19 November, 2026 12:47 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
પોતાના શોખનો ભોગ આપીને પરિવાર માટે ઘસાઈ જવું એ પુરુષોના જીવનમાં પ્રેમ અને જવાબદારીની વ્યાખ્યા સમાન છે. પરિવારને સુખ અને સમૃદ્ધિ આપવાની દોડધામમાં પુરુષો પોતાની જાત માટે ક્યારેય સમય નથી ફાળવતા એટલું જ નહીં, તેઓ ક્યારેય પોતાની જાત માટે સમય ન આપી શકાયો એની ફરિયાદ પણ નથી કરતા. જવાબદારીને જ જીવન માની લેતા પુરુષોને પણ મી-ટાઇમની જરૂર છે. આ જરૂરિયાત બાબતે પુરુષોએ સભાનપણે વિચારવું જરૂરી છે. આજે ઇન્ટરનૅશનલ મેન્સ ડે નિમિત્તે જાણીએ કે પુરુષોએ પોતાના માટે સમય કાઢવો કેમ અનિવાર્ય છે
આખું જીવન જવાબદારીઓનું વજન ઊંચકીને ચાલતા પુરુષોના જીવનમાં સેલ્ફ-કૅર એટલે કે મી-ટાઇમની વાત સૌથી છેલ્લે આવે છે. પરિવારની જરૂરિયાતો, ઑફિસની જવાબદારી, લોનના હપ્તા ભરવાની ચિંતા, બાળકોનું ભણતર અને વડીલોની ચિંતા વચ્ચે પોતાનો થાક, પોતાના શોખ કે પોતાની માનસિક સ્થિતિ વિશે વિચારવાનો વારો જ આવતો નથી. પરિવાર માટે સતત દોડવું એ જ પ્રેમ અને જવાબદારીની વ્યાખ્યા બની જાય છે, પરંતુ અહીં એક સવાલ છે કે પરિવાર માટે બધું કરવા માટે પોતાની જાતને સતત અવગણવી શું જરૂરી છે?
ઉદાહરણ તરીકે રોજ સવારે ઘરેથી નીકળતા રાકેશભાઈ સાથે ઑફિસની ફાઇલો ઉપરાંત EMI, બાળકોની ફી, વડીલોની દવાઓ અને કામનું ટેન્શન પણ હોય છે. રાત્રે ઘરે પરત ફર્યા પછી શરીર થાકેલું હોય છે, છતાં બીજા દિવસે શું-શું કરવાનું છે એની ચિંતા અકબંધ છે. રવિવારે ક્યારેક મન થાય કે થોડો સમય પોતાના માટે કાઢું, ક્યાંક એકલો ફરવા જાઉં કે બસ શાંતિથી બેસું; પરંતુ તરત જ સવાલ ઊભો થાય કે એક જ દિવસ પરિવાર સાથે હોઉં છું તો પરિવારની ઇચ્છાઓ આજે પૂરી કરી લઈએ. ‘હું આરામ કરીશ તો ઘરનું શું થશે?’ આ જ વિચારસરણી ઘણા પુરુષોને પોતાના માટેનો સમય કાઢતાં અટકાવે છે. સમસ્યા માત્ર સમયની નથી, મી-ટાઇમને જરૂરી ન માનવાની માનસિકતા પણ એટલી જ મોટી છે.
આપણા સમાજમાં મહિલાઓ માટે સેલ્ફ-કૅર, સ્પા-સેશન કે પોતાના માટે સમય કાઢવાની વાત હવે ધીમે-ધીમે સામાન્ય બની રહી છે; પણ પુરુષ પોતાના માટે સમય માગે ત્યારે ઘણી વાર તેને ‘જવાબદારીથી દૂર ભાગવું’ અથવા ‘સ્વાર્થ’ તરીકે જોવામાં આવે છે. બાળપણથી જ છોકરાઓને મજબૂત રહેવાનું, લાગણીઓ પર કાબૂ રાખવાનું અને મુશ્કેલીમાં પણ ઊભા રહેવાનું શીખવવામાં આવે છે. પરિણામે મોટા થયા પછી પણ ‘મને થાક લાગે છે’, ‘મારે બ્રેક જોઈએ છે’ અથવા ‘મને થોડો સમય એકલા રહેવું છે’ કહેવું સહેલું રહેતું નથી. તો શું પુરુષને પણ માનસિક વિરામની એટલી જ જરૂર છે? અને જો છે તો એ વિરામ કેવી રીતે લેવો? ચેમ્બુરના લાઇફ-કોચ ડૉ. વિપુલ વ્યાસ પાસેથી જાણીએ પુરુષોની આ માનસિકતા પાછળનાં સામાજિક કારણો અને એમાંથી બહાર આવવાનાં પ્રૅક્ટિકલ સૉલ્યુશન્સ વિશે.
શું સમાજ પુરુષોના મી-ટાઇમને આજ સુધી એક લક્ઝરી કે સ્વાર્થ માને છે? આ સવાલનો જવાબ આપતાં પચીસ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતા લાઇફ-કોચ ડૉ. વિપુલ વ્યાસ કહે છે, ‘આ એક પ્રકારનું અઝમ્પ્શન છે, કારણ કે આ વિશેનાં કોઈ વ્યાપક સંશોધનો એ સાબિત નથી કરતાં કે સમાજ જાણીજોઈને પુરુષો સાથે ભેદભાવ કરે છે, પણ જો આ વાત સાચી હોય તો એની પાછળ વર્ષોથી ચાલી આવતી સામાજિક માનસિકતા જવાબદાર છે. બાળપણથી જ છોકરાઓને એવું શીખવાડવામાં આવે છે કે પુરુષ એટલે મજબૂત, શારીરિક અને માનસિક રીતે સિંહ જેવો મક્કમ, મૅસ્ક્યુલાઇન, નીડર, કૉન્ફિડન્ટ અને રિસ્ક-ટેકર જ હોય. આ સોશ્યલ કન્ડિશનિંગનું પરિણામ એ આવે છે કે પુરુષના મનમાં એ વાત ઘૂસી જાય છે કે ‘હું થાકી ન શકું, હું નબળો ન પડી શકું.’ પરિણામે જો કોઈ પુરુષ માનસિક તાણ અનુભવે અથવા મદદ માગવા જાય તો તે અંદરથી શરમ અનુભવે છે કે લોકો તેને કાયર તો નહીં માનેને? આ મનોસ્થિતિ તેને અંદરથી કોરી ખાતી હોય છે. અહીં સમસ્યા એ છે કે પુરુષ પાસેથી મજબૂત રહેવાની અપેક્ષા ધીમે-ધીમે તેની પોતાની અપેક્ષા બની જાય છે. એટલે બહારથી કોઈ તેને ‘તારે આરામ કરવો જોઈએ’ એવું કહે એ પહેલાં જ પોતાને આરામની જરૂર નથી એવું કહી દે છે. જવાબદારી નિભાવવી જરૂરી છે, પરંતુ સતત પોતાની જરૂરિયાતોને છેલ્લે મૂકવી એ લાંબા ગાળે સ્વસ્થ જીવનશૈલી બની શકે નહીં.’
દિવસનો થાક ઊંઘ્યા પછી દૂર થઈ જાય તો એ સામાન્ય બાબત છે; પણ જ્યારે કામનો તનાવ, આર્થિક ચિંતા અને જવાબદારીઓ સતત મનમાં ચાલતી રહે અને વ્યક્તિને ખરેખર પોતાના માટે સમય જ ન મળે ત્યારે વાત માત્ર થાક સુધી સીમિત રહેતી નથી. જો કોઈ પુરુષ લાંબા સમય સુધી સતત દોડધામ અને પૂરતા આરામ વગરની લાઇફસ્ટાઇલ જીવે તો એની અસર ધીમે-ધીમે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે છે. આ વિશે વાત કરતાં ડૉ. વિપુલ વ્યાસ ચેતવણી આપતાં કહે છે, ‘લાંબા સમયનો તનાવ બ્લડ-પ્રેશર, ઊંઘની સમસ્યા, પાચનતંત્રની તકલીફો અને અન્ય શારીરિક-માનસિક સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. શારીરિક નુકસાનની સાથે-સાથે એ ભાવનાત્મક સ્તરે પણ માણસને તોડી નાખે છે. વ્યક્તિ શૉર્ટ-ટૅમ્પર્ડ બની જાય છે, નાની-નાની બાબતોમાં ગુસ્સો કરવા લાગે છે, સોશ્યલી કનેક્ટ નથી થતી, તેનામાં સેલ્ફ-એસ્ટીમ ઘટવા લાગે છે, સતત લો ફીલ થયા કરવું એ તેની ડેઇલી લાઇફનો હિસ્સો બની જાય છે. જ્યારે મગજને રીસેટ થવા માટે કોઈ ઇરાદાપૂર્વકનો ડાઉનટાઇમ મળતો નથી ત્યારે શરીર અને મગજ સતત તનાવનાં હૉર્મોન્સના પ્રભાવ હેઠળ રહે છે. લાંબા સમયનો તનાવ યાદશક્તિ, ફોકસ અને લાગણીઓ પરના નિયંત્રણને અસર કરી શકે છે. પરિણામે વ્યક્તિ સતત તનાવ અને સતર્કતાની સ્થિતિમાં રહેવા લાગે છે. એટલે કે મી-ટાઇમનો અભાવ માત્ર એટલો નથી કે વ્યક્તિને પોતાના શોખ માટે સમય નથી મળતો. સતત દોડતા રહેવાની આદત વ્યક્તિના વર્તન અને સંબંધોમાં પણ દેખાવા લાગી શકે છે. જે પુરુષ આખો દિવસ કામના દબાણમાં રહ્યો હોય તે ઘરે આવ્યા પછી પરિવાર સાથે હાજર હોવા છતાં માનસિક રીતે થાકેલો હોઈ શકે છે. તેથી પોતાના માટેનો થોડો સમય માત્ર વ્યક્તિગત સુખ માટે નહીં, પરિવાર સાથેના સંબંધો માટે પણ મહત્ત્વનો બની શકે છે.’
અહીં એક ગેરસમજ દૂર કરવી જરૂરી છે એમ જણાવતાં ડૉ. વિપુલ વ્યાસ કહે છે, ‘મી-ટાઇમ એટલે આખો દિવસ રજા લેવી, એકલા ફરવા જવું કે મોંઘી ટ્રિપ કરવી એવું જરૂરી નથી. મી-ટાઇમનો અર્થ છે — થોડા સમય માટે જવાબદારીઓમાંથી માનસિક અંતર બનાવવું. કોઈ માટે આ શાંતિથી ચા પીવાનો સમય હોઈ શકે છે, કોઈ માટે વૉક હોઈ શકે છે, વાંચન કે સંગીત સાંભળવું હોઈ શકે છે તો કોઈ માટે મિત્રો સાથે વાત કરવી અથવા પોતાની હૉબી માટે સમય કાઢવો પણ મી-ટાઇમ બની શકે છે. મુદ્દો એ નથી કે તમે કેટલા કલાક પોતાના માટે કાઢો છો. મુદ્દો એ છે કે એ સમય દરમ્યાન તમે ખરેખર માનસિક રીતે તમારી સાથે છો કે નહીં.’
મી-ટાઇમનો હેતુ માત્ર આરામ કરવાનો નથી એમ જણાવતાં ડૉ. વિપુલ વ્યાસ કહે છે, ‘નિયમિત રીતે મળતો વ્યક્તિગત સમય તનાવ ઘટાડવામાં, ઊંઘ અને મૂડ સુધારવામાં તથા ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. જ્યારે વ્યક્તિ માનસિક રીતે વધુ સ્થિર હોય છે ત્યારે કામમાં ફોકસ રાખવું, ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવો પણ સરળ બને છે. એટલે પુરુષનો મી-ટાઇમ પરિવારથી દૂર જવાનો સમય નથી. યોગ્ય રીતે જોવામાં આવે તો એ પરિવાર સાથે વધુ સારી રીતે કનેક્ટ રહેવા માટેનો સમય બની શકે છે. દિવસના થોડા સમય માટે ફોન બંધ રાખવો, એકલા ચાલવા જવું કે પોતાની હૉબી માટે સમય કાઢવો પરિવાર પ્રત્યેની જવાબદારીથી ભાગવું નથી. જેમ શરીરને સતત કામ પછી આરામની જરૂર પડે છે, એમ મનને પણ સતત જવાબદારીઓમાંથી થોડા સમય માટે બહાર આવવાની જરૂર પડે છે.’
ઘણા પુરુષો મી-ટાઇમની જરૂરિયાત સમજતા હોવા છતાં એને વ્યક્ત કરતા નથી, કારણ કે તેમને લાગે છે કે પરિવારની જરૂરિયાતો કરતાં પોતાની જરૂરિયાતને આગળ મૂકવી યોગ્ય નથી; પરંતુ પોતાના માટે સમય માગવાનો અર્થ પરિવારને ઓછું મહત્ત્વ આપવું નથી એવો તર્ક આપતાં ડૉ. વિપુલ વ્યાસ કહે છે, ‘પરિવાર સાથે રહેતા હોવા છતાં વ્યક્તિને પોતાની જગ્યા અને પોતાના સમયની જરૂર પડી શકે છે. આ વાત પુરુષોએ પોતે પણ સ્વીકારવી પડશે અને પરિવારોએ પણ સમજવી પડશે. તેથી મી-ટાઇમ એક વ્યક્તિની નહીં, પરિવારની સમજણનો મુદ્દો બની જાય છે.’
જ્યારે આખી લાઇફસ્ટાઇલ મશીન જેવી બની ગઈ હોય ત્યારે મોટા ટાઇમટેબલ કે લાંબા વેકેશન માટે સમય કાઢવો મુશ્કેલ બને છે, પરંતુ મી-ટાઇમ માટે કલાકોના કલાકો નહીં પણ રોજિંદા જીવનમાંથી મળતા નાના-નાના વિરામ પૂરતા છે. ડૉ. વિપુલ વ્યાસ કેટલીક સરળ રીતો સૂચવે છે.
સૂતાં પહેલાં રીલ્સ સ્ક્રોલ કરવી કે ઈમેઇલ ચેક કરવાની ટેવ મગજને સતત સક્રિય રાખે છે. તેથી સૂવાના ઓછામાં ઓછા ૩૦થી ૬૦ મિનિટ પહેલાં મોબાઇલથી અંતર રાખવાની ટેવ પાડો. આ સમય વાંચન, હળવા સંગીત અથવા શાંતિથી બેસવામાં પસાર કરી શકાય. ધ્યાન રાખવાની બાબત એ છે કે મોબાઇલથી દૂર થવું એટલે બીજી કોઈ સ્ક્રીન સામે બેસી જવું નહીં. જો મી-ટાઇમનો મોટા ભાગનો સમય સતત નોટિફિકેશન, રીલ્સ અને મેસેજમાં પસાર થઈ રહ્યો હોય તો શરીર આરામ કરી રહ્યું હોવા છતાં મગજને પૂરતો વિરામ મળતો નથી.
ઑફિસ જતી વખતે કે પરત ફરતી વખતે મળતો મુસાફરીનો સમય પણ મી-ટાઇમ બની શકે છે. ડ્રાઇવિંગ દરમ્યાન સતત ફોન કે ન્યુઝમાં વ્યસ્ત રહેવાને બદલે શાંત સંગીત સાંભળો અને થોડો સમય પોતાની સાથે રહો. જોકે વાહન ચલાવતી વખતે ધ્યાન ભંગ થાય એવી કોઈ પ્રવૃત્તિ ન કરવી. મેઇન પૉઇન્ટ્સ એ છે કે દિવસમાં જે સમય પહેલેથી જ ઉપલબ્ધ છે એને જ થોડો વધુ સચેત રીતે ઉપયોગમાં લેવો. દરેક વ્યક્તિએ મી-ટાઇમ માટે અલગથી એક કલાક શોધવો જ પડે એવું નથી.
‘મારી પાસે મેડિટેશન માટે સમય નથી’ એવું માનતા લોકો માટે દિવસ દરમ્યાન મળતી બે-ત્રણ મિનિટ પણ ઉપયોગી બની શકે છે. કામની વચ્ચે આંખો બંધ કરીને દસથી ૨૦ ધીમા અને ઊંડા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. થોડા સમય માટે કામથી માનસિક અંતર બનાવવાથી મનને શાંત થવામાં મદદ મળી શકે છે. આનો હેતુ કોઈ મોટી આધ્યાત્મિક પ્રૅક્ટિસ કરવાનો નથી, આખા દિવસ દરમ્યાન સતત એક કામમાંથી બીજા કામમાં દોડતા મગજને થોડા સમય માટે થોભાવવાનો છે.
સવારના કે દિવસ દરમ્યાન મળતી ૨૦ મિનિટ પોતાના માટે રાખવાનો પ્રયાસ કરો. મોબાઇલ અને વાતચીતથી દૂર રહીને ચા-કૉફી પીતાં શાંતિથી બેસો, ડાયરીમાં વિચારો લખો અથવા હળવું સ્ટ્રેચિંગ કરો. દિવસની શરૂઆતમાં મળેલો આ વ્યક્તિગત સમય મનને વ્યવસ્થિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે આ ૨૦ મિનિટને પણ વધુ એક ‘ટાસ્ક’ બનાવી દેવાની જરૂર નથી. મી-ટાઇમનો હેતુ દિવસમાં વધુ એક કામ ઉમેરવાનો નહીં, પહેલેથી ચાલી રહેલા કામની વચ્ચે પોતાની જાત માટે થોડું સ્થાન બનાવવાનો છે.
જમ્યા પછી ૧૦થી ૧૫ મિનિટ હળવું ચાલવું પણ મી-ટાઇમ બની શકે છે. પરિવાર સાથે વાત કરતાં ચાલવું હોય કે થોડો સમય એકલા ફરવું હોય, આ દરમ્યાન ફોનથી અંતર રાખવાનો પ્રયાસ કરો. દિવસની દોડધામમાંથી બહાર આવીને મનને થોડો વિરામ આપવાનો આ સરળ રસ્તો છે.
ઇન્ટરનૅશનલ મેન્સ ડેની સત્તાવાર શરૂઆત ૧૯૯૯ની ૧૯ નવેમ્બરે ટ્રિનિદાદ અને ટબૅગોમાં થઈ હતી. આ દિવસની શરૂઆત ડૉ. જેરોમ ટેલરસિંગે કરી હતી. તેમણે ૧૯ નવેમ્બરની તારીખ પોતાના પિતાના જન્મદિવસની યાદમાં પસંદ કરી હતી. આ દિવસનો મુખ્ય હેતુ સમાજ અને પરિવાર પ્રત્યે જવાબદારી નિભાવતા પુરુષોના સકારાત્મક યોગદાનને ઓળખ આપવાનો, પુરુષોના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે જાગૃતિ ફેલાવવાનો તથા પુરુષો પર રહેલા સામાજિક દબાણ અને રૂઢિચુસ્ત માન્યતાઓ વિશે ચર્ચા કરવાનો છે.
આજે ૧૯ નવેમ્બરે વિશ્વના અનેક દેશોમાં ઇન્ટરનૅશનલ મેન્સ ડે ઊજવવામાં આવે છે. બદલાતા સમયમાં પુરુષો પણ પરંપરાગત ‘મજબૂત અને લાગણીઓ ન દર્શાવનાર’ની ઇમેજથી આગળ વધી રહ્યા છે. રસોઈ કરવી, પોતાની લાગણીઓ વ્યક્ત કરવી, પરિવારની જવાબદારીઓ વહેંચવી કે પોતાના માનસિક સ્વાસ્થ્ય અને સેલ્ફ-કૅર માટે સમય કાઢવો — આ બધું પણ પુરુષત્વની બદલાતી વ્યાખ્યાનો ભાગ બની રહ્યું છે.
મેન્સ ડે માત્ર પુરુષોને શુભેચ્છા આપવાનો દિવસ નથી. પુરુષ પાસેથી વર્ષોથી જે ‘મજબૂત રહેવાની’ અપેક્ષા રાખવામાં આવી છે એની સાથે તેની જરૂરિયાતો વિશે વાત કરવાનો દિવસ પણ બની શકે છે. એમાં એક જરૂરિયાત પોતાના માટેના થોડા સમયની પણ છે.
મી-ટાઇમનો સાચો ફાયદો ત્યારે જ મળશે જ્યારે પુરુષ પોતાની માનસિકતા બદલશે. પોતાના માટે થોડો સમય કાઢવો સ્વાર્થ નથી, પરંતુ લાંબા સમય સુધી સ્વસ્થ અને સક્ષમ રહેવાની જરૂરિયાત છે. પરિવારનો આધારસ્તંભ બનવા માટે સતત થાકેલા રહેવું જરૂરી નથી. જવાબદારીઓથી થોડા સમય માટે અંતર લેવું એ જવાબદારીઓથી ભાગવું નથી. ક્યારેક થોડા સમય માટે પોતાની સાથે રહેવું પણ એ જ જવાબદારીનો એક ભાગ છે, કારણ કે જ્યારે વ્યક્તિ અંદરથી સ્વસ્થ અને સ્થિર હોય છે ત્યારે જ તે પરિવાર, કામ અને સંબંધોને વધુ સારી રીતે સંભાળી શકે છે.