જ્યારે ઍસિડિટીની તકલીફ વર્ષો સુધી પજવે ત્યારે સહન ન કરતા રહો

24 April, 2024 07:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍસિડિટીની તકલીફમાં વ્યક્તિ શરૂઆતમાં કશું નથી કરતી. ધીમે-ધીમે ઍન્ટસિડ પર નિર્ભરતા શરૂ થાય છે.

પ્રતીકાત્મક તસવીર

ઍસિડિટી આજના સમયની એવી તકલીફ છે કે લગભગ દરેક વ્યક્તિ એનાથી પરેશાન છે જ. પરંતુ આ સામાન્ય જણાતો પ્રૉબ્લેમ કેટલી મોટી બીમારીઓનું લક્ષણ હોઈ શકે છે એ સમજવું જરૂરી છે. થોડા સમય પહેલાં મારી પાસે એક કેસ આવેલો. એ ભાઈને ૬ વર્ષથી ઍસિડિટીની તકલીફ હતી. ઍસિડિટીની તકલીફમાં વ્યક્તિ શરૂઆતમાં કશું નથી કરતી. ધીમે-ધીમે ઍન્ટસિડ પર નિર્ભરતા શરૂ થાય છે. તકલીફ વધતી જાય છે પણ એનું મૂળ પકડવામાં કચાશ રહી જાય છે. આ ભાઈ પણ સતત દવાઓ લેતા હતા, પરંતુ આ પ્રૉબ્લેમ દવાઓની સાથે પણ વધતો જ જતો હતો. છેલ્લા દોઢ વર્ષથી તો એવી હાલત હતી કે દિવસ દરમિયાન સતત છાતી પાસે બળતરા થયા કરતી હતી અને રાત્રે જમ્યા પછી બે કલાકે સૂવે ત્યારે ઊંઘમાં ખાટા ઓડકાર આવે અને ઊઠી જવું પડે એટલું જ નહીં, જો પાછા સૂઈ જાય તો ફરી બે કલાક પછી પાછું ખાટું પાણી મોઢામાં આવી જાય. વારંવાર એવું ન થાય અને સૂવા મળે એટલે રાત્રે મોઢામાં આંગળી નાખીને ઊલટી કરી નાખતા જેથી સૂઈ શકાય. પલંગ પર સીધા સૂવાને કારણે તેમને ઊંઘમાં પણ ખાટા ઓડકાર આવતા હતા એટલે તેઓ આરામ ખુરશીમાં સૂવા લાગ્યા હતા જેથી તેઓ સૂઈ તો શકે.

વિચારવાનું એ છે કે તકલીફ આટલી હદે વધી જાય છતાં યોગ્ય નિદાન ન થાય અને વ્યક્તિ હેરાન થયા કરે. આ તકલીફને ગૅસ્ટ્રોઇસોફેગલ રિફ્લક્સ ડિસીઝ (GERD) કહેવાય છે એટલે કે જેમાં અન્નનળી મારફત ઍસિડ ઉપર તરફ મોઢામાં આવતું હોય. જયારે ઊંઘ પર ખૂબ અસર થવા લાગી ત્યારે તેમને લાગ્યું કે કંઈક તો કરવું જ પડશે. ત્યાર બાદ તેમણે તપાસ આદરી. તેમની બે વાર એન્ડોસ્કોપી કરાવી હતી જેમાં અમને સમજાયું હતું કે તેમને હાયેટસ હર્નિયા થયો છે. ફેફસાં અને આંતરડાની વચ્ચે ડાયાફ્રેમ નામનો એક સ્નાયુ આવે છે. આ સ્નાયુનું મુખ જો વધુપડતું ખૂલી જાય તો આંતરડું છાતીમાં ઘૂસી જાય છે, જેને હાયેટસ હર્નિયા કહે છે. એને કારણે GERDની તકલીફ થઈ છે. જ્યાં સુધી હર્નિયાનું ઑપરેશન નહીં થાય ત્યાં સુધી આ તકલીફ પતશે નહીં. હાલમાં તેમણે ઑપરેશન કરાવ્યું. અમે લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા ડાયાફ્રેમનું ઓપનિંગ નાનું કરી દીધું, જેને કારણે છાતીમાં આંતરડું ઘૂસતું બંધ થઈ જાય અને હર્નિયાની તકલીફ સૉલ્વ થતાં તેમનો GERD પણ બંધ થઈ જાય. અત્યારે તે બિલકુલ સ્વસ્થ છે અને હવે શાંતિથી સૂઈ શકે છે અને બિઝનેસ પર ધ્યાન આપી શકે છે. 

અહેવાલ : ડૉ. જિજ્ઞેશ ગાંધી

health tips columnists life and style