11 November, 2024 08:35 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
સેક્સોલૉજિસ્ટ હોવાને કારણે એવા ભાત-ભાતના કિસ્સાઓ આંખ સામે આવતા હોય છે જે સાંભળીને ઘણી વાર તો પ્રોફેશનલી પણ મને થાય કે માણસમાં આવી વિચિત્રતા ક્યાંથી આવતી હશે. જોકે એનો જવાબ સાઇકોલૉજી પાસે છે. આજની જનરેશનને નવું કરવાની એવી લાય લાગી છે કે એ કરવા જતાં જોખમ લેતાં પણ ખચકાતી નથી અને નવું કરવા જતાં ભૂલથી ખોટા રસ્તાની આદત પણ તેને પડી જાય છે. હમણાં આવો જ કિસ્સો આવ્યો, જેની વાત મારે આજે તમારી સાથે કરવી છે.
ત્રીસ વર્ષના એક મહાશય મને મળવા આવ્યા. આવીને તેણે સ્પષ્ટતા સાથે કહી દીધું કે હું બાયસેક્સ્યુઅલ છું. બાયસેક્સ્યુઅલ હોવાને કારણે તે ભાઈને વાઇફથી પૂરતો સંતોષ નહોતો મળતો. પરિણામ એ આવ્યું કે ભાઈ પોતાના જૂના બાયસેક્સ્યુઅલ ફ્રેન્ડ્સ તરફ પાછા વળ્યા. બાયસેક્સ્યુઅલ હોવાની તેમને ખબર ક્યારે પડી એવા સવાલના જવાબમાં તેમણે ચોખવટ કરી કે કૉલેજ સમયે હૉસ્ટેલમાં હતા એ સમયે ટાઇમપાસ માટે ફ્રેન્ડ્સે રમત શરૂ કરી અને પછી આદત પડી ગઈ. આદત પડવી અને બાયસેક્સ્યુઅલ હોવું એ બન્ને વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે.
ઇન્ક્વાયરી દરમ્યાન ખબર પડી કે કંઈક નવું કરવાની આદત કે જિજ્ઞાસાને કારણે ભાઈને એ આદત પડી ગઈ છે અને હવે તે રિયલમાં હોમોસેક્સ્યુઅલ હોય એવા બે ફ્રેન્ડની સાથે રિલેશન બનાવે છે. જ્યારે પણ વ્યક્તિ મલ્ટિપલ પાર્ટનર્સ સાથે સંબંધોમાં જોડાય છે ત્યારે જાતીય રોગોની શક્યતાઓ વધી જાય છે. શંકાસ્પદ કે એક કરતાં વધુ પાર્ટનર્સ ધરાવતી વ્યક્તિ સાથેના જાતીય સંબંધોમાં હંમેશાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનો ભય માથે તોળાતો રહેવાનો જ. એજ્યુકેટેડ લોકોને આ વાત ન સમજાતી હોય તો પછી નાના ગામડાના અબુધની તો શું વાત કરવી? તે ભાઈનું કહેવું હતું કે અમુક પ્રકારના એક્સપરિમેન્ટ્સ માટે વાઇફ તૈયાર નહોતી એટલે પોતે ફરી જૂના ગ્રુપ તરફ વળ્યા.
સેક્સ માટે ગુજરાતીમાં બહુ સરસ શબ્દ છે - સંભોગ. આ શબ્દની સંધિ છૂટી પાડો તો એ બને છે સમ+ભોગ. સમાન રીતે ભોગ આરોગવાની જે પ્રક્રિયા છે એનું નામ સંભોગ. પાર્ટનર કોઈ પ્રક્રિયાથી કમ્ફર્ટેબલ નથી તો એ પ્રક્રિયા છોડવાની હોય, એ પ્રક્રિયા માટે પાર્ટનરને ચિટ કરીને બીજા પાસે ન જવાનું હોય. યાદ રહે કે એવું કરવું એ એક પ્રકારની માનસિક બીમારીથી સહેજ પણ ઓછું નથી.