25 November, 2025 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણા બધાના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે કોઈ મહત્ત્વનું કામ શરૂ કરવા માટે મન તૈયાર થતું નથી. પુસ્તક વાંચવું હોય, કસરત કરવી હોય કે પછી કોઈ ઈ-મેઇલનો જવાબ આપવો હોય; આપણે એને ‘પછી કરીશું’ કહીને ટાળી દઈએ છીએ. આ આદતને પ્રોક્રૅસ્ટિનેશન એટલે કે કામને ટાળવાની ટેવ કહેવાય છે. એ આપણા વિકાસને રોકવાનું કામ કરે છે. આ અવરોધને દૂર કરવા માટે ‘ટૂ-મિનિટ રૂલ’નું સૉલ્યુશન તમારા માટે બહુ કામ કરશે. આ નિયમનો ઉલ્લેખ જેમ્સ ક્લિયરના પ્રસિદ્ધ પુસ્તક ‘ઍટમિક હૅબિટ્સ’માં કરવામાં આવ્યો છે જે આપણને મોટા ટાર્ગેટ્સને નાની-નાની ક્રિયાઓમાં વિભાજિત કરવાનું શીખવે છે.
શું છે આ રૂલ?
આ નિયમનાં બે મુખ્ય પાસાં છે. જો કોઈ કામ બે મિનિટ અથવા એનાથી ઓછા સમયમાં પૂર્ણ થઈ શકે એમ હોય તો એને તરત જ કરી નાખો. જેમ કે કોઈ અગત્યના મેસેજનો વાંચીને તરત રિપ્લાય આપો, વાસણ સિન્કમાં મૂકવાને બદલે ધોઈ નાખવાં, કપડાં ગડી કરીને મૂકી દેવાં. જો તમે નવી અને મોટી આદત શરૂ કરવા માગો છો જેમ કે રનિંગ, યોગ, જિમ કે કોઈ નવો કોર્સ શીખવાની શરૂઆત કરવાની હોય તો એની શરૂઆતની ક્રિયાને બે મિનિટમાં પૂરી થઈ જાય એટલી નાની કરી નાખો. ઉદાહરણ તરીકે તમે જિમ જવાનું વિચાર્યું હોય તો સૌથી પહેલાં જિમ જૉઇન કરવાને બદલે વહેલા ઊઠીને તમારા બેડ પર જ બે મિનિટ સુધી મેડિટેશન કરો અને થોડા યોગ કરો જે તમારી સુસ્તી ઉડાડે. બે મિનિટની આ ક્રિયા તમારી કામને ટાળવાની આદતને છોડાવશે અને ઍક્ટિવ બનાવવાની સાથે તમારી પ્રોડક્ટિવિટી પણ વધારશે. આ ટૂ મિનિટ રૂલનો હેતુ તમારી આદતોને સારી બનાવવા કે પૂરી કરવા માટે નહીં પણ તમારા ગોલ્સને અચીવ કરવા માટેની શરૂઆત કરાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરાવવાનો છે.
કેવી રીતે કાર્ય કરે છે?
ઘણી વખત એવું થાય છે કે આપણે કામ કરવાનો વિચાર કરી લઈએ છીએ પણ એને ટાળવાની ટેવનું મૂળ કારણ આપણું મગજ મોટાં અને જટિલ કાર્યો સામેનાં મેન્ટલ બૅરિયર ઊભાં કરે છે. કામ શરૂ કરતાં પહેલાં જે સ્ટ્રેસ અને ભારેપણું અનુભવાય છે એને જ આ ટૂ મિનિટ રૂલ તોડી નાખે છે. જ્યારે આપણે નક્કી કરીએ છીએ કે માત્ર બે મિનિટ જ કામ કરવું છે ત્યારે એ કાર્ય નાનું તો બને જ છે અને સાથે સરળ પણ બની જાય છે. આનાથી મેન્ટલ બૅરિયર ઊભાં કરતાં પરિબળોને સ્થાન મળતું નથી. માત્ર બે મિનિટ તો છે એમ વિચારવાથી મગજને લાગે છે આમાં ખાસ મહેનત નથી, ચાલ કરી નાખીએ. એક વાર કામ શરૂ થઈ જાય એટલે મગજ વિચારવાની સ્થિતિમાંથી ક્રિયા કરવાની સ્થિતિમાં આવી જાય છે. સાઇકોલૉજિસ્ટો કહે છે કે કોઈ પણ કાર્યનો સૌથી મુશ્કેલ ભાગ એની શરૂઆત છે. એક વાર તમે બે મિનિટ સુધી ટકી રહો છો, પછી સ્વાભાવિક રીતે જ આગળ વધવાની ઇચ્છા થાય છે. એક નાની શરૂઆત મોમેન્ટમ બનાવે છે જે તમને કાર્ય ચાલુ રાખવા માટે પ્રેરિત કરે છે. આના ન્યુરોલૉજિકલ ફાયદા પણ છે. જ્યારે તમે નાના કાર્યને સફળતાપૂર્વક પૂરું કરો છો ત્યારે મગજમાં ડોપમીન નામનું રિવૉર્ડ-કેમિકલ રિલીઝ થાય છે. આનાથી સેન્સ ઑફ એકમ્પ્લિશમેન્ટ એટલે કે સિદ્ધિ મેળવ્યાની લાગણી થાય છે જે ભવિષ્યમાં આ કાર્યને ફરીથી કરવા પ્રોત્સાહિત કરે છે. સતત નાની ક્રિયાઓનું પુનરાવર્તન કરવાથી મગજમાં એ કાર્યનું સ્ટાર્ટ બટન ઑન થાય છે અને પછી ધીમે-ધીમે એ ક્રિયા ઑટોમૅટિક થઈ જાય છે.
અમલ કેવી રીતે કરવો?
તમારા ટાર્ગેટને ઓળખો અને પછી માત્ર બે મિનિટમાં કરી શકાય એવી નાની ક્રિયામાં બ્રેકડાઉન કરો. તમારો હેતુ બે મિનિટની ક્રિયાને પૂર્ણ કરવાનો હોવો જોઈએ, આખા લક્ષ્યને પૂર્ણ કરવાનો નહીં. તમને બે મિનિટ પછી કંઈક અચીવ કર્યાની લાગણી ફીલ થશે. આ આદત કાર્ય કરવા માટે આળસને અને કામ ટાળવાની આદતને દૂર કરીને શિસ્તનો વિકાસ કરશે અને તમારા ટાર્ગેટને અચીવ કરવામાં મદદ કરશે, કારણ કે કંઈ નહીં કરવા કરતાં કંઈક કરવું સારું છે.