અવાજ નુકસાનકારક નથી, પણ ઉત્સવના ઉન્માદમાં એકસાથે બહુબધાં લાઉડસ્પીકર વાગે ત્યારે અપરંપાર હાનિ થઈ શકે છે

16 September, 2026 06:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તહેવારોમાં વધુ પડતા લાઉડસ્પીકરના અવાજથી માથાનો દુખાવો, બેચેની, ઊંઘમાં ખલેલ અને છાતીમાં ગભરામણ જેવી તકલીફ થઈ શકે છે. ખાસ કરીને વૃદ્ધો, હૃદયરોગ અને હાઈ બ્લડ-પ્રેશર ધરાવતા લોકોએ અતિશય ઘોંઘાટથી બચવું જોઈએ.

તહેવાર અને લાઉડસ્પીકરનો અવાજ

થોડા દિવસ પહેલાં હું ૭૨ વર્ષના એક ભાઈને મળ્યો. તેઓ ઘણાં વર્ષોથી હાઈ બ્લડ-પ્રેશર અને હૃદયની બીમારીથી પીડાઈ રહ્યા છે. તેમની સ્થિતિ પ્રમાણમાં સ્થિર હતી. એ સાંજે તેમના ઘર નજીક એક ઉત્સવની ઉજવણી થઈ રહી હતી. એક નહીં પરંતુ મલ્ટિપલ લાઉડસ્પીકર એકસાથે વાગી રહ્યા હતા, જેમાંના દરેક પાસે ડિજિટલ સ્પીકર્સની મોટી દીવાલ હતી. આખો વિસ્તાર અવાજથી ધ્રૂજી રહ્યો હતો.
રાત થતાં સુધીમાં તે ભાઈને માથાનો દુખાવો, બેચેની અને છાતીમાં ગભરામણ થવા લાગ્યાં. તેમનું બ્લડ-પ્રેશર સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધી ગયું હતું. તેઓ સરખી રીતે ઊંઘી શક્યા નહીં. આપણે ઘણી વાર કહીએ છીએ, ‘તહેવારોમાં તો મજા થાય જને! વળી સંગીત તો માણવાની વસ્તુ છે.’ જોકે અહીં પ્રશ્ન એ છે કે શું આ સંગીતના અવાજે એની કુદરતી મર્યાદા વટાવી દીધી છે? જો હા, તો એ માણવાલાયક તો નથી. આયુર્વેદ શબ્દને શ્રવણ ઇન્દ્રિયનો ‘વિષય’ એટલે કે કુદરતી પદાર્થ માને છે. તેથી અવાજ પોતે નુકસાનકારક નથી, પરંતુ આયુર્વેદ આપણને ઇન્દ્રિયોના અતિ-યોગ એટલે ઇન્દ્રિયોના અતિશય અથવા અયોગ્ય ઉપયોગ વિશે વારંવાર ચેતવણી આપે છે.
અવાજ જ્યારે અત્યંત મોટો, સતત, ખલેલ પહોંચાડનારો અને અકુદરતી બની જાય છે ત્યારે એને શબ્દ ‘અતિ-પ્રકૃતિ’ એટલે કે અતિશય અથવા અસામાન્ય શ્રવણ ઉદ્દીપક તરીકે સમજી શકાય છે. આવો અતિશય પ્રકોપ મનને અશાંત કરી શકે છે અને વાયુને કોપાયમાન કરી શકે છે. વાયુ શરીરની ગતિવિધિઓ, ચેતાતંત્રની કાર્યપ્રણાલી અને ઇન્દ્રિયોનાં કાર્યોનું સંચાલન કરે છે. એના પરિણામે બેચેની, અનિદ્રા, શિરોશૂલ એટલે કે માથાનો દુખાવો, છાતીમાં ગભરાટ અને માનસિક થાક વર્તાઈ શકે છે.
કલ્પના કરો કે એક ઉત્સવના મેદાનમાં પાંચ કે ૧૦ લાઉડસ્પીકર એકસાથે વાગી રહ્યાં છે. દરેક સ્પીકર સિસ્ટમ એકલી હોય ત્યારે કદાચ સહન થઈ શકે, પરંતુ એમનો સંયુક્ત અવાજ આસપાસ રહેતી દરેક વ્યક્તિ માટે અવાજનો મોટો બોજ ઊભો કરે છે. અહીં આપણે આયુર્વેદના જનપદોધ્વંસ એટલે કે સામૂહિક વિનાશ કે મહામારીના ખ્યાલને વિચારપૂર્વક સમજી શકીએ છીએ.
ચરકસંહિતામાં વર્ણવવામાં આવ્યું છે કે વાયુ, જળ, દેશ અને કાળ જેવાં પર્યાવરણીય પરિબળો જ્યારે દૂષિત થાય છે ત્યારે એ આખી વસ્તીને પ્રતિકૂળ રીતે અસર કરી શકે છે. આધુનિક ધ્વનિપ્રદૂષણ એ ચરકના જનપદોધ્વંસનાં પરંપરાગત ઉદાહરણોમાંથી અક્ષરશઃ એક નથી. છતાં આ સિદ્ધાંત ખૂબ જ સુસંગત છે : જ્યારે કોઈ પર્યાવરણીય પરિબળ સમગ્ર વિસ્તાર માટે હાનિકારક બની જાય છે ત્યારે એ સમસ્યા માત્ર એક વ્યક્તિગત સમસ્યા રહેતી નથી. એ સમગ્ર સમાજના સ્વાસ્થ્યની સમસ્યા બની જાય છે.
તહેવારો, લગ્નો અને ધાર્મિક ઉત્સવો આપણા સામાજિક અને સાંસ્કૃતિક જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આયુર્વેદ આપણને આનંદનો ત્યાગ કરવાનું નથી શીખવતું; એ આપણને અતિ એટલે કે અતિરેકથી બચવાનું શીખવે છે. વૃદ્ધો, હૃદયરોગના દરદીઓ, હાઈ બ્લડ-પ્રેશર ધરાવતા લોકો, નાનાં બાળકો, ઊંઘની સમસ્યા ધરાવતા દરદીઓ અને સાંભળવાની તકલીફવાળા લોકો અતિશય ઘોંઘાટ સામે ખૂબ સંવેદનશીલ હોય છે. તેથી ચાલો આપણે ઉજવણી કરીએ, પરંતુ મર્યાદા સાથે. આપણા તહેવારોનો અવાજ આનંદ આપે, રોગ નહીં કારણ કે સાચું સ્વાસ્થ્ય એ માત્ર બીમારીઓની ગેરહાજરી નથી. એ વ્યક્તિ, ઇન્દ્રિયો, મન અને પર્યાવરણ વચ્ચેનો સમન્વય છે.

-ડૉ. સંજય છાજેડ

lifestyle news life and style healthy living health tips ganesh chaturthi ayurveda