપર્ટી ધરાવે છે એટલે કે જે ભાગમાં પેઇન છે ત્યાંના કોષોમાં આવેલો સોજો દૂર થાય તો પેઇન આપોઆપ ઘટી જાય છે. આજની ઍડ્વાન્સ પેઇનકિલર્સ આ સોજાને દૂર કરવાનું પણ કામ કરે છે. આમ, એ સાચી રીતે પેઇન દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
ડૉક્ટરના સૂચન વગર અથવા નિશ્ચિત સમય કરતાં વધુ માત્રામાં પેઇનકિલર લેવી ખતરનાક સાબિત થઈ શકે છે. જેને નાની-નાની બાબતે પેઇનકિલરની આદત પડી ગઈ છે તેમનું લિવર અને કિડની ડૅમેજ થઈ શકે છે. સતત વર્ષોથી વગર વિચાર્યે પેઇનકિલર ખાતા લોકોનું લિવર કે કિડની ફેલ થવાની શક્યતા ઘણી વધારે રહેલી છે જે વ્યક્તિને મૃત્યુ સુધી દોરી જઈ શકે છે.