ડાયટમાંથી મીઠું કઈ રીતે ઓછું કરવું?

17 May, 2021 07:56 PM IST  |  Mumbai | Yogita Goradia

ડૉક્ટરે સલાહ આપી કે તમે ડાયટમાં મીઠું ઓછું કરો. એનાથી ફરક પડશે, પરંતુ ડાયટમાં મીઠું ઓછું કરવા શું કરવું? મીઠું સાવ જ બંધ કરી દઈએ? ૨-૩ દિવસ મેં મીઠું સાવ છોડીને જોયું પણ મને એવું ભાવતું નથી.

GMD Logo

હું ૪૫ વર્ષનો છું. મને હમણાં થોડા સમય પહેલાંથી હાઈ બ્લડપ્રેશર આવી રહ્યું છે. મારા ઘરમાં પપ્પા-દાદા બધાને બ્લડપ્રેશર હતું. મમ્મીને પણ છે એટલે મને પણ આવશે એવું મને લાગતું હતું, પરંતુ આટલું જલદી આવશે એવું લાગતું નહોતું. ડૉક્ટરે સલાહ આપી કે તમે ડાયટમાં મીઠું ઓછું કરો. એનાથી ફરક પડશે, પરંતુ ડાયટમાં મીઠું ઓછું કરવા શું કરવું? મીઠું સાવ જ બંધ કરી દઈએ? ૨-૩ દિવસ મેં મીઠું સાવ છોડીને જોયું પણ મને એવું ભાવતું નથી. માર્ગદર્શન આપશો.    
 
યાદ રાખો, ડૉક્ટરે તમને મીઠું ઓછું કરવાનું કીધું છે, સાવ છોડી દેવાનું નહીં. મીઠું ખોરાકમાં અત્યંત જરૂરી છે, પરંતુ એનું પ્રમાણમાપમાં. સાવ મીઠું છોડી દેશો તો વધુ માંદા પડશો. માટે આવી ભૂલ ન કરવી. ડાયટમાંથી મીઠું ઓછું કરવા માટે પહેલાં ઘણાખરા ખોરાકમાં છુપાયેલા મીઠા વિશે જાણવું જરૂરી છે. પ્રોસેસ્ડ ફૂડ, પૅકેટ ફૂડ, જન્ક ફૂડમાં અઢળક મીઠું છુપાયેલું હોય છે. કોઈ પણ ખોરાક જે બગડે નહીં એ માટે વાપરવામાં આવતા પ્રિઝર્વેટિવ્સમાં મીઠું મુખ્ય સામગ્રી તરીકે વપરાય છે. આ સિવાય કોલા કે સોડા બેઝ્ડ વસ્તુઓમાં પણ ઘણું મીઠું હોય છે. જો મીઠું ઓછું કરવા ઇચ્છાતા હો તો ખાવાનો સોડા, ફ્રૂટ સૉલ્ટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડાનો પણ ઉપયોગ ન કરવો. બધી જ બેકરી-પ્રોડક્ટ બ્રેડ કે બિસ્કિટથી લઈને કેક અને ડોનટ સુધી દરેકમાં સોડિયમ કન્ટેન્ટ વધારે જ હોવાનું. માટે એ ન ખાવી. બહારના ખોરાકમાં પણ વાપરતા સૉસ અને ગ્રેવીમાં ભરપૂર સૉલ્ટ હોય છે, માટે ઘરમાં રાંધેલો ખોરાક જ ખાવો. 
આ તો વાત થઈ કે કયા ખોરાક તમારે ટાળવા, પણ જો તમે ઘરનું રાંધેલું જ ખાતા હો તો અમુક બાબતો પર પણ ખાસ ધ્યાન રાખવું. જેમ કે જો તમને ઉપરથી મીઠું ખાવાની આદત હોય તો ન ખાવું. એટલે કે જો તમે ફ્રૂટ પર ચાટ મસાલો છાંટીને ખાતા હો, જો તમે છાસમાં મસાલો નાખીને ખાતા હો, સૅલડ તમને વગર મીઠાનું ન ભાવતું હોય તો તમારી આ આદતમાં સુધરો જરૂરી છે. રોટલી અને ભાતમાં પણ મીઠું નાખવાની જરૂર નથી હોતી. શાક બનાવો ત્યારે વઘાર કરીને તરત જ મીઠું ન નાખવું. શાક ૮૦ ટકા ચડી જાય પછી મીઠું નાખવું. આ રીતથી મીઠાનો વપરાશ ચોક્કસ ઘટશે. આટલું ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે. 

health tips life and style columnists yogita goradia