19 November, 2025 07:20 AM IST | Mumbai | Dr. Sushil Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
જેમને હાઇપરટેન્શન છે તેઓ એની દરરોજ એક ગોળી લઈ લે છે એટલે તેમને લાગે છે કે બધું કામ પતી ગયું. ઘણા તો એવા પણ છે કે અમુક સમય સુધી હાઇપરટેન્શનની ગોળી લે અને પછી મૂકી દે. જો તમને હાઇપરટેન્શનનું નિદાન થાય તો એક વસ્તુ ગાંઠ બાંધી લેવાની છે કે દવા જીવો ત્યાં સુધી લેવાની રહેશે. વચ્ચે ક્યારેય મૂકી શકાશે નહીં. દવાનો પાવર ઉપર-નીચે કરી શકાય, ગોળીઓ ફેરવી શકાય પરંતુ ગોળી બંધ નહીં થાય. છતાં આ લાંબા ગાળાનો રોગ છે જે શરીરની નસો પર અસર કરે જ છે. આ અસર આમ તો શરીરનાં બધાં જ અંગમાં થઈ શકે છે.
મગજની વાત કરીએ તો જ્યારે મગજની લોહીની નસો પર પ્રેશર વધે ત્યારે ડિમેન્શિયા કે મેમરી લૉસ જેવી તકલીફો થવાની શક્યતા વધે છે. આ સિવાય આ રોગ સ્ટ્રોક માટે જવાબદાર બને છે એટલું જ નહીં, બ્લડપ્રેશરને કારણે હૅમરેજ થવાનું રિસ્ક ઘણું વધુ રહે છે કારણ કે પ્રેશરને લીધે નસ ફાટી જાય એવું પણ થઈ શકે.
હાર્ટની વાત કરીએ તો હાઇપરટેન્શનને કારણે લોહી લઈ જતી નસો ડૅમેજ થતી હોય છે અને એ જે ડૅમેજ છે એને પૂરવાનું કામ કૉલેસ્ટરોલ કરે છે. કૉલેસ્ટરોલ આ તૂટેલી લોહીની નસોને સાંધે છે પરંતુ જ્યારે બ્લડપ્રેશર વધુ હોવાની સાથે શરીરમાં કૉલેસ્ટરોલ પણ વધુ હોય જે હોવાની શક્યતા ઘણી વધુ છે ત્યારે એ નસોને રિપેર કરતી વખતે એ જગ્યાએ વધુ કૉલેસ્ટરોલ જમા થઈ જાય છે અને નળી બ્લૉક થઈ જાય છે. આ બ્લૉકેજ હાર્ટ-અટૅકનું કારણ બનતાં હોય છે.
આંખ પર પણ આ રોગ અસર કરે છે. હાઇપરટેન્શનની અસર શરીરની નાની નસો પર પણ ખૂબ થઈ શકે છે. આ દરદીઓને આંખમાં રહેલી નસોમાંથી લોહી વહે કે આંખનો પડદો એટલે કે રેટિના ડૅમેજ પણ થઈ શકે છે. એક વખત જો રેટિના ડૅમેજ થયો તો એને ઠીક કરવો શક્ય જ નથી. વ્યક્તિનું એટલું વિઝન જતું રહે છે અને એ ગયેલું વિઝન પાછું આવી શકતું નથી.
કિડનીની નસો પર જ્યારે પ્રેશર વધે છે ત્યારે કિડનીમાં થતું કામ અટકે છે. જે કચરાનો કે ટૉક્સિનનો નિકાલ થવો જોઈતો હતો એ થતો નથી જેને કારણ કે કચરો અંદર જ ભરાયેલો રહે છે અને લાંબા ગાળે કિડની ફેલ્યર થઈ શકે છે. આ સિવાય ફેફસાં, સ્કિન અને આંતરડા પર પણ આ રોગ અસર કરી શકે છે. એટલે જરૂરી છે કે તમે દવા રેગ્યુલર લો અને રેગ્યુલર ચેકઅપ પણ કરાવો.