28 October, 2026 02:56 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર (એઆઈ)
સીઝન ચેન્જમાં નાક વહેવાનું અને ત્વચાની ઍલર્જીનું પ્રમાણ વધે છે જેની પાછળ અનેક પરિબળો જવાબદાર છે. એટલું જ નહીં, પ્રદૂષણને કારણે ઍલર્જીના કેસમાં પણ ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. જોકે શરીરના ઍલર્જિક રીઍક્શનનું એક કારણ જીવનમાં વધતુંજતું સ્ટ્રેસ પણ છે. તનાવ અને ઍલર્જી વચ્ચેના સંબંધને આજે સમજીએ અને જાણીએ કે એને કન્ટ્રોલમાં રાખવા માટે શું કરી શકાય
ઉદાહરણ ૧ : ૩૫ વર્ષના રોનકને ઋતુ બદલાતાંની સાથે જ સવારના સમયે અચાનક સખત ખાંસી આવે છે, છાતીમાં જકડાટ અનુભવાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. ડૉક્ટર પાસે તપાસ કરાવતાં ખબર પડે છે કે તેને ‘ઍલર્જિક બ્રૉન્કાઇટિસ’ કે અસ્થમાની હળવી અસર થઈ છે જેની પાછળ બદલાતી મોસમની ધૂળ અને ઠંડી હવા કારણભૂત છે.
ઉદાહરણ ૨ : ૨૮ વર્ષની સ્મિતા દરરોજ મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. છેલ્લા દસેક દિવસથી જ્યારે તે ઘરની બહાર નીકળે કે ACમાં બેસે ત્યારે તેને અચાનક સવારમાં પાંચથી ૧૫ મિનિટ સુધી સતત છીંકો આવ્યા જ કરે છે, જે દરમ્યાન નાકમાંથી પાણી વહેવાની અને નાક બંધ થઈ જવાની ગંભીર સમસ્યા શરૂ થઈ જાય છે. ડૉક્ટર તેને ‘ઍલર્જિક રાઇનાઇટિસ’ હોવાનું જણાવે છે જે મોસમી ફેરફાર અને હવામાં રહેલી પરાગરજ એટલે કે પોલન કે ડસ્ટ માઇટ્સને કારણે થાય છે.
ઉદાહરણ ૩ : ૪૨ વર્ષના પરાગભાઈને આ બદલાતી ઋતુમાં ત્વચાની ઍલર્જી થાય છે. હવામાં ભેજ અચાનક ઘટવાથી અને તાપમાનમાં પલટો આવવાથી તેમને હાથ અને પગ પર લાલ ફોલ્લીઓ થઈ જાય છે અને ખૂબ ખંજવાળ આવ્યા કરે છે. આ એક પ્રકારની સ્કિન ઍલર્જી છે.
મુખ્ય કારણ છે ઋતુસંધિ
જ્યારે ઋતુ બદલાય છે ત્યારે પર્યાવરણ અને વાતાવરણમાં કેટલાક ભૌતિક તથા જૈવિક ફેરફારો થાય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ અને શ્વસનતંત્રને સીધી અસર કરે છે. સીઝન બદલાય એ વખતે ઍલર્જીના કેસો વધવા પાછળનાં મુખ્ય કારણો જણાવતાં અમેરિકન બોર્ડ સર્ટિફાઇડ ઍલર્જિસ્ટ અને ઇમ્યુનોલૉજિસ્ટ ડૉ. સિતેશ રૉય કહે છે, ‘ઋતુમાં બદલાવ આવે ત્યારે હવામાં પરાગરજ અને ઍલર્જન્સ એટલે કે ઍલર્જી પેદા કરતા કણોનું પ્રમાણ વધે છે. જ્યારે શ્વાસ દ્વારા આ કણો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ એને હાનિકારક પદાર્થ ગણીને વધુ પડતી પ્રતિક્રિયા આપે છે જેને કારણે ઍલર્જી થાય છે. તાપમાન અને ભેજમાં અચાનક પલટો આવે ત્યારે ઍલર્જીનું પ્રમાણ વધે છે. ભેજવાળા વાતાવરણમાં માઇક્રોસ્કોપિક જીવાતો જેમ કે ડસ્ટ માઇટ્સ અને મોલ્ડ ખૂબ ઝડપથી વિકાસ પામે છે. ઘરોમાં, કાર્પેટમાં કે સૂકવવામાં આવેલાં કપડાં થકી આ મોલ્ડ કે ફંગલ હવા દ્વારા ફેલાય છે અને શ્વસનમાર્ગ પર અસર કરે છે. આ મુખ્ય કારણો છે જેને લીધે આ સમયે ઍલર્જી વધે છે.’
બીજાં કારણો
બદલાતી ઋતુમાં સવારના સમયે ઘણી વાર તાપમાન નીચું હોય છે અને હવામાં ઠંડક રહે છે. આને કારણે વાહનો અને કારખાનાંઓમાંથી નીકળતો ધુમાડો તેમ જ પ્રદૂષણના સૂક્ષ્મ કણો, જેમ કે PM2.5 જમીનની નજીક ફસાઈ જાય છે અને ઉપર જઈ શકતા નથી. એ વિશે વાત કરતાં ડૉ. સિતેશ રૉય કહે છે, ‘હાલમાં જ નવરાત્રિ ગઈ છે અને લોકોએ ખૂબ રાત્રિજાગરણ કર્યું છે જેની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. બીજું એ કે તાપમાનમાં અચાનક થતા ફેરફાર સાથે અનુકૂલન સાધવા માટે શરીરને મહેનત કરવી પડે છે. આ પરિવર્તનના સમયમાં નાક અને શ્વસનનળીની સ્થાનિક રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી પડે છે જેને કારણે વાઇરસ અને બૅક્ટેરિયા તેમ જ હવામાં રહેલા ઍલર્જીન્સ શરીર પર ઝડપથી હુમલો કરે છે.’
ઍલર્જીના કેસમાં થઈ રહ્યો છે વધારો
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન મુજબ (WHO) વૈશ્વિક સ્તરે અસ્થમા અને શ્વસન-સંબંધી ઍલર્જીના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એક અંદાજિત આંકડા મુજબ મુંબઈ જેવા મહાનગરમાં જ્યારે ઋતુ બદલાય છે ત્યારે હવામાં ભેજનું અસંતુલન અને પ્રદૂષણના ઝેરી કણો વધવાને કારણે શ્વસનરોગોના OPDમાં દરદીઓની સંખ્યામાં દર વર્ષે પંદરથી ૨૦ ટકા સુધીનો વધારો જોવા મળે છે. WHOના કહેવા મુજબ વિશ્વભરમાં કરોડો લોકો ઍલર્જિક રાઇનાઇટિસથી પ્રભાવિત છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં આ આંકડો ઊંચો ગયો છે. આમ વાતાવરણમાં બદલાવ વખતે સામે આવતા ઍલર્જીના કેસ છેલ્લાં કેટલાંક વર્ષોથી વધી રહ્યા છે એની પાછળનાં કારણોમાં અમુક એવાં છે જે આપણે જાતે ઊભાં કર્યાં છે. જેમ કે ગ્લોબલ વૉર્મિંગ અને હવાનું પ્રદૂષણ. ગ્લોબલ વૉર્મિંગ અને તાપમાનમાં થતા વધારાને કારણે છોડ અને વૃક્ષોનો પરાગરજ મુક્ત કરવાનો સમયગાળો લંબાયો છે. આ કારણે હવામાં ઍલર્જીન્સનું પ્રમાણ લાંબા સમય સુધી જળવાઈ રહે છે, જેના પરિણામે સામાન્ય લોકો તેમ જ બાળકોમાં ઍલર્જીના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. એ જ રીતે મુંબઈમાં વધેલા કન્સ્ટ્રક્શનને કારણે હવાનું પ્રદૂષણ વધ્યું છે.
શારીરિક સ્ટ્રેસ અને ઍલર્જી
આ સિવાય પણ એક મહત્ત્વનું કારણ છે સ્ટ્રેસ. સ્ટ્રેસના મુખ્યત્વે બે પ્રકાર છે : એક શારીરિક અને બીજો માનસિક. પહેલાં શારીરિક સ્ટ્રેસ ઍલર્જી પર કઈ રીતે અસર કરે છે એ સમજાવતાં ડૉ. સિતેશ રૉય કહે છે, ‘જ્યારે શરીર કોઈ શારીરિક તાણ કે દબાણ હેઠળ હોય - જેમ કે ઊંઘનો અભાવ, સતત થાક, માંદગી કે અતિશય શારીરિક શ્રમ - ત્યારે શરીરમાં કૉર્ટિઝૉલ અને એડ્રિનલિન જેવાં હૉર્મોન્સનું અસંતુલન સર્જાય છે. શારીરિક સ્ટ્રેસથી આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આના પરિણામે જ્યારે વાતાવરણમાં રહેલા ઍલર્જીન્સ જેમ કે પ્રદૂષણ કે ધૂળ શરીરના સંપર્કમાં આવે ત્યારે શરીર એની સામે સામાન્ય કરતાં વધુ તીવ્ર પ્રતિક્રિયા આપે છે. આ શારીરિક થાક કે તાણને કારણે અસ્થમાના હુમલા, ત્વચા પર ફોલ્લીઓ એટલે કે અર્ટિકેરિયા અને મોસમી શરદી જેવી ઍલર્જિક તકલીફો ખૂબ ઝડપથી વધી જાય છે.’
માનસિક સ્ટ્રેસ અને ઍલર્જી
માનસિક તાણ, ચિંતા કે ગાઢ નકારાત્મક વિચારો સીધા જ આપણા ચેતાતંત્ર અને રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરે છે. મન જ્યારે સતત સ્ટ્રેસમાં રહે છે ત્યારે મગજ શરીરમાં એવાં કેમિકલ્સ ઉત્પન્ન કરે છે જે સોજા અને ઍલર્જીને ઉત્તેજિત કરે છે એમ સમજાવતાં ડૉ. સિતેશ રૉય કહે છે, ‘માનસિક તનાવને કારણે સાઇનસ, ઍલર્જિક રાઇનાઇટિસ અને ત્વચાની ખૂજલી કે ખાજ જેવી સમસ્યાઓ વધુ ગંભીર બને છે, કારણ કે તનાવગ્રસ્ત સ્થિતિમાં શરીરની ઍલર્જી સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે અને નાની ઍલર્જી પણ મોટી અસર કરે છે.’
વધતા પ્રદૂષણમાં ઍલર્જીથી બચવા શું કરવું?
વાતાવરણના બદલાવ સાથે થતી ઍલર્જીથી બચવા અને એને નિયંત્રણમાં રાખવા શું કરશો?
૧. સવારના સમયે ઠંડી હવાને કારણે હવા પ્રદૂષિત હોય ત્યારે ઘરની બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવો.
૨. ઋતુ બદલાતી વખતે ઘરમાં ડસ્ટ માઇટ્સ અને ફંગસ ન થાય એની કાળજી રાખવી અને ઘરની નિયમિત સફાઈ રાખવી.
૩. પૂરતી ઊંઘ લેવી અને શરીરને પૂરતો આરામ આપવો, જેથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે.
૪. માનસિક તાણ અને ચિંતા ઓછી કરવા માટે યોગ, ધ્યાન કે હળવા પ્રાણાયામ કરવા, કારણ કે સ્ટ્રેસ ઍલર્જીને વધારે છે.
૫. હૂંફાળું પાણી પીવું અને રોગપ્રતિકારક શક્તિ વધારતો પૌષ્ટિક ખોરાક, જેમાં વિટામિન C અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય એ લેવો. ઠંડી ચીજો, ફ્રિજનું પાણી અથવા ઍલર્જી વધારે એવી ખાદ્ય ચીજોથી દૂર રહેવું.
૬. નાક કે શ્વસનમાર્ગમાં એલર્જીની શરૂઆત જણાય ત્યારે સ્ટીમ એટલે કે બાફ લેવાથી રાહત મળે છે. જો ઍલર્જીની તકલીફ વધુ હોય તો સમયસર તબીબી સલાહ લઈને ડૉક્ટર જે કહે એ જ મેડિકલ ઍલર્જી ટેસ્ટ કરાવવી. જાતે મોંઘી ટેસ્ટ કરીને ડૉક્ટર પાસે પહોંચવું યોગ્ય નથી.