19 September, 2025 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જ્યારે પણ સ્વાસ્થ્યની વાત આવે ત્યારે લોકો ખોરાકની વાત વધુ કરે છે. એના પછી એક્સરસાઇઝની વાત કરે છે, પરંતુ આ બન્ને કરતાં પણ જે બાબતે ઘણા જ સતર્ક રહેવાની જરૂર છે એ છે ઊંઘ. ઊંઘ માટે આજકાલ આપણે ઘણા બેદરકાર બની ગયા છીએ. ઊંઘ સંબંધિત તકલીફોમાં યોગ અતિ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે.
અપૂરતી ઊંઘ, પાંખી ઊંઘ, વિચિત્ર સપનાંઓ આ બધા પાછળ એક વિચલિત મન છે. તમારી મન:સ્થિતિ ઉપર-નીચે થઈ રહી હોય, સતત વિચારો આવ્યા કરે તો તમને સારી ઊંઘ કેવી રીતે આવે? યોગ એ વિચારહીન અવસ્થા લાવીને વ્યક્તિને રિલૅક્સ કરી સુવડાવી શકે છે. જેમને ઊંઘની તકલીફ હોય તેમને ત્રણ પ્રકારના પ્રાણાયામ ઘણી મદદ આપી શકે છે જેમાં અનુલોમ-વિલોમ, શીતલી અને ભ્રામરી પ્રાણાયામનો સમાવેશ થાય છે. આ પ્રાણાયામને કોઈ નિષ્ણાત પાસેથી શીખવા મહત્ત્વના છે, કારણ કે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. વળી ઊંઘ માટે આ પ્રાણાયામ ઉપયોગી છે એનો અર્થ એ નથી કે રાત્રે કરવા. દિવસના સમયમાં જ આ પ્રાણાયામ પ્રૅક્ટિસ કરવા. જેમને પણ ઊંઘની કોઈ પણ નાની-મોટી તકલીફ છે તેમણે દરરોજ ૩ વાર ઓમકારનું રટણ કરવું. રાત્રે એનું રટણ કરીને સૂશો તો ચોક્કસ સારી ઊંઘ આવશે કારણ કે એ નાદ જે ગુંજશે એ શાંતિ આપનારો નાદ છે.
શ્રી યોગેન્દ્રજીનો નિષ્પન્નભાવનો પ્રયોગ અત્યંત ઉપયોગી છે. આ પ્રયોગમાં જ્યારે રાત્રે અચાનક ઊઠી જાઓ અને પછી ઊંઘ ન આવે તો દીવાલને ટેકીને બેસો. પાછળ તકિયો રાખવો હોય તો પણ વાંધો નથી. આરામથી બેસો. પગ બન્ને સીધા જ રાખો અને રિલૅક્સ રાખો. હાથ પણ સાથળ પાસે ટેકવી શકાય પરંતુ હથેળી ખુલ્લી આકાશ તરફ રાખો. આંખ બંધ કરો અને ફક્ત કાન અને શ્રવણશક્તિને જાગૃત કરો. આજુબાજુ જે અવાજ આવે છે એને ધ્યાનથી સાંભળવાની કોશિશ કરો. જેમ કે ફક્ત પંખાનો અવાજ કે પવનનો અવાજ. એને જ સાંભળવામાં ધ્યાન પરોવો. ધીમે-ધીમે તમને તમારા ધબકારાનો અવાજ પણ સંભળાશે. આમાં થાય છે એવું કે મનમાં જે વિચારો ચાલે છે એ બંધ થાય છે અને વ્યક્તિ રિલૅક્સ થઈ સૂઈ શકે છે. જ્યારે મન એક વખત વિચારે ચડે તો સૂવું મુશ્કેલ છે પરંતુ આ પ્રયોગ દ્વારા ફરીથી રિલૅક્સ થઈને સૂવું શક્ય બને છે. જેમને રાત્રે ઊંઘ ન આવતી હોય એ વ્યક્તિ પણ આ પ્રયોગ કરી શકે છે.
યાદ રાખો, એક કલાકનાં આસનો યોગ નથી, એ એક જીવનશૈલી છે. એને એ રીતે જ અપનાવો તો જીવનની નાની-મોટી દરેક સમસ્યાનો હલ એમાંથી મળશે.
- યોગ ગુરુ હંસા યોગેન્દ્ર
(શ્રી હંસા યોગેન્દ્ર અનુભવી યોગ ગુરુ છે.)