19 February, 2026 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મોટી ઉંમરમાં મગજની ક્ષમતા ઘટે એ તો સામાન્ય છે પરંતુ આ ક્ષમતાનો ઘટાડો પુરુષ અને સ્ત્રી બન્નેમાં જુદો-જુદો જોવા મળે છે. મોટી ઉંમરની સ્ત્રી પુરુષોની સરખામણીમાં શારીરિક જ નહીં, માનસિક કે બૌદ્ધિક ક્ષમતા પણ વધુ ગુમાવતી હોય છે. સમાજમાં જતી જિંદગીએ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની બૌદ્ધિક ક્ષમતા વધુ ઘટવાના કિસ્સાઓ જાણીતા છે. એટલે સ્ત્રીઓને એ પૂછવાનું કે જો નાનપણમાં તેઓ વધુ ભણી ન શકી હોય, હાલમાં જીવન એક રૂટીનમાં બંધાઈને રહી ગયું હોય તો એવું માનીને બેસી જવાની જરૂર નથી કે કંઈ થઈ શકે એમ નથી. વૃદ્ધ થયા પછી જેમ શરીર સારું કામ કરે એટલે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ એમ મગજ તેજ રહે એ માટે પણ પ્રયત્નો કરી શકાય અને એ કારગર પણ નીવડે છે. આજે થોડું સમજીએ કે સ્ત્રીઓ વૃદ્ધ થયા પછી પણ મગજને કઈ રીતે સતેજ રાખી શકે છે. જોકે આ ટેક્નિક પુરુષોએ પણ અપનાવવા જેવી છે. ઘડપણમાં સ્ત્રીઓ અને પુરુષો બન્ને માટે લાભદાયી સાબિત થશે.
મગજને સારું રાખવા પહેલાં તો શરીરને સારું રાખવું જરૂરી છે. જો તમે બિલકુલ એક્સરસાઇઝ ન કરતા હો તો નહીં ચાલે. દિવસનો એક કલાક તમારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે કસરત કરવી અનિવાર્ય છે. બીજી અત્યંત મહત્ત્વની બાબત છે ઊંઘ. પૂરતા કલાકોની રાતની ગાઢ નિદ્રા મગજને સતેજ કરવા માટે જરૂરી છે. એ લેવી જ. એક કલાક મગજને કસવા માટે સુડોકુ, પઝલ્સ, ઇન્ડોર ગેમ્સ, કાર્ડ ગેમ્સ કે બજારમાં મળતી જુદી-જુદી માઇન્ડ ગેમ્સ રમો. એ પણ થોડા-થોડા સમયે બદલાવતાં રહો. સતત લોકોને મળતાં રહો. એકલવાયા ન થવું. એમાં પણ નવા-નવા લોકોને મળો. તેમની સાથે વાતો કરો એ મહત્ત્વનું છે. સતત નવું શીખતાં રહો. તમે ખૂબ સારી ગુજરાતી રસોઈ બનાવતાં હો તો એ ચોક્કસ બનાવો પણ નવી વાનગીઓ પર પણ હાથ અજમાવતાં રહો. જે તમને આવડે છે એ જ કર્યા કરવા કરતાં સતત શીખવું અને નવું કરવું એ ભાવના તમારી અંદર ડેવલપ કરો. નવી ભાષા શીખી શકો તો ખૂબ સારું પણ જો એવું ન થઈ શકે તો તમારી જ ભાષાનું જ્ઞાન વધારો. એ માટે નવાં પુસ્તકો વાંચો અને નવા શબ્દો શીખો. કોઈ એક કળા શીખી શકાય તો ખૂબ સારું. ચિત્ર, સંગીત, નૃત્ય, ભરતકામ, લેખન કંઈ પણ તમને જે ઇચ્છા થાય એ શીખો. કોઈ વાજિંત્ર પર પણ હાથ અજમાવી શકાય. વિઝ્યુઅલાઇઝેશન પણ અતિ મહત્ત્વની ટેક્નિક છે. કલ્પનાઓ મગજને વધુ સ્ટ્રૉન્ગ બનાવવામાં ઉપયોગી છે. તો ભલે ઘડપણ આવ્યું પરંતુ આ ઉંમરે કલ્પનાના ઘોડા દોડાવતાં શોખી જાઓ. મગજની સાથે જીવન પણ પ્રફુલ્લિત બનશે.