27 October, 2025 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર
અત્યારે હેલ્ધી ડાયટનો તો જમાનો જ નથી રહ્યો, ચટપટા ક્રેવિંગ્સને સંતોષવા લોકો જન્ક ફૂડ્સ ખાતા હોય છે પણ શું તમને ખબર છે કે ઝટપટ બની જતાં ઇન્સ્ટન્ટ નૂડલ્સ શરીરમાં બીમારીઓને નોતરી શકે છે? જી હા, આમ તો ઇન્સ્ટન્ટ નૂડલ્સને બિનઆરોગ્યપ્રદ જ માનવામાં આવે છે કારણ કે એમાં પોષક તત્ત્વો ઓછાં અને હાનિકારક તત્ત્વોનું પ્રમાણ વધુ હોય છે. એમાં સોડિયમ એટલે કે મીઠાનું પ્રમાણ વધુ હોવાથી હાઈ બ્લડપ્રેશરનું જોખમ વધે છે જે હૃદયરોગ અને કિડનીની સમસ્યાઓનું કારણ બની શકે છે.
ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં રહેલી ફૅટ કૉલેસ્ટરોલનું પ્રમાણ વધારે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું નથી. ઇન્સ્ટન્ટ નૂડલ્સ મેંદાના લોટથી બનતાં હોવાથી એમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ જેવાં પોષક તત્ત્વો બહુ ઓછાં પ્રમાણમાં મળે છે. જો નિયમિતપણે આવાં નૂડલ્સનું સેવન કરવામાં આવે તો શરીરમાં પોષક તત્ત્વોની ઊણપ સર્જાઈ શકે છે અને એને લીધે સ્વાસ્થ્ય સંબંધિત બીજી સમસ્યાઓ ઉદ્ભવવાના ચાન્સિસ વધી જાય છે. ફાઇબર ઓછું હોવાથી એ પાચનતંત્રને અસર કરી શકે છે જેને લીધે કબજિયાત, અપચો અને ઍસિડિટી જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.
એક અભ્યાસ મુજબ ઇન્સ્ટન્ટ નૂડલ્સનું અતિસેવન એટલે કે અઠવાડિયામાં ત્રણ વાર ખાવાથી ડાયાબિટીઝ અને ઓબેસિટીનું જોખમ વધારે છે. નૂડલ્સને પ્રિઝર્વ કરવા માટે એક પેટ્રોલિયમ આધારિત પ્રિઝર્વેટિવ હોય છે જે નૂડલ્સને લાંબા સમય સુધી સારાં રાખવામાં ઉપયોગી હોય છે, પણ એનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. એમાં સ્વાદ વધારનાર ફ્લેવર માથાના દુખાવાનું કારણ બની શકે છે.
જો તમે ભૂખ સંતોષવા માટે નિયમિતપણે પોષક તત્ત્વો વિનાનો અને હાનિકારક તત્ત્વોવાળો ખોરાક ખાશો તો શરીરને નુકસાન કરશે. તેથી ઇન્સ્ટન્ટ નૂડલ્સને ક્યારેક-ક્યારેક સ્વાદ બદલ ખાવાં ઠીક છે, પરંતુ એને નિયમિત આહારનો ભાગ બનાવવાનું સ્વાસ્થ્ય માટે સારું નથી.