10 August, 2026 07:59 PM IST | Mumbai | Kajal Rampariya
તમે પણ પર્ફેક્ટ બનવાની ચક્કીમાં પિસાઈ રહ્યા છો?
સવારે કેટલા વાગ્યે ઊઠ્યા, દિવસમાં કેટલાં સ્ટેપ્સ ચાલ્યાં, કેટલી કૅલરી ખાધી અને કેટલો સમય સ્ક્રીન સામે વિતાવ્યો - આ બધું જ ટ્રૅક કરવાનો અને પોતાને સતત પર્ફેક્ટ બનાવવાનો ક્રેઝ આજે આપણી શાંતિ છીનવી રહ્યો છે. સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટના નામે શરૂ થયેલી આ યાત્રા આપણને કઈ રીતે ટૉક્સિક પ્રોડક્ટિવિટી અને ઍન્ગ્ઝાયટીના ચક્રમાં ધકેલી રહી છે અને એમાંથી બહાર કઈ રીતે નીકળવું એ વિશે વિગતે જાણીએ
જરા વિચારો તો છેલ્લે તમે ક્યારેય કોઈ પણ ગણતરી વગર, સ્માર્ટવૉચનાં નોટિફિકેશન્સ જોયા વગર કે દિવસનો હિસાબ રાખ્યા વગર શાંતિથી બેઠા હતા? અત્યારે આપણે એક એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં માણસ તરીકે સહજ જીવવા કરતાં એક હાઈ-પર્ફોર્મિંગ મશીન બનવાને વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ.
આપણે હવે ઊંઘ, ચાલવું, ખોરાક અને વાંચન જેવી રોજિંદી બાબતોને પણ સતત માપવા લાગ્યા છીએ. પહેલાંના સમયમાં જે બાબતો એકદમ સહજ અને સ્વાભાવિક હતી એ આજે ગોલ્સ, ગ્રાફ અને ફિટનેસ-ઍપ્સના કન્ટ્રોલમાં આવી ગઈ છે. પોતાનામાં સુધારો લાવવો કે હેલ્ધી રહેવું એ મૂળભૂત રીતે ખૂબ સારી વાત છે, પણ જ્યારે આ સુધારાની ઘેલછા સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ રહેવાને બદલે એક અદૃશ્ય તનાવ અને માનસિક ઍન્ગ્ઝાયટીનું રૂપ ધારણ કરી લે ત્યારે ચેતવું જરૂરી છે. ગૅજેટ્સ અને રૂટીન ઘણી વાર આપણા આત્મસન્માનને અસર કરનારાં પરિબળો બની જાય છે. આ ટૉક્સિક પ્રોડક્ટિવિટીના લૂપમાંથી કેવી રીતે બહાર નીકળવું એ અનુભવી સાઇકોલૉજિસ્ટ જાહ્નવી ઠક્કર પાસેથી જાણીએ.
પોતાના જીવનને સુધારવાની ઇચ્છા હોવી અને ટૉક્સિક પ્રોડક્ટિવિટીના ચક્રમાં ફસાઈ જવું આ બન્ને વચ્ચેનો તફાવત માત્ર બે બાબતો પર આધારિત છે : તમારો ઇરાદો અને તમારી ફ્લેક્સિબિલિટી. સ્વસ્થ અને સકારાત્મક વિકાસ હંમેશાં સેલ્ફ-કમ્પેશન એટલે કે પોતાની જાત પ્રત્યેની કરુણામાંથી જન્મે છે. એનો ઉદ્દેશ પોતાના જીવનને સમૃદ્ધ બનાવવાની
સાથે-સાથે મનુષ્ય તરીકેની કુદરતી મર્યાદાઓનો સ્વીકાર કરવાનો હોય છે. ઘણા કિસ્સાઓમાં ટૉક્સિક પ્રોડક્ટિવિટી પાછળ ભય, શરમ અથવા અસુરક્ષાની લાગણીઓ કામ કરતી હોય છે. એમાં વ્યક્તિ માનવા લાગે છે કે તેનું મૂલ્ય માત્ર તેનાં પરિણામો, કામ અને સતત પર્ફેક્ટ બનવાના પ્રયાસોથી જ નક્કી થાય છે. કોઈ ટેવ કે હૅબિટને ટ્રૅક કરવી એ જરૂર વિકાસનું સાધન છે, પરંતુ એ ઍન્ગ્ઝાયટીનું ટ્રિગર બની જાય છે જ્યારે એનો ડેટા માત્ર આંકડો ન રહેતાં જજમેન્ટમાં ફેરવાઈ જાય છે.
જ્યારે હૅબિટ ટ્રૅકિંગ એક ગ્રોથ-ટૂલ તરીકે કામ કરે છે ત્યારે કોઈ નિયમ તૂટે કે લક્ષ્ય ચૂકી જવાય તો વ્યક્તિ તટસ્થ સહજતાથી એને જુએ છે. ઉદાહરણ તરીકે આજે થાક લાગ્યો હતો એટલે આરામ કર્યો, કાલે ફરી જોઈ લઈશું. આ સ્થિતિમાં નિર્ણય લેવાની સ્વતંત્રતા તમારી પોતાની પાસે રહે છે, પણ જ્યારે આ જ ટ્રૅકિંગ ઍન્ગ્ઝાયટી ટ્રિગર બને છે ત્યારે કોઈ ટેવ ચૂકી જવી એ નૈતિક નિષ્ફળતા કે અપરાધ તરીકે જોવાય છે. વ્યક્તિ પોતાને જજ કરવા લાગે છે કે મારામાં શિસ્ત નથી, હું બધાથી પાછળ રહી ગયો છું. આ માનસિકતામાંથી ગુનાહિત ભાવના, બળજબરીપૂર્વક કામ કરવાની વૃત્તિ અને પોતાના શરીરનો અવાજ સાંભળવાની ક્ષમતાનો નાશ થાય છે. જ્યારે ટ્રૅકર તમને કહેવા લાગે કે તમારે કેવું અનુભવવું જોઈએ ત્યારે સમજવું કે ડેટા હવે તમારી સેવા નથી કરતો, તમને કન્ટ્રોલ કરી રહ્યો છે.
અમેરિકન સાઇકોલૉજિસ્ટ અબ્રાહમ મૅસલોએ બનાવેલા જરૂરિયાતોના અગ્રતાક્રમના સિદ્ધાંતના સંદર્ભમાં જોઈએ તો સતત પર્ફેક્ટ બનવાની ઘેલછા વ્યક્તિની શારીરિક જરૂરિયાતો, સુરક્ષાની લાગણી, સંબંધો અને આત્મસંતોષને અસર કરી શકે છે. ઊંઘ અને ખોરાક જેવી મૂળભૂત શારીરિક જરૂરિયાતો જે સહજ અને આનંદદાયક હોવી જોઈએ એ હવે સ્ટ્રેસફુલ પર્ફોર્મન્સ ટેસ્ટ બની ગઈ છે. પરિણામે શરીર પોતાનો કુદરતી લય ગુમાવી દે છે. આ ઉપરાંત પોતાનાં સેટ કરેલાં લક્ષ્યો સુધી ન પહોંચી શકવાનો અસંતોષ જન્મે છે. વ્યક્તિ પોતાને એકલી પાડી દે છે અને એવું માનવા લાગે છે કે અન્ય લોકો સાથેનો સંબંધ કે સ્વીકાર પણ પ્રોડક્ટિવિટી સાબિત કર્યા પછી જ મેળવી શકાય. જીવનની દરેક નાની વિગતને નિયંત્રિત કરવાની આ ધૂન સહજતા અને અસલી ગ્રોથ માટે જરૂરી ઊર્જાને શોષી લે છે અને વ્યક્તિ આત્મસંતોષ મેળવવાને બદલે સતત પોતાની જાતને સુધારવાના આંતરિક ચક્રમાં જ કેદ રહે છે.
આજના સમાજે આરામથી બેસવાને કે ઍવરેજ હોવાને એક વ્યક્તિગત નિષ્ફળતા તરીકે જોવાનું શરૂ કર્યું છે. આ ભય પાછળ ઘણાં સાઇકોલૉજિકલ કારણો છે. આપણે આપણું મૂલ્ય સતત મળતા આઉટપુટ સાથે જોડી દીધું છે. વ્યસ્ત રહેવું એ અંદર રહેલી અસ્વસ્થતા અને ખાલીપાથી બચવા માટેની ઢાલ બની ગઈ છે. આપણે આપણા સામાન્ય, રોજિંદા જીવનની સરખામણી સોશ્યલ મીડિયા પર દર્શાવવામાં આવતી પર્ફેક્ટ અને ફિલ્ટર્ડ લાઇફસ્ટાઇલ સાથે કરવા લાગ્યા છીએ.
જ્યારે આપણે આરામને એક લક્ઝરી ગણીએ છીએ અથવા વીક-એન્ડમાં પણ કોઈ નવી સ્કિલ શીખ્યા વિના કે સાઇડ હાંસલ કર્યા વિના શાંતિથી બેસવામાં અપરાધભાવ અનુભવીએ છીએ ત્યારે આપણે સીધા બર્નઆઉટ તરફ વધીએ છીએ. વાસ્તવિક રિકવરી ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે આરામને ગાડીની બૅટરી રીચાર્જ કરવા જેવી શારીરિક જરૂરિયાત તરીકે સ્વીકારીએ. કોઈ પણ ડેટા કે સમરી રિપોર્ટ વિના પણ મનુષ્ય તરીકે આપણું મૂલ્ય અકબંધ છે એ યાદ રાખવા માટે શાંતિની પળોમાં કોઈ માપદંડ વગર જીવવું જરૂરી છે.
જ્યારે કોઈ વ્યક્તિ સતત પર્ફેક્ટ બનવાના આ ચક્રમાં ફસાઈ જાય છે ત્યારે તેના મન અને વ્યવહારમાં કેટલાક ખૂબ સૂક્ષ્મ બદલાવો આવે છે જેને સમયસર ઓળખવા જરૂરી છે.
ધારો કે સવારે ઊઠીને તમે એકદમ ફ્રેશ અને તાજગીભર્યું અનુભવતા હો, પણ સ્માર્ટવૉચ હાથમાં લઈને જુઓ અને એમાં સ્લીપ સ્કોર સારો ન દેખાય એટલે તરત તમારો મૂડ ઑફ થઈ જાય. તમે માની લો છો કે ના, હું તો થાકેલો જ છું. એટલે કે સ્ક્રીન પરનો આંકડો તમારી શારીરિક અનુભૂતિ પર હાવી થઈ જાય છે.
દિનચર્યામાં નાનો ફેરફાર થતાં જ અકળાઈ જવું, કોઈ મલ્ટિ-ટાસ્કિંગ કર્યા વગર શાંતિથી માત્ર એક મૂવી જોવામાં પણ સમય બગાડ્યાનો ગુનો અનુભવવો અને આખો દિવસ આમ જ થવું જોઈએ જેવા કડક નિયમોથી ચલાવવો.
થાક લાગવા છતાં વ્યક્તિ પોતાને વધુ કડક નિયમોમાં બાંધે છે. સવારે બ્રશ કરતી વખતે કે ચાલતી વખતે પણ સમય બગાડવો ન જોઈએ એવા આગ્રહ સાથે કાનમાં પૉડકાસ્ટ ચાલુ રાખે છે. મિત્રો સાથે નવરાશની પળો વિતાવવાની માત્ર એટલા માટે ના પાડે છે કારણ કે એમાંથી કોઈ ગણતરી કરી શકાય એવું પરિણામ મળવાનું નથી.
પોતાના આત્મસન્માનને આંકડાઓથી અલગ કરવા અને આંતરિક સંતુલન પાછું મેળવવા માટે કેટલીક વ્યાવહારિક પદ્ધતિઓ અપનાવી શકાય છે.
કોઈ પણ ટ્રૅકિંગ ઍપ કે સ્માર્ટવૉચ જોતાં પહેલાં માત્ર ૩૦ સેકન્ડ માટે રોકાઈને પોતાના શરીરનું સ્કૅન કરો. પોતાની જાતને પૂછો કે અત્યારે મારું શરીર કેવું અનુભવે છે? મારી વાસ્તવિક ઊર્જા કેટલી છે? આંકડો જોતાં પહેલાં પોતાની શારીરિક અનુભૂતિને ઓળખવાથી ડિજિટલ સ્ક્રીન તમારો મૂડ નક્કી નથી કરી શકતી.
લક્ષ્યોને અનુભવ-આધારિત બનાવો: તમારા ગોલ્સને આંકડાકીય સરખામણીમાંથી બહાર કાઢો. મારે આજે ૧૦,૦૦૦ સ્ટેપ્સ ચાલવાનાં જ છે એવા ટાર્ગેટને બદલે મારું મન શાંત થાય અને મને તાજગી અનુભવાય ત્યાં સુધી ચાલવું છે એવો અભિગમ રાખો. આનાથી શારીરિક પ્રવૃત્તિ કોઈ ફરજિયાત બોજને બદલે સેલ્ફ-કૅર બની રહેશે.
અઠવાડિયામાં એક દિવસ અથવા વીક-એન્ડનો ચોક્કસ સમય એવો રાખો જ્યાં કોઈ ડેટા ટ્રૅક ન થાય. સ્માર્ટવૉચ ઉતારી દો, કૅલરી કે મૅક્રો ગણ્યા વિના ભૂખ મુજબ આનંદથી ખાઓ અને સમય કે પેજ ગણ્યા વિના માત્ર ગમતા પુસ્તક કે શોખનો આનંદ લો. આનાથી કોઈ પણ કામ માત્ર
ખુશી માટે કરવાની સહજ પ્રેરણા પાછી આવે છે.
જ્યારે પણ ઓછો આંકડો જોઈને પોતાની જાતને જજ કરવાનો વિચાર આવે ત્યારે આંકડાને તમારા આત્મસન્માનથી અલગ કરો. મનને સ્પષ્ટ કહો કે આ સ્ટેપ-કાઉન્ટ કે સ્લીપ-સ્કોર માત્ર આજનો ડેટા છે; એ મારી શિસ્ત, ક્ષમતા કે મારા મૂલ્યનું માપદંડ નથી. મેટ્રિક્સ માત્ર ડેટા દર્શાવે છે, એ તમારું ચરિત્ર કે મૂલ્ય નક્કી કરતું નથી. આ સ્વીકાર આપણને માપદંડોના સતત દબાણમાંથી બહાર આવીને વધુ સહજ અને સંતોષકારક જીવન તરફ લઈ જઈ શકે છે.