02 January, 2026 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલાકો સુધી ઑફિસમાં ડેસ્ક-જૉબ કરતા લોકોને થાકને કારણે બૉડી-પેઇન અને મસલ-સ્ટિફનેસની સમસ્યા બહુ કોમન બની ગઈ છે. ઘણી વાર કૅપેસિટી કરતાં વધુ વર્કઆઉટ કે ઘરકામના થાકને લીધે સ્નાયુઓમાં દુખાવો કે સ્ટિફનેસ અનુભવાય છે ત્યારે તરત જ પેઇનકિલર કે બામનો સહારો લઈએ છીએ, પણ આ દવાઓ હંમેશાં તાત્કાલિક અસર કરે એ જરૂરી નથી. લાંબા ગાળે એની આડઅસરો પણ થઈ શકે છે. થોડા સમય પહેલાં એક વિડિયો બહુ વાઇરલ થયો હતો જેમાં કેટલીક એવી સરળ કસરતો દર્શાવવામાં આવી છે જે કોઈ પણ સાધન વગર ઘરેબેઠાં કરી શકાય છે. એ સ્નાયુની સ્ટિફનેસને દૂર કરીને તાત્કાલિક રિલીઝ આપે છે.
ડેસ્ક-જૉબ કરનારા લોકોમાં ગરદન અને ખભાની વચ્ચે આવેલા સ્નાયુમાં દુખાવો રહેતો હોય છે. તેમના માટે એ સામાન્ય છે, પણ આગળ જતાં આ દુખાવો ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. આનાથી બચવા એક દીવાલ પાસે ઊભા રહીને તમારા શરીરના ઉપરના ભાગને એ રીતે ટ્વિસ્ટ કરો જેથી તમારો ખભો હળવેથી દીવાલ તરફ ધકેલાય. આ પ્રક્રિયાનું પુનરાવર્તન ૧૦થી ૧૫ વાર કરવાથી ગરદન અને ખભાના સ્નાયુ રિલૅક્સ થાય છે. આ કસરતને વૉલ-ટ્વિસ્ટ કહેવાય.
ઘણી વાર એવું બને કે સ્પોર્ટ્સ રમતી વખતે અથવા ભારે વજન ઉઠાવવાને લીધે ઘણી વાર ખભાના રોટેટર કફમાં દુખાવો થાય છે. આ માટે દીવાલ પાસે ઊભા રહીને તમારો હાથ ટેકાવો અને ધીમેથી શરીરને આગળ તરફ નમાવો. ઊંડા શ્વાસ લેતાં-લેતાં આ સ્થિતિ જાળવી રાખવાથી ખભાના સ્નાયુઓ ખૂલે છે અને થોડા સમયમાં રાહત મળે છે.
પીઠમાં થતા તીવ્ર દુખાવા માટે એક ખુરસી પર બેસો. પછી એક હાથ ગરદન પાછળ રાખો અને બીજા હાથથી બાઇસેપ પકડીને હળવેથી સ્ટ્રેચ કરો. આનાથી કરોડરજ્જુની આસપાસની સ્ટિફનેસ દૂર થાય છે. આ ઉપરાંત ખુરસી પર બેસીને ટુવાલના બન્ને છેડા પકડીને હાથને ઉપર-નીચે કરવાથી પીઠ સ્ટ્રેચ થાય છે અને મસલ્સ રિલૅક્સ થાય છે. ડેસ્ક-જૉબ કરતા લોકો આ કસરત સરળતાથી કરી શકે.
પીઠની સાઇડમાં આવતા દુખાવા માટે દરવાજાની ફ્રેમનો સહારો લો. જમણા હાથના અંગૂઠાને દરવાજાની ફ્રેમ પર રાખીને શરીરને વિરુદ્ધ દિશામાં નમાવો અને આ દરમિયાન ડીપ બ્રીધિંગ કરો.
દવાઓ ખાવા કરતાં આવી હળવી કસરતોને દિનચર્યાનો ભાગ બનાવવાથી શરીર કુદરતી રીતે સ્વસ્થ રહે છે. જોકે કોઈ પણ કસરત કરતી વખતે શરીરની ક્ષમતાનું ધ્યાન રાખવું અને વધુ પડતો દુખાવો હોય તો નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.