✕

મેનોપૉઝનાં લક્ષણોમાં કેટલું મદદરૂપ છે સોયબીન?

25 November, 2026 07:31 AM IST  |  Mumbai | Kajal Rampariya

ચાળીસીના અંત પછી ઇસ્ટ્રોજન હૉર્મોન ઘટવાને કારણે મેનોપૉઝ શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. આવા સમયમાં સોયબીનમાં રહેલું ફાઇટોઇસ્ટ્રોજન કામનું છે. રોજિંદા આહારમાં એને સામેલ કરવાથી કેટલો ફાયદો થઈ શકે છે એ નિષ્ણાત પાસેથી જાણીએ

સોયબીન

રાત્રે અચાનક શરીરમાં ગરમીનો એવો અનુભવ થાય કે પરસેવાથી કપડાં ભીંજાઈ જાય, ક્યારેક નાની વાતમાં ગુસ્સો આવે, તો ક્યારેક કોઈ કારણ વગર મૂડ બદલાઈ જાય. મેનોપૉઝમાંથી પસાર થતી અનેક મહિલાઓ માટે આ અનુભવ અજાણ્યો નથી. સામાન્ય રીતે આ તબક્કાને ઉંમર સાથે જોડીને જોવામાં આવે છે, પણ શરીરમાં થતા ઇસ્ટ્રોજન હૉર્મોનના ઘટાડાને કારણે અઢળક પ્રૉબ્લેમ્સ થતા હોય છે. આ દરમ્યાન આહારમાં સોયબીનનો સમાવેશ કરવાની સલાહ પણ આપવામાં આવે છે. સોયબીનમાં રહેલું આઇસોફ્લેવોન્સ નામનું તત્ત્વ મેનોપૉઝનાં કેટલાંક લક્ષણોમાં રાહત આપી શકે છે. તો શું ખરેખર સોયબીન મેનોપૉઝમાં દવાનું કામ કરે છે? એ કાંદિવલીનાં સર્ટિફાઇડ ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ નેહા કાવા પાસેથી જાણીએ.

સોયબીન કેવી રીતે કામ કરે છે?

મેનોપૉઝ દરમ્યાન મહિલાઓના શરીરમાં ઇસ્ટ્રોજન હૉર્મોનનું પ્રમાણ ઘટવા લાગે છે. આ હૉર્મોનલ ફેરફારને કારણે હૉટ ફ્લૅશ, નાઇટ સ્વેટ્સ, ઊંઘની સમસ્યા અને મૂડમાં બદલાવ જેવી તકલીફો થઈ શકે છે. બીજી તરફ, સોયબીનમાં આઇસોફ્લેવોન્સ નામનાં કુદરતી સંયોજનો હોય છે, જેને ફાઇટોઇસ્ટ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. આ વિશે ડાયટિશ્યન નેહા જણાવે છે, ‘સોયબીનમાં રહેલા આઇસોફ્લેવોન્સની રાસાયણિક રચના ઇસ્ટ્રોજન જેવી હોય છે. આ સંયોજનો શરીરના ઇસ્ટ્રોજન સાથે ક્રિયા કરી શકે છે. મેનોપૉઝ દરમ્યાન જ્યારે શરીરમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે છે, ત્યારે આ ફાઇટોઇસ્ટ્રોજન કેટલીક હદે ઇસ્ટ્રોજન જેવી અસર આપી શકે છે. એના કારણે ખાસ કરીને હૉટ ફ્લૅશિઝ અને રાત્રે પરસેવો આવવા જેવી સમસ્યાઓમાં આંશિક રાહત મળી શકે છે. જોકે, સોયબીનની અસર દરેક મહિલા પર સરખી હોય એવું જરૂરી નથી. એ હૉર્મોનલ મેડિસિન નથી અને મેનોપૉઝની સારવારનો વિકલ્પ પણ નથી. એને સંતુલિત આહારના એક ભાગ તરીકે જોવું જોઈએ.’

ડાયટમાં સામેલ કરવું મુશ્કેલ નથી

સોયબીનનું નામ સાંભળતાં જ સોય ચંક્સ અથવા સોય મિલ્ક યાદ આવે છે, પણ સોયને માત્ર આ બે સ્વરૂપમાં જ ખાવાની જરૂર નથી. સોય મિલ્કમાંથી પનીરની જેમ બનતા તોફુનો પણ વાનગીઓમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે એમ જણાવતાં નેહા વાનગીઓના વૈવિધ્ય વિશે કહે છે, ‘પુલાવ, બિરયાની, શાક અથવા અન્ય વાનગીઓમાં સોય ચંક્સ ઉમેરી શકાય છે. તોફુનો ઉપયોગ પનીરની જેમ કરી શકાય છે. તોફુ ભુર્જી, પાલક તોફુ અને તોફુનું શાક સારા વિકલ્પો છે. આ ઉપરાંત અનસ્વીટન્ડ સોય મિલ્કને પણ રોજિંદા આહારમાં સામેલ કરી શકાય છે. જે મહિલાઓ અગાઉ સોયબીનનું સેવન કરતી ન હોય તેમણે એકસાથે વધુ પ્રમાણમાં લેવાને બદલે ધીમે-ધીમે શરૂઆત કરવી જોઈએ, કારણ કે શરૂઆતમાં કેટલાક લોકોને ગૅસ, બ્લોટિંગ અથવા પાચન સંબંધિત તકલીફ થઈ શકે છે.’

કેટલી માત્રામાં સોયબીન લેવું યોગ્ય?

કોઈ પણ પૌષ્ટિક ખોરાક હોય, એનું પ્રમાણ જાળવવું જરૂરી છે. સોયબીન પણ એમાં અપવાદ નથી એ વાતથી સહમત થતાં નેહા કહે છે, ‘સામાન્ય રીતે દિવસમાં એકથી બે સર્વિંગ્સ સોયનો સમાવેશ કરી શકાય છે. ઉદાહરણ તરીકે આશરે ૧૦૦થી ૧૫૦ ગ્રામ તોફુ અથવા ૨૫થી ૩૦ ગ્રામ સોય ચંક્સનો ઉપયોગ ભોજનમાં કરી શકાય છે. એક ગ્લાસ અનસ્વીટન્ડ સોય મિલ્ક સારો ઑપ્શન છે. જોકે અહીં એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે દરેક સોય પ્રોડક્ટમાં પ્રોટીન અને આઇસોફ્લેવોન્સનું પ્રમાણ અલગ હોઈ શકે છે. એટલે સર્વિંગનું પ્રમાણ પ્રોડક્ટના પ્રકાર, મહિલાની ઉંમર, પોષણની જરૂરિયાત અને સ્વાસ્થ્યની સ્થિતિ પ્રમાણે નક્કી કરવું જોઈએ. માત્ર મેનોપૉઝનાં લક્ષણો ઘટાડવા માટે જરૂર કરતાં વધુ સોયબીનની ચીજો ખાવી યોગ્ય નથી.’

પ્રોટીન અને કૅલ્શિયમ પણ એટલાં જ જરૂરી

મેનોપૉઝ દરમ્યાન માત્ર હૉટ ફ્લૅશિઝ કે મૂડ સ્વિંગ્સ જ નહીં, હાડકાં અને સ્નાયુઓની મજબૂતાઈ જાળવવી પણ મહત્ત્વપૂર્ણ છે. ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવાથી હાડકાંની ઘનતા ઘટવાની અને સ્નાયુઓના જથ્થામાં ઘટાડો થવાની શક્યતા વધી શકે છે. એથી આ સમયગાળામાં પ્રોટીન અને કૅલ્શિયમથી ભરપૂર આહાર લેવો જરૂરી છે. આ વિશે નેહા કાવા કહે છે, ‘મહિલાઓએ પોતાના રોજિંદા આહારમાં મગ, મસૂર, ચણા, રાજમા, સ્પ્રાઉટ્સ, પનીર, બદામ અને અખરોટ જેવા પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. બોન-હેલ્થ માટે માટે દૂધ, દહીં, નાચણી, રાજગરો, તલ અને તોફુ જેવા કૅલ્શિયમના સ્રોત પણ લેવા જોઈએ. અખરોટ, ફ્લેક્સ સીડ્સ અને ચિયા સીડ્સમાંથી
ઓમેગા-3 ફૅટી ઍસિડ મળી શકે છે. આમળાં, જામફળ, સાઇટ્રસ ફ્રૂટ્સ, રંગબેરંગી ફળો અને લીલાં પાંદડાંવાળાં શાકભાજી ઍન્ટિઑક્સિડન્ટ્સના સારા સ્રોત છે. આ બધાં પોષક તત્ત્વો એકંદર સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે.’

માત્ર ડાયટ નહીં, પણ લાઇફસ્ટાઇલ સુધારો

મેનોપૉઝનાં લક્ષણોને નિયંત્રિત કરવા માટે માત્ર ખોરાકમાં ફેરફાર કરવો પૂરતો નથી. ડેઇલી લાઇફસ્ટાઇલમાં પણ કેટલાક ફેરફાર કરવા જરૂરી છે એમ જણાવતાં નેહા કહે છે, ‘સારી ઊંઘ માટે સૂવાના લગભગ એક કલાક પહેલાં બેડરૂમનું વાતાવરણ ઠંડું રાખવું અને લાઇટ્સ ડિમ કરવી જોઈએ. વધુ પડતો સ્ક્રીનટાઇમ ટાળવો અને ખાસ કરીને દિવસના બીજા ભાગમાં કૅફીનનું સેવન ઘટાડવું જોઈએ. મસાલેદાર ખોરાક, આલ્કોહોલ અને ખૂબ ગરમ પીણાં પણ કેટલીક મહિલાઓમાં હૉટ ફ્લૅશિઝ વધારી શકે છે, તેથી આવાં ખોરાક અને પીણાંનું સેવન ધ્યાનમાં રાખવું જોઈએ. આ ઉપરાંત, ઓછામાં ઓછી છથી આઠ કલાકની ઊંઘ મળે એવું રૂટીન બનાવવું જરૂરી છે. સ્ટ્રેસ ઘટાડવા માટે યોગ, મેડિટેશન અને શ્વાસની કસરતો પણ મદદરૂપ થઈ શકે છે. ૩૫ વર્ષની ઉંમર પછી મહિલાઓએ હાડકાં અને સ્નાયુઓને મજબૂત રાખવા માટે સ્ટ્રેન્થ-ટ્રેઇનિંગ અને સ્ટ્રેચિંગને પોતાના રૂટીનમાં સામેલ કરવું જોઈએ. પોતાની શારીરિક ક્ષમતા પ્રમાણે નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી પણ એટલી જ જરૂરી છે. મેનોપૉઝને માત્ર કોઈ એક સુપરફૂડથી મૅનેજ કરી શકાતો નથી. યોગ્ય ખોરાક, નિયમિત હલનચલન, સારી ઊંઘ અને સેલ્ફ-કૅરનું સંયોજન જ લાંબા ગાળે સ્વાસ્થ્યમાં વાસ્તવિક તફાવત લાવી શકે છે. સોયબીન આહારનો ઉપયોગી ભાગ બની શકે છે, પણ એને મેનોપૉઝની દવા માનવાને બદલે બૅલૅન્સ્ડ લાઇફસ્ટાઇલના એક ઘટક તરીકે અપનાવવું વધુ યોગ્ય છે.’

 

healthy living health tips food and drink food news indian food lifestyle news life and style gujarati mid day