પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમમાં રાહત આપી શકે પિરિયડ્સ ટ્રૅકિંગ ઍપ

15 September, 2025 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર મહિને પિરિયડ્સ આવવાના હોય એના થોડા દિવસો પહેલાંથી મહિલાઓ અનેક શારીરિક અને ભાવનાત્મક સમસ્યાનો સામનો કરતી હોય છે. એવા સમયે પિરિયડ્સ ટ્રૅકિંગ ઍપ તમને તમારી સમસ્યાને સારી રીતે સમજવામાં અને એને મૅનેજ કરવામાં મદદ કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર

પિરિયડ્સ આવવાના થોડા દિવસો પહેલાં મહિલાઓમાં જે બદલાવ આવે છે એને પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમ (PMS) કહેવામાં આવે છે. આ સમયમાં શરીરના હૉર્મોનલ લેવલમાં ફેરફાર થાય છે, જેના કારણે ઘણી વાર માથામાં દુખાવો થાય છે, થાક લાગે છે, શરીરમાં સોજો આવે છે, સ્તનમાં સોજો કે દુખાવો થાય છે, પેટ ફૂલે કે દુખે છે. સાથે જ મૂડ-સ્વિંગ્સ, ચીડિયાપણું, ચિંતા, ડિપ્રેશન કે અશાંતિ જેવી ભાવનાત્મક મુશ્કેલીઓ પણ અનુભવાતી હોય છે. એવા સમયે પિરિયડ્સ ટ્રૅકિંગ ઍપ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. એ ફકત તમારા માસિક ચક્રની તારીખો યાદ રાખવામાં જ નહીં પણ શરીર અને મનમાં આવતા બદલાવોને પણ સમજવામાં મદદ કરે છે.

કઈ રીતે મદદ કરે?

૧ લક્ષણો ટ્રૅક કરે : તમને કયાં શારીરિક અને ભાવનાત્મક લક્ષણોનો અનુભવ થાય છે એ તમે ઍપમાં માર્ક કરી શકો. એનાથી તમને તમારી પૅટર્ન સમજવામાં મદદ મળશે. તમને પિરિયડ્સના કેટલા દિવસ પહેલાં લક્ષણો દેખાવાનું શરૂ થઈ જાય છે અને કયાં લક્ષણો વધુ અનુભવાય છે એનો આઇડિયા આવશે.

૨ મૂડ અવેરનેસ : PMS દરમિયાન ચીડિયાપણું, નિરાશા અથવા ઍન્ગ્ઝાયટી વધી જાય છે. ઍપ મૂડ ટ્રૅક કરીને તમને દેખાડશે કે કયા સમયગાળામાં તમારા મૂડને સૌથી વધારે અસર પડે છે. તમને આ વસ્તુની ખબર હોય તો તમે તમારી પ્રતિક્રિયાઓ પર નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરી શકો છે. તમારી મેન્ટલ હેલ્થ માટે સક્રિય પગલાં લઈ શકો જેમ કે મેડિટેશન. 
૩ પ્લાનિંગ : ઍપ અગાઉથી જ તમને પ્રિડિક્ટ કરીને જણાવી દે છે કે PMS ક્યારે શરૂ થઈ શકે છે. એનાથી તમે તમારું વર્ક-શેડ્યુલ, ટ્રાવેલ-પ્લાનિંગ કે કોઈ જરૂરી મીટિંગ એ રીતે પ્લાન કરી શકો છો.

૪ કન્સલ્ટેશન : ઍપમાં ટ્રૅક થયેલો તમારો ડેટા તમે ડૉક્ટર સાથે શૅર કરી શકો છો. એનાથી ડૉક્ટરને તમારી સમસ્યા સમજવામાં અને એ મુજબ સારવાર કરવામાં મદદ મળે છે. 
૫ સેલ્ફ-કૅર : તમારી ઍપ તમને અગાઉથી જ કહી દે કે ૨-૩ દિવસ PMSનાં લક્ષણો વધુ જોવા મળશે તો તમે આરોગ્યપ્રદ ખોરાક, પૂરતા પ્રમાણમાં પાણી પીવા પર તેમ જ આરામ કરવા પર ધ્યાન આપી શકો છો. સ્ટ્રેસ ઓછું કરવા માટે મેડિટેશન, હળવી કસરત કે પછી મનગમતી પ્રવૃત્તિ પ્લાન કરી શકો છો.

health tips healthy living mental health lifestyle news life and style columnists