20 November, 2025 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણી ડોકની ત્વચા શરીરના અન્ય ભાગની તુલનામાં ખૂબ પાતળી હોય છે. એટલે એ ભાગમાં કચરચલીઓ પડવાની અને ત્વચા ઢીલી પડી જવાની સમસ્યા જલદી થવા લાગે છે. ઉંમર સાથે આ સમસ્યા થાય એ સ્વાભાવિક છે, પણ આજકાલ યુવાનોની ડોકની ત્વચા પર સમય કરતાં પહેલાં જ વૃદ્ધત્વની નિશાનીઓ જોવા મળી રહી છે. ડિજિટલ યુગમાં એનું એક મોટું કારણ એ છે કે આપણે સતત માથું નીચે ઝુકાવીને ફ્રોનની સ્ક્રીન જોઈએ છીએ.
આનું બીજું એક કારણ બ્લુ લાઇટ પણ છે જે મોબાઇલ, કમ્પ્યુટર વગેરેની સ્ક્રીનમાં લાઇટ છે જે સીધી આપણી સ્કિનમાં પ્રવેશ કરી શકે છે. આ બ્લુ લાઇટ રીઍક્ટિવ ઑક્સિજન સ્પીશીસ (ROS) પેદા કરી શકે છે, જે કોલાજ અને ઇલૅસ્ટિન પ્રોટીન કે જે સ્કિનને ફર્મ અને સ્મૂધ બનાવી રાખે છે એને નુકસાન પહોંચાડે છે. એને કારણે ત્વચા લચી પડવાની અને કરચલીઓની સમસ્યા થવા લાગે છે.
બ્લુ લાઇટ ફક્ત ત્વચાને પ્રભાવિત નથી કરતી, પણ ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. રાત્રે મોડે સુધી મોબાઇલનો ઉપયોગ કરવાથી મેલૅટોનિન હૉર્મોન કે જે સ્લીપ સાઇકલને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે એનું પ્રોડક્શન સરખી રીતે થતું નથી, જેથી સ્કિન રાત્રે સરખી રીતે રિપેર થઈ શકતી નથી. નિયમિત ખરાબ ઊંઘ ફક્ત તમારી ત્વચાની રિપેર પ્રોસેસને ધીમી નથી કરતી પણ સ્ટ્રેસ હૉર્મોનના વધવાથી કૉલેજનના તૂટવાનો દર પણ વધી જાય છે. એને કારણે ચહેરા અને ડોક પર વૃદ્ધત્વની નિશાનીઓ આવવા લાગે છે.
ઉપાય શું?
નિષ્ણાતોનું માનવું છે કે આપણે કેટલીક સરળ અને પ્રભાવશાળી આદતો અપનાવીને અકાળે દેખાઈ આવતી વૃદ્ધત્વની નિશાનીઓને ઘણી હદ સુધી ઓછી કરી શકીએ છીએ. જેમ કે સ્ક્રીનને આંખોના સ્તર પર રાખવાનો પ્રયત્ન કરો જેથી ડોક નીચે ઝુકાવવાની જરૂરિયાત ઓછી થઈ જાય. સાથે જ એક સારું સ્કિન-કૅર રૂટીન પણ ખૂબ જરૂરી છે જેમાં સામેલ હોય જેન્ટલ ક્લેન્ઝર, હાઇડ્રેટિંગ મૉઇશ્ચરાઇઝર અને સ્કિન-કૅર. ખાસ કરીને ડોક પર ડર્મેટોલૉજિસ્ટ કેટલાંક ખાસ ઍક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરવાની પણ સલાહ આપે છે જેમ કે રેટિનોઇડ્સ, પેપ્ટાઇડ્સ, હાયોલ્યુરોનિક ઍસિડ અને વિટામિન C અને E જેવાં ઍન્ટિઑક્સિડન્ટ્સ. આ બધી વસ્તુ સ્કિનને રિપેર કરવામાં અને કૉલેજનના નિર્માણમાં મદદ કરે છે.
જો તમને લક્ષણો અગાઉથી જ દેખાવા લાગ્યાં હોય જેમ કે ડોક પર ઊંડી રેખાઓ પડી ગઈ હોય તો તમે કેટલાક ક્લિનિકલ સ્તરે ઇલાજ કરાવી શકો છો. અલ્ટ્રાસાઉન્ડ અને રેડિયો ફ્રીક્વન્સી ટેક્નૉલૉજીવાળી ટ્રીટમેન્ટ્સ કૉલેજન અને ઇલૅસ્ટિન વધારે અને સ્કિનને ટાઇટ કરી શકે છે. લેઝર થેરપી અને બોટોક્સ પણ કેટલાક મામલે કારગર સાબિત થાય છે. એ સિવાય બ્લુ લાઇટથી સુરક્ષા માટે આયન ઑક્સાઇડયુક્ત ટિન્ટેડ મિનરલ સનસ્ક્રીનનો ઉપયોગ બ્લુ લાઇટથી થનારા હાનિકારક પ્રભાવને ઓછો કરી શકે છે. આપણો ફોન આપણી સ્કિનને પણ સાઇલન્ટ્લી પ્રભાવિત કરતો હોય છે. એવામાં આપણે થોડી સાવચેતી, યોગ્ય પૉશ્ચર અને સ્કિન-કૅરનું ધ્યાન રાખીએ તો ત્વચાને સમય પહેલાં વૃદ્ધ થતાં રોકી શકીએ છીએ.