શીર્ષાસન નથી થતું? આ રહ્યા એના પર્યાયો

01 December, 2021 06:00 PM IST  |  Mumbai | Ruchita Shah

આસનોના રાજા ગણાતા શીર્ષાસનના અનેક લાભ છે પરંતુ એ કરવાનું દરેકના બસની વાત નથી. જોકે કેટલાંક એવાં સપોર્ટિવ આસનો છે જે કરવાથી શીર્ષાસન જેવા જ લાભ મળે છે અને એ આસનો કરવામાં સરળ પણ છે

માથાને સપોર્ટ આપીને થતું ઉત્તાનાસન

યોગ એટલે આસનો એવી છાપ આજે પણ ઘણાના મગજમાં છે. સોશ્યલ મીડિયા પર ઍડ્વાન્સ અને કરવામાં અઘરાં દેખાય એવાં આસનોના ફોટોઝનો ટ્રેન્ડ છે. આવાં જ ઘણાંબધાં ઍડ્વાન્સ આસનોમાંનું એક અને ખૂબ જ પ્રભાવશાળી આસન છે શીર્ષાસન જેના વિશે ભૂતકાળમાં અહીં આપણે વિગતવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. આ શીર્ષાસનના ફાયદા પણ એવા જ જબરદસ્ત છે. તમારું મસ્તિષ્ક જમીન પર અને પગ આકાશ તરફ હોય એવી ઉપરથી નીચે ઊંધા થવાની આ પ્રક્રિયા તમારા મગજની હેલ્થ માટે, પેટની તંદુરસ્તી માટે, તમારી ઓવરઑલ હેલ્થ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ મનાય છે. એટલે જ એને આસનોનો રાજા મનાય છે. જોકે એને કરવાનું એટલું જ અઘરું છે. 
વર્ષોથી યોગનો અભ્યાસ કરનારાઓ પણ સાચી રીતે શીર્ષાસન નથી કરી શકતા. ઘણી વાર ઉંમર અને બીમારીઓને કારણે શીર્ષાસન વર્જ્ય પણ થઈ ગયું હોય. આવા સમયે કેવી રીતે શીર્ષાસન કર્યા વિના વધુમાં વધુ એના લાભ લઈ શકાય અને કયાં આસનો છે જે દરેક જણ માટે છે પણ એની ઇફેક્ટ ઘણા અંશે શીર્ષાસન જેવી જ છે એ વિષય પર વાત કરીએ આજે છેલ્લાં વીસ વર્ષથી પર્સનલ ટ્રેઇનર તરીકે સક્રિય, આયંગર યોગ પદ્ધતિના નિષ્ણાત અને મેડિકલ યોગ થેરપિસ્ટ તરીકે પણ કામ કરતા સલીમ પટેલ સાથે.

પર્યાય નથી પણ ઉપયોગી
શીર્ષાસન એટલે ઇન્વર્ઝન આસન. એનું ફિઝિયોલૉજીની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે એમ જણાવીને સલીમભાઈ કહે છે, ‘જ્યારે તમે માથું જમીન તરફ અને પગ આકાશ તરફ રહે એ પ્રકારનાં આસનો કરો છો ત્યારે ગુરુત્વાકર્ષણ બળને કારણે રક્તપ્રવાહ તમારા મસ્તિષ્ક તરફ વધે છે. હેડસ્ટૅન્ડ એટલે કે શીર્ષાસન, હૅન્ડસ્ટૅન્ડ એટલે કે અધોમુખ વૃક્ષાસન, શોલ્ડર સ્ટૅન્ડ એટલે કે સર્વાંગાસન જેવાં ઘણાં આસનો છે. જોકે અહીં એક વાત સમજવી મહત્ત્વની છે કે આ માત્ર ઇન્વર્ઝન આસનો છે એટલે માથું નીચે અને પગ ઉપર આટલું કરીએ એટલે બધું પતી ગયું એવું નથી હોતું. અહીં બીજી પણ ટેક્નિકલ બાબતો આસનો દરમ્યાન કરવાની હોય છે જેના પર ધ્યાન આપવાનું હોય છે. જ્યારે તમે શીર્ષાસન કરતા હો ત્યારે હાથની પોઝિશન, પગની પોઝિશન, પેટનું ખેંચાણ, શ્વસન વગેરે અઢળક બાબતો મહત્ત્વની છે અને એ બધાનું સંયોજન થાય ત્યારે તમે શીર્ષાસન કર્યું કહેવાય એટલે અન્ય આસનોથી શીર્ષાસનના તમામ બેનિફિટ્સ મળી જશે એ કહેવું યોગ્ય નહીં ગણાય. હા, એમ જરૂર કહી શકાય કે શીર્ષાસનના ઘણા બેનિફિટ્સ આપે અથવા તો ઇન્વર્ઝન પોઝને લગતા ફાયદા સરળ કહી શકાય એવાં અન્ય આસનોથી પણ મેળવી જ શકાય છે એ વાત સાવ સાચી છે. બીજી મહત્ત્વની વાત એ કે આ આસનો ધીમે-ધીમે તમારી ફિઝિકલ અને સાઇકોલૉજિકલ સ્ટ્રેંગ્થ એ સ્તર પર વધારી દેશે કે તમે શીર્ષાસન કરવા માટે પણ સજ્જ થતા જશો. ડૉ. બી. કે. એસ. આયંગર, અમારા ગુરુજીએ પ્રૉપ્સના ઉપયોગથી આસનોને કેવી રીતે સરળ કરી શકાય અને પ્રૉપર બૉડી અલાઇનમેન્ટને મેઇન્ટેન કરી શકાય એની સરસ ટ્રેઇનિંગ આપી છે. આવાં પ્રૉપ્સથી શીર્ષાસન અકલ્પનીય સરળતાથી કરી શકાય એમ છે.’

કયાં પાંચ આસનોથી શું ફાયદો થશે?

વિપરીત કરણી
 શીર્ષાસનના લગભગ તમામ લાભ આ આસનથી થાય છે. બૉડી અને માઇન્ડને શાંત કરે છે, સ્ટ્રેસ રિલીઝ કરે છે. માથાનો દુખાવો અને વેરિકોઝ વેઇનમાં લાભ આપે છે.

માથાને સપોર્ટ આપીને થતું ઉત્તાનાસન
 શીર્ષાસનના ઘણા લાભ આ આસનથી મળે છે. તમારા પગના પાછળના મસલ્સ જેમ કે કાફ મસલ્સ, હેમસ્ટ્રિંગ અને બૅક મસલ્સને સ્ટ્રેચ મળશે. માઇન્ડને રિલૅક્સ કરે છે આ આસન.
 પીઠનો અને ગરદનનો દુખાવો હોય તેમને રાહત મળશે.

પ્રસારિત પાદોત્તાનાસન
 પગ અને નિતંબના સ્નાયુઓને સ્ટ્રેચ કરે છે. કરોડરજ્જુમાં ખેંચાણ આવવાથી એનું લચીલાપણું વધે છે. પગની ગ્રિપ વધારે છે અને વ્યક્તિમાં બૅલૅન્સિંગ આવે છે. સંતુલન જવાને કારણે પડી જતા હોય એ લોકો માટે આ આસન ખૂબ ઉપયોગી છે.

ચૅર શીર્ષાસન
શીર્ષાસન ખોટી રીતે કરવાથી ગરદનના મણકાને થઈ શકનારા નુકસાનને ચૅર શીર્ષાસનમાં સંપૂર્ણપણે નિવારી શકાય છે. બ્લડ-સર્ક્યુલેશન સુધારે છે અને બૉડી-અવેરનેસ વધારે છે. પેટના નીચલા ભાગને લગતી સમસ્યાઓમાં રાહત આપે છે. પગમાં સોજા હોય કે દુખાવો હોય એમાં રાહત મળે છે. આત્મવિશ્વાસ વધારે છે અને થકાવટ દૂર કરીને એનર્જાઇઝ કરે છે.

અધોમુખ શ્વાનાસન

 શીર્ષાસનના લાભની સાથે તમારા પેટના સ્નાયુઓની ક્ષમતા આ આસન વધારે છે.  બૉડી પૉશ્ચર સુધારે અને ખભાના સ્નાયુઓની ક્ષમતા પણ વધારે છે આ આસન. પગના પાછળના સ્નાયુઓને મજબૂતી પ્રદાન કરે છે.  માથા તરફ બ્લડ-સપ્લાય વધારે છે. પીઠના સ્નાયુઓને ખેંચાણ આપે છે.
yoga health tips columnists ruchita shah