26 August, 2026 06:31 PM IST | Mumbai | Heena Patel
રોઝમૅરીથી મેમરી શાર્પ થાય છે?
પરંપરાગત ભારતીય રસોડાથી લઈને આજના વેલનેસ ટ્રેન્ડ સુધી હર્બલ રેમેડીઝ ફરી એક વાર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ યાદીમાં હવે રોઝમૅરી પણ ચર્ચામાં છે. તાજેતરમાં આયુષ મંત્રાલયે પણ રોઝમૅરીના ઔષધીય ગુણો તરફ ધ્યાન દોર્યું છે. રોઝમૅરી ધ્યાન કેન્દ્રિત કરવામાં અને યાદશક્તિ જાળવવામાં મદદરૂપ થઈ શકે છે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ વાતમાં કેટલી સત્યતા છે? રોઝમૅરી મગજ પર કેવી રીતે અસર કરે છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે કન્સલ્ટન્ટ ન્યુરોલૉજિસ્ટ ડૉ. ધારા શાહ પાસેથી જાણીએ.
યાદશક્તિ અને એકાગ્રતા વધારે: રોઝમૅરીમાં રહેલું 1, 8-સિનેઓલ તત્ત્વ મગજના મહત્ત્વના કેમિકલ (એસિટાઇલકોલીન)ને જાળવી રાખે છે. આ કેમિકલ નવી વસ્તુઓ ઝડપથી શીખવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં અને યાદશક્તિ તેજ રાખવામાં મદદ કરે છે.
એમાં રહેલું રોઝમૅરિનિક ઍસિડ અને કાર્નોસિક ઍસિડ મગજ સુધી પહોંચીને સોજો ઘટાડે છે અને કોષોને નુકસાન થતાં બચાવે છે.
રોઝમૅરીની સુગંધ લેવાથી કે એનું સેવન કરવાથી સ્ટ્રેસ-હૉર્મોન કૉર્ટિસૉલ ઘટે છે. મન શાંત રહેવાથી ફોકસ વધે છે અને માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે.
એ મગજની કામ કરવાની ઝડપ વધારે છે અને લાંબા સમય સુધી એકાગ્રતા જાળવી રાખવામાં મદદ કરે છે.
એ મગજના સ્વાસ્થ્યને જાળવી રાખીને ડિમેન્શિયા જેવી ભૂલવાની બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
એકથી બે ચમચી તાજાં કે સૂકાં રોઝમૅરીનાં પાનને પાણીમાં પાંચથી ૧૦ મિનિટ ઉકાળો. ત્યાર બાદ એને ગાળીને સ્વાદ મુજબ થોડું લીંબુ કે મધ ઉમેરીને પી શકાય.
એક્સ્ટ્રા-વર્જિન ઑલિવ ઑઇલમાં રોઝમૅરીની તાજી ડાળીઓ ઉમેરીને ધીમા તાપે પંદરથી ૨૦ મિનિટ ગરમ કરો. આ તેલનો ઉપયોગ સૅલડ-ડ્રેસિંગ કે બ્રેડ-ડિપ તરીકે કરી શકાય.
કામ કરતી વખતે ડેસ્ક પાસે રાખેલા ડીફ્યુઝરમાં રોઝમૅરી એસેન્શિયલ ઑઇલનાં ત્રણથી પાંચ ટીપાં ઉમેરો. તમે એક ટિશ્યુ-પેપર પર અથવા સ્ટીમ લેવાના ગરમ પાણીમાં ૧ ટીપું ઉમેરીને એની સુગંધ લઈ શકો. એક ચમચી જોજોબા જેવા કૅરીઅર ઑઇલમાં બે ટીપાં રોઝમૅરી ઑઇલ ભેળવીને કાંડા પર પણ લગાવી શકાય.
રોઝમૅરી વાળ અને સ્કૅલ્પની કૅર માટે ખૂબ ઉપયોગી છે. એનાં ઍક્ટિવ તત્ત્વો સ્કૅલ્પમાં બ્લડ-સર્ક્યુલેશન વધારે છે એટલે વાળના મૂળ સુધી પૂરતું પોષણ અને ઑક્સિજન પહોંચે છે. નિયમિત રીતે કરીઅર ઑઇલ સાથે રોઝમૅરી ઑઇલ વાપરવાથી હેરનો ગ્રોથ ઝડપી બને છે અને વાળ ખરવાનું ઓછું થાય છે. એક રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે એના ઉપયોગથી વાળનો ગ્રોથ અને ડેન્સિટી વધે છે. સાથે જ એમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ફંગલ ગુણો હોવાથી સ્કૅલ્પ સાફ રહે છે અને ડૅન્ડ્રફ કે ખંજવાળ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
રોઝમૅરીમાં નેચરલ પેઇન-રિલીવર અને સોજો ઘટાડવાના ગુણો હોય છે. તેથી મસલ-પેઇન, સાંધાનો દુખાવો કે જકડાઈ જવાની તકલીફમાં એ ઘણી મદદ કરે છે. રોઝમૅરી એસેન્શિયલ ઑઇલને કોઈ પણ તેલમાં મિક્સ કરીને હળવા હાથે મસાજ કરવાથી મસલ્સ રિલૅક્સ થાય છે અને દુખાવો ઓછો થાય છે. ખાસ કરીને વર્કઆઉટ કે વધારે મહેનત પછી થતા બૉડી-પેઇનમાં આ મસાજ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
રોઝમૅરી શરીરમાં બ્લડ-સર્ક્યુલેશન સુધારવામાં મદદરૂપ છે. એનાં અમુક ખાસ તત્ત્વો બ્લડ-વેસલ્સને હેલ્ધી રાખીને બ્લડ-ફ્લો સારો બનાવે છે. સારો બ્લડ-ફ્લો શરીરના દરેક અંગ સુધી ઑક્સિજન અને ન્યુટ્રિઅન્ટ્સ પહોંચાડવા માટે જરૂરી છે. ખાસ કરીને જે લોકોને હાથ-પગ ઠંડા પડી જવાની કે ખાલી ચડી જવાની સમસ્યા રહેતી હોય તેમના માટે રોઝમૅરી તેલથી મસાજ કરવો એક બેસ્ટ નૅચરલ ઑપ્શન છે.
રોઝમૅરી એસેન્શિયલ ઑઇલ અત્યંત કૉન્સન્ટ્રેટેડ હોય છે. એને પીવાથી પેટમાં બળતરા, ઊબકા, ઊલટી, ચૂંક કે ગંભીર નુકસાન થઈ શકે છે.
ત્વચા પર સીધું લગાવવાથી ઍલર્જી, ખંજવાળ કે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેથી હંમેશાં કરીઅર ઑઇલમાં ભેળવીને જ વાપરવું.
ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમ્યાન એનો ઉપયોગ ટાળવો.
જે લોકો બ્લડ-થિનર (લોહી પાતળું કરવાની દવાઓ) લેતા હોય તેમણે ડૉક્ટરની સલાહ વગર એનો ઉપયોગ કરવો નહીં.