23 February, 2026 03:02 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
સ્તનપાન દરેક નવજાત બાળકનો હક છે. સ્તનપાન દરેક માએ પોતાના બાળકને કરાવવું જ જોઈએ. પણ જ્યારે એ છોડાવવાનું હોય છે ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. બાળકને માનું દૂધ છોડાવવું કઈ રીતે એ પ્રશ્ન ઘણો પેચીદો બની જતો હોય છે. એને અનુલક્ષીને અઢળક પ્રશ્નો મમ્મીઓને થતા હોય છે. દૂધ ક્યારે છોડાવવું, કઈ રીતે છોડાવવું, એ છોડાવતી વખતે શું ધ્યાન રાખવું એ સમજવું જરૂરી છે. સ્તનપાન ફક્ત બાળકને મળતું પોષણ નથી, એ મા અને બાળક વચ્ચેનું બૉન્ડિંગ પણ છે. એટલે જરૂરી છે સમજવું કે એમાં કોઈ ભૂલો ન થાય. આજે સમજીએ સ્તનપાન છોડવાની એટલે કે જેને અંગ્રેજીમાં વીનિંગ કહે છે એની સાચી પદ્ધતિ.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ મુજબ બાળકને ૬ મહિના સુધી ફક્ત સ્તનપાન કરાવવું જોઈએ અને જ્યારે તેને ઉપરથી ખોરાક આપવાનું શરૂ થાય એ પછી ધીમે-ધીમે ૨ વર્ષ કે એનાથી પણ વધુ વર્ષ પછી સ્તનપાન છોડાવી શકાય. ૬ મહિના પછી ધીમે-ધીમે ઉપરનો ખોરાક એટલે કે સૉલિડ ફૂડ ચાલુ થાય. ૬-૮ મહિનાનું બાળક દિવસના ૨-૩ વાર માના દૂધ સિવાયનો ઉપરનો ખોરાક જેમ કે દાળ-ભાતનું ઓસામણ, ફ્રૂટ, કાંજી વગેરે ખાય અને એ સિવાયના સમયે જરૂર પડ્યે સ્તનપાન કરે છે. ૯-૨૩ મહિનાનાં બાળકો ૩-૪ વાર ઉપરનો સૉલિડ ખોરાક જેમ કે ભાત, દાળ, સૂપ, શાક, ફળો બધું જ ખાય છે અને ૧-૨ વાર સ્નૅકિંગ પણ કરે છે અને બાકીનો સમય તેમને જરૂર લાગે ત્યારે સ્તનપાન કરે છે. ગાઇડલાઇન્સ મુજબ બાળકનું સ્તનપાન ૨ વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલુ રાખવું જોઈએ. એ બાળકની હેલ્થ અને ગ્રોથ બન્ને માટે જરૂરી છે. જ્યારે સ્તનપાન છોડાવો ત્યારે એકઝાટકે બંધ ન કરી શકાય એટલે ધીમે-ધીમે એ ઓછું કરવું. જેમ કે દિવસમાં ૬ વાર સ્તનપાન કરાવતાં હો તો એક-એક સમયનું દૂધ બંધ કરતા જવું એટલું જ નહીં, સમય પણ થોડો ઘટાડી શકાય જેમ કે ૨૦ મિનિટ જો બાળક એકધારું દૂધ પીતું હોય તો તેને ૧૦-૧૫ મિનિટ જેટલો સમય ઓછો કરી શકાય. આ પણ દિવસ પ્રમાણે બદલાઈ શકે. ક્યારેક બાળક છોડતું જ ન હોય તો પરાણે ૧૦ જ મિનિટ પીવડાવવાનું જોર નથી કરવાનું.
મોટા ભાગે થાય છે એવું કે મમ્મીઓ જલદી ત્રાસી જતી હોય છે. ૬ મહિના તો દૂધ પીવડાવવાનું જ છે એમ માનીને તે ધ્યાન આપે છે પણ એ પછી માંડ ૧ વર્ષ તે ખેંચી શકતી હોય છે. પછી ઘરના અને સંબંધીઓ જ તેને કહેવા લાગે છે કે હવે દૂધ છોડાવ નહીંતર બાળક તને છોડશે નહીં. એ વિશે વાત કરતાં લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટ ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘સ્તનપાન છોડાવવું એ ફક્ત માનો નિર્ણય ન હોઈ શકે. એમાં બાળકની પરિસ્થિતિ પણ જોવી જરૂરી છે. દરેક બાળક અલગ હોય છે અને તેની જરૂરિયાતો પણ અલગ હોય છે. સ્તનપાન ફક્ત એક ઍક્ટિવિટી નથી. મા અને બાળક વચ્ચેનું સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ છે. થાય છે એવું કે સ્તનપાન થાકી બાળકની ઑટોનૉમિક નર્વસ સિસ્ટમ શાંત થાય છે. સ્તનપાન બાળક માટે સિક્યૉરિટી છે. એ સ્તનપાન કરતી વખતે સુરક્ષિત ફીલ કરે છે. તેનાં ઇમોશન્સ રેગ્યુલેટ થાય છે અને તેનું સ્ટ્રેસ દૂર થાય છે. આ પરિસ્થિતિમાં બાળકને પરાણે સ્તનપાન છોડાવશો તો તમે તેનું પોષણ નથી છીનવતાં પણ તેને માનસિક રીતે પણ અશાંત કરી રહ્યાં છો.’
બાળકને તો સ્તનપાન ગમતું જ હોય છે. તે તો સ્તનપાન સામેથી છોડે જ નહીં. તો પછી કઈ રીતે ખબર પડે કે બાળક સ્તનપાન છોડવા માટે રેડી છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘દરેક ઉંમરે અને દરેક સમયે જુદો-જુદો ગ્રોથ માણસમાં દેખાય જ છે. જેમ કે એક સમય પછી બાળકને માતા-પિતા કરતાં મિત્રોમાં વધારે રસ પડે છે એ ઉંમરનો બદલાવ છે. બાળક સમયે-સમયે આત્મનિર્ભર બનતું જતું હોય છે. દરેક ઉંમરની આત્મનિર્ભરતા પછી જુદી-જુદી હોય છે. જેમ કે એક બાળકને આદત હોય છે સ્તનપાન કરીને જ સૂવાની. એ બાળક મોટું થતાં-થતાં જાતે સ્તનપાન વગર સૂઈ જાય. તે મમ્મીને જે ચોંટીને રહેતું હોય એના બદલે બધા સાથે રમતું થઈ જાય અને એવું પણ બને કે તેને મમ્મીની યાદ પણ ન આવે. આવા બદલાવ સૂચવે છે કે બાળક હવે અસુરક્ષિત ફીલ કરતું નથી. તેને સ્તનપાનની જરૂર નથી. એવું નથી કે આ રાતોરાત થઈ જશે કે સમજાઈ જશે. સમય લાગશે. સ્તનપાન ધીમે-ધીમે છોડવાનું હોય છે. પ્રેમથી છોડાવવાનું હોય છે. એ એટલી સહજ પ્રક્રિયા હોવી જોઈએ કે બાળક કે મા બન્નેને ખાસ તકલીફ જેવું લાગે નહીં.’
ઘણા લોકો જ્યારે સ્તનપાન છોડાવે ત્યારે બાળક ખૂબ રડતું હોય છે. બાળકને રાત-રાતભર રડાવે, સ્તન પર કડવો જૂસ લગાડે કે પછી માથી ૧૦-૧૫ દિવસ સાવ દૂર જ કરી દે. આવી રીતે જબરદસ્તી બાળકનું સ્તનપાન ક્યારેય ન છોડાવવું એ સૂચવતાં ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘બાળકનું સ્તનપાન તેને અતિ ગમતી વસ્તુ છે. એ છોડાવતી વખતે તેને ટ્રૉમા નથી આપવાનો. સમજી શકાય કે એ અઘરું છે પણ એટલે આ રીતે જડ થવું યોગ્ય નથી. અમુક બાળકો એક વર્ષે પણ સરળતાથી મૂકી દે છે અને અમુક બાળકો ૩ વર્ષે પણ નથી મૂકતાં કારણ કે દરેક બાળકની પોતાની જરૂરિયાત છે. ઘણી સ્ત્રીઓ તો મને કહેતી હોય છે કે તેમને તો દૂધ પણ નથી આવતું તો તેમનું બાળક શું કરવા સ્તન પર ચોંટી રહે છે? આ રીતે તે તેની નર્વસ સિસ્ટમને શાંત કરે છે. તેના માટે એ જરૂરી છે. મૂળભૂત રીતે બાળકને દૂધની જરૂર છે એટલે તે સ્તનપાન કર્યા કરે છે એટલું જ નથી, તેને ચૂસવું ગમે છે. એને અંગ્રેજીમાં સકિંગ કહેવાય. એ કરવાથી તેઓ શાંત રહી શકે છે. એટલે જ ઘણાં બાળકોને સ્તનપાન છોડાવ્યા પછી પણ ચૂસણી આપવામાં આવે છે એ ચૂસ્યા કરતાં હોય છે. જેમને ચૂસણી નથી મળતી તે અંગૂઠો ચૂસે છે કે કંઈ ન મળે તો ચાદરનો છેડો ચૂસે છે. જો બાળક આવું કરતું હોય તો એનો અર્થ એમ પણ કરી શકાય કે તમે તેનું સ્તનપાન વહેલું છોડાવી દીધું. તેને હજી પણ એની જરૂર હતી.’
બાળકનું દૂધ છૂટે ત્યારે મમ્મીઓએ ધ્યાન રાખવાનું છે કે તેને ખોરાક મારફત પોષણ સારું મળી રહે. બાળકનું હાઇડ્રેશન પણ જળવાઈ રહે. પણ એટલું પૂરતું નથી, સ્તનપાન વખતે બાળકને તેની મા વગર કોઈ ડિસ્ટર્બન્સના પૂરેપૂરી મળતી હોય છે. એ મમ્મી અને બેબી ટાઇમ હોય છે. જો તમે સ્તનપાન બંધ કરો તો પણ આ ટાઇમની પૂર્તિ તમારે ચોક્કસ કરવી જોઈએ. બાળકને તેની મમ્મીનું અટેન્શન પૂરી રીતે મળે એ માટે મમ્મી અને બેબીનો એકલો સમય કાઢવો ખૂબ જ જરૂરી છે.
ઘણી મમ્મીઓ ચિંતા કરતી હોય છે કે તે ગાયનું કે ભેંસનું દૂધ તો પીતું જ નથી તો હું કેવી રીતે બાળકને સ્તનપાન છોડાવું? એનો જવાબ આપતાં ડૉ. ઝીનલ કહે છે, ‘દૂધનું રિપ્લેસમેન્ટ દૂધ હોય એવું બિલકુલ જરૂરી નથી. ઊલટું થાય છે એવું કે બાળકને ગાય કે ભેંસનું દૂધ પચતું નથી અને તેને કબજિયાત થઈ શકે છે અથવા તેને ઍલર્જી પણ થઈ શકે છે. તમારે તેને દૂધ પીવડાવવું જ છે તો થોડું મોટું થાય પછી પીવડાવી શકાય. બાકી દૂધ નહીં આપો તો પણ એની જરાય જરૂર નથી. ખોરાક વ્યવસ્થિત ખવડાવવાની જરૂર છે.’