કયા પ્રકારની લાગણીઓ તમને હૃદયરોગ તરફ ધકેલી રહી છે?

04 December, 2025 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવું માનવામાં આવે છે કે ગુસ્સો હાર્ટના રોગો સાથે સંકળાયેલો છે

પ્રતીકાત્મક તસવીર

મનને સમજતું અને અને ઠીક કરતું સાયન્સ જે વર્ષોના અભ્યાસ અને અનુભવ પરથી તારવવામાં આવ્યું છે એ માને છે કે હૃદય અને આપણાં ઇમોશન્સ વચ્ચે ગાઢ સંબંધ છે. બે ભાવ છે. એક તો જે વ્યક્તિને ઘણી જગ્યાએથી તરછોડવામાં આવી હોય અને એને કારણે તેના મનની જે અવસ્થા વારંવાર સર્જાતી હોય એ ભાવ અને એ અવસ્થા હાર્ટની તકલીફ ઊભી કરે છે અને બીજું એ કે જે વ્યક્તિ જીવનમાં ખૂબ એકલી હોય અથવા એકલી ન હોવા છતાં પોતાને એકલી માનતી હોય તેના મનના ભાવ તેના હૃદય પર સીધી અસર કરે છે. એવું માનવામાં આવે છે કે ગુસ્સો હાર્ટના રોગો સાથે સંકળાયેલો છે. તમારી આજુબાજુ નજર કરશો તો પણ હૃદયના ઘણા દરદીઓ મળી રહેશે જેના વિશે લોકો ફરિયાદ કરે છે કે આ ભાઈનો ગુસ્સો તો ખૂબ ખરાબ છે અથવા તો આ લોકો એવા હોય છે જે નથી ખુદ જીવતા અને નથી બીજાને જીવવા દેતા. પરંતુ ગુસ્સો હૃદય સાથે નહીં, લિવર સાથે સંબંધ ધરાવે છે. આવી વ્યક્તિને આગળ જતાં ડાયાબિટીઝ જેવો રોગ થાય છે. આ ડાયાબિટીઝ લોહીની નળીઓ પર અસર કરતો હોવાથી હાર્ટ ડિસીઝ થાય છે. આમ ગુસ્સો સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે વ્યક્તિના હાર્ટ પર અસર કરે છે.

હવે અહીં સમજવાનું એ છે કે બાળપણથી દરેક વ્યક્તિને આ બન્ને ભાવોનો અનુભવ થયો જ હોય છે. છતાં દરેક વ્યક્તિને હાર્ટની તકલીફ થતી નથી. અહીં કામ એ કરે છે કે તમને મનમાં જે ભાવ ઉત્પન્ન થયો એ ભાવને તમે ક્યાં સુધી પકડી રાખો છો? બધાના જીવનમાં દુઃખ આવે એમાંથી કોઈ અડધા કલાકમાં બહાર આવે તો કોઈ બે દિવસમાં તો કોઈને બે વર્ષ પણ થાય અને ઘણા માટે દુઃખ અને પીડા જીવનભરની હોય છે. આમ દરેક વ્યક્તિ પર ઇમોશન્સ અલગ રીતે કામ કરે છે એમ લાગે છે, પરંતુ એવું નથી. ઇમોશન્સ કામ કરે જ છે પરંતુ એ ઇમોશન્સને તમે તમારા પર કેટલાં હાવી થવા દો છો એ મહત્ત્વનું છે.

હાર્ટની તકલીફ ન આવે એ માટે બે ગુણો તમારે વિકસાવવા જોઈએ. એક દરિયાદિલી. એટલે કે ઉદાર કે મોકળા મનના બનવું જરૂરી છે અને બીજું, તમારામાં ગ્રેટિટ્યુડ એટલે કે કૃતજ્ઞતા વિકસાવો. જે મળ્યું છે એ મળ્યા બદલ કૃતજ્ઞ બનો. આ બન્ને ભાવ જે વ્યક્તિમાં સમાયેલા છે તેને ૧૦૦ વર્ષે પણ હાર્ટ-અટૅક આવતો નથી. જે વ્યક્તિ સ્વાર્થી છે, ફક્ત પોતાના વિશે વિચારે છે તેને આ રોગ ચોક્કસ આવે છે.

healthy living health tips life and style lifestyle news columnists