મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરવા શું કરવું?

05 December, 2022 03:35 PM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

રાતે સૂતી વખતે પણ વ્યવસ્થિત પાણી પીને સૂઓ એટલે આખી રાતમાં મોઢું વધારે ડ્રાય થાય નહીં

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારા પિતા ૫૫ વર્ષના છે અને છેલ્લા કેટલાક વખતથી તેમના મોઢામાંથી ભયંકર દુર્ગંધ આવતી હોય છે. તેમની સાથે વાત કરવી પણ મુશ્કેલ થઈ પડે છે. મેં એકાદ વાર કહેવાની કોશિશ કરી, પરંતુ ખબર નહીં તેમણે એ સ્વીકાર્યું કે નહીં, કારણ કે એ પછી પણ વાસ તો ચાલુ જ છે. મેં તેમને કહ્યું કે તમે ચ્યુઇંગ ગમ ચાવો, પરંતુ એ પણ કામ આવી રહ્યો નથી. આ બાબતે શું કરવું જોઈએ?

મોઢામાંથી આવતી વાસ એટલે કે બૅડ બ્રેથથી બચવા પહેલાં તો એ જાણવું ખૂબ જરૂરી છે કે વ્યક્તિને પોતાને આવો પ્રૉબ્લેમ છે, કારણ કે મોટા ભાગના લોકોને પોતાને ખબર નથી પડતી કે મારા મોઢામાંથી વાસ આવે છે, જે માટે ઘરના લોકો મદદરૂપ થઈ શકે છે. સારું થયું કે તમે તમારા પિતાને એની જાણ કરી. મોઢામાંથી આવતી વાસ એ ભલે કૉમન પ્રૉબ્લેમ લાગે, પરંતુ એ ટાળવા લાયક પ્રૉબ્લેમ નથી, કારણ કે દાંતના, શ્વાસના, પેટના બીજા મોટા રોગોનું એક મહત્ત્વનું લક્ષણ છે. આથી પહેલાં વાસ પાછળના કારણને જાણી એને દૂર કરવું ખૂબ જરૂરી છે. જો વાસનું કારણ ઓરલ હાઇજીન હોય તો દરરોજ સવારે ઊઠીને અને રાતે સૂતા પહેલાં બ્રશ કરવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો વાસ દૂર કરવા માટે માઉથવૉશનો પ્રયોગ કરતા હોય છે, પરંતુ ફક્ત માઉથવૉશ મોંને 
સાફ કરે છે, દાંત વચ્ચે ફસાયેલા ખોરાકને નહીં, જે વાસ માટે જવાબદાર બને છે. 

માટે માઉથવૉશ કરતાં પણ વધુ જરૂરી બ્રશિંગ છે. જો વાસનું કારણ ડ્રાય માઉથ હોય તો દિવસ દરમ્યાન તમે બરાબર ૩ લિટર પાણી પીઓ છો કે નહીં એની કાળજી રાખવી જરૂરી છે. રાતે સૂતી વખતે પણ વ્યવસ્થિત પાણી પીને સૂઓ એટલે આખી રાતમાં મોઢું વધારે ડ્રાય થાય નહીં. આ ઉપરાંત જો લાળનો પ્રૉબ્લેમ હોય તો ડૉક્ટરની મદદ લો. આજકાલ એવી દવાઓ મળે છે જેને કારણે લાળનું ઉત્પાદન વધારી શકાય. જો તમને શ્વાસને લગતા પ્રૉબ્લેમ હોય તો પણ મોઢું સૂકું થઈ જાય છે અને એમાંથી વાસ આવે છે એટલે જો બીજાં કારણો લાગુ ન પડતાં હોય તો મોઢામાંથી આવતી વાસ તમારા શ્વાસની તકલીફ સૂચવે છે એ સમજીને ડૉક્ટરની મુલાકાત જરૂર લેવી જોઈએ. દર ૬ મહિને ડેન્ટલ ચેક-અપ કરાવવું ખૂબ જરૂરી છે. જો વાસનો પ્રૉબ્લેમ અવગણવામાં આવે તો ભવિષ્યમાં દાંતનો સડો, દાંતનું ઘસાય જવું કે દાંત ખવાઈ જવા કે પેઢાની તકલીફ થઈ શકે છે. માટે વહેલાસર એનું નિદાન કરી ઇલાજ કરવો જરૂરી છે.

columnists life and style health tips