અજાણ્યા લોકોએ કરેલું અંગદાન અમારા માટે બન્યું અભય વરદાન

13 August, 2026 06:06 PM IST  |  Mumbai | Darshini Vashi

આંતરરાષ્ટ્રીય અંગદાન દિવસ નિમિત્તે અંગદાનના મહત્ત્વ અને એના કારણે મળતા નવજીવન વિશે જાણીએ. એક ડોનર અનેક લોકોને નવી આશા આપી શકે છે.

અજાણ્યા લોકોએ કરેલું અંગદાન અમારા માટે બન્યું અભય વરદાન

જો આપણાં હૃદય, લિવર, કિડની, આંખો ખરાબ થાય તો એને સુધારવા દવા થઈ શકે, પણ જ્યારે એમાં કોઈ સુધાર શક્ય ન હોય ત્યારે એને ટ્રાન્સપ્લાન્ટ કરવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. કુદરતની કરામત એ છે કે માણસનાં અંગો લૅબોરેટરીમાં ઊગી શકતાં નથી, પણ કેટલાંક અંગો મૃત્યુ પછી પણ બીજા માણસને નવું જીવન આપી શકે છે. આજે ઇન્ટરનૅશનલ ઑર્ગન ડોનેશન ડે છે ત્યારે કોઈકનું ઑર્ગન મેળવનારા લોકો તેમને જરૂરી અંગ ડોનેટ કરનારા લોકોને દિલથી કહી રહ્યા છે થૅન્ક યુ

દાન અનેક પ્રકારનાં હોય છે, પરંતુ સૌથી શ્રેષ્ઠ દાન અંગદાન છે અને શ્રેષ્ઠ માનવસેવા પણ એ જ છે. એક મૃત વ્યક્તિના અંગદાનથી ૮ જેટલા લોકોનો જીવ બચી શકે છે. જોકે દુઃખની વાત એ છે કે ભારતમાં હજી એના વિશે જોઈએ એટલી જાગૃતિ આવી નથી. ભારતમાં ૧૩ ઑગસ્ટે આંતરરાષ્ટ્રીય અંગદાન દિવસ ઊજવવામાં આવે છે. એનો હેતુ લોકોને મૃત્યુ પછી અંગદાન માટે જાગૃત કરવાની પ્રેરણા આપવાનો છે. આપણા શરીરના કેટલાક અવયવો આપણે જીવતેજીવ પણ આપી શકીએ છીએ. કોઈકે કરેલાં અંગદાનથી ઘણા લોકોને નવું જીવન મળ્યું છે. કોઈને નવી કિડની મળવાથી ડાયાલિસિસમાંથી મુક્તિ મળી છે, કોઈને નવું લિવર મળવાથી ફરી સામાન્ય જીવન જીવવાની તક મળી છે તો કોઈને આંખોનું દાન મળવાથી ફરી દુનિયા જોવાનો આનંદ મળ્યો છે. અંગદાન માત્ર એક દાન નથી. એ અનેક પરિવારોમાં નવી આશા, નવી ખુશી અને નવા જીવનનો પ્રકાશ લાવે છે. કોઈકે કરેલા અંગદાનને કારણે દાન કરનારને ખાસ ફરક નથી પડતો, પરંતુ જેમને એ અંગ મળ્યું છે તેમના જીવનને એ ધરમૂળથી બદલી નાખે છે. જ્યારે બધું જ અંત તરફ જઈ રહ્યું હોય એવું લાગતું હોય ત્યારે કોઈ સ્વજન કે સાવ જ અજાણી વ્યક્તિ તરફથી મળેલા આ નવજીવનની હર પળ તે ડોનર માટે દિલમાં ભારોભાર કૃતજ્ઞતાભાવ જન્મે એ સ્વાભાવિક છે. આજે ઇન્ટરનૅશનલ ઑર્ગન ડોનેશન ડે નિમિત્તે અંગદાન મેળવનારા લોકો તેમના ડોનરને ધન્યવાદ કહેવા માગે છે. કદાચ તેમના દિલના ઊંડાણમાંથી નીકળેલી ફીલિંગ્સ આપણને મૃત્યુ પછી અંગદાન કરવા માટે કટિબદ્ધ થવા પ્રેરે તોય ઘણું. 

છેલ્લાં ૨૪ વર્ષથી મારી મમ્મી ૩ વ્યક્તિની આંખોથી જોઈ રહી છે : સ્નેહલ ઠક્કર

થાણેમાં રહેતા સ્નેહલ ઠક્કર કહે છે, ‘મારાં મમ્મી ગીતા ઠક્કર અત્યારે ૮૪ વર્ષનાં છે. આજથી લગભગ ૨૪ વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૨ની સાલમાં તેમને આંખમાં તકલીફ થવા લાગી હતી અને ઝાંખું દેખાતું હતું. એક આંખમાં વધારે તકલીફ હતી અને બીજી આંખમાં ઓછી તકલીફ હતી. અમે ડ્રૉપ અને દવા જ પહેલાં વાપર્યાં, પરંતુ એનું કોઈ પૉઝિટિવ રિઝલ્ટ જોવા મળ્યું નહીં. તેમના કૉર્નિયામાં અપારદર્શકતા આવી ગઈ હતી. કૉર્નિયામાં અપારદર્શકતા આવે એટલે તમને કશું જ ન દેખાય. સાવ જ દૃષ્ટિહીન થઈ જાઓ છો. તેમની તકલીફ વધતી ગઈ એટલે ૨૦૦૫માં અમે તેમનું નામ આઇ બૅન્કમાં લખાવ્યું. લગભગ ૬-૭ મહિના પછી તેમનો નંબર લાગ્યો અને તેમની એક આંખના કૉર્નિયાનું ઑપરેશન કરાવ્યું. એ આંખ આજે ૨૧ વર્ષ પછી પણ વ્યવસ્થિત કામ કરે છે, પરંતુ બીજી આંખમાં જ્યારે પ્રૉબ્લેમ આવ્યો ત્યારે અમે ૨૦૦૮માં તેમની બીજી આંખમાં કૉર્નિયા નાખ્યો, પરંતુ કૉર્નિયા નાખ્યા બાદ તેમને આંખમાં તકલીફ આવવા લાગી. ૧૫ વર્ષ સુધી તેમને તકલીફ રહી. પછી ડૉક્ટરે કહ્યું કે તમારી મમ્મીનું શરીર આ આંખને સ્વીકારી રહ્યું હોય એવું લાગતું નથી. એટલે ફરી વખત ૨૦૨૩માં ફરી કૉર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. એટલે એમ કહું તો ચાલે કે મારી મમ્મીને ૩ ડૉનર પાસેથી આંખો મળી છે. એટલે ૩ વ્યક્તિ જેઓ આજે હયાત નથી તેમણે પોતાની આંખ દાન કરી હતી એને લીધે આજે મારી મમ્મી ૨૪ વર્ષથી જોઈ શકે છે અને ઘરનાં કામ પણ કરી શકે છે. જો આ ૩ વ્યક્તિએ ચક્ષુદાન ન કર્યું હોત તો મારી મમ્મી કદાચ આજે દૃષ્ટિહીન રહી ગયાં હોત. મારી મમ્મી જ નહીં, અમે ઘરના બધા સભ્યો આ ત્રણે ડોનરના ઋણી છીએ અને તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ.’

જો સમયસર કૉર્નિયા ન મળ્યો હોત તો આજે મારી શું હાલત હોત એની કલ્પના પણ નથી કરી શકતી : ભાવના લોધરિયા

કાંદિવલીમાં રહેતાં ૭૨ વર્ષનાં ભાવના લોધરિયા કહે છે, ‘૨૦૨૨ની સાલની વાત છે. ત્યારે હું ૬૮ વર્ષની હતી. મને જમણી બાજુની આંખના કૉર્નિયા પર સોજો થયો હતો. મેં ડૉક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું કે તમારો કૉર્નિયા ડૅમેજ થયો છે અને ઑટો-રિકવરી થવાના ચાન્સ ઓછા છે. તેમણે મને આઇ ડ્રૉપ આપ્યાં. મેં થોડા દિવસ સુધી એ આંખમાં પણ નાખ્યાં, પરંતુ કોઈ પૉઝિટિવ રિઝલ્ટ આવ્યું નહીં. ડૉક્ટરે ફરી ચકાસણી કરી અને કહ્યું કે તમારી રાઇટ આંખમાં વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ છે. તમારે જેમ બને એમ જલદી કૉર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરાવવો પડશે. અત્યારે સફળ ટ્રાન્સપ્લાન્ટ થાય એના ૯૦ ટકા ચાન્સ છે, જો મોડું કરશો તો ચાન્સ ઘટી જશે. એટલે અમે તરત આઇ બૅન્કમાં નામ નોંધાવ્યું. એમાં પણ એવું હોય કે બધું મૅચ થાય તો જ તમને કોઈની આંખ કામ આવે. એમ છતાં ભગવાનની મહેરબાનીથી મને દોઢ મહિનાની અંદર જ ડોનર મળી ગયો અને મારું કૉર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થઈ શક્યું. આજે હું એ આંખથી ૮૦ ટકા જોઈ શકું છું અને વગર ચશ્માંએ વાંચી પણ શકું છું. બીજી આંખમાં મને સોજો છે, પરંતુ જમણી આંખમાં કૉર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટ થવાને લીધે મને રોજિંદા કામમાં પ્રૉબ્લેમ આવી રહ્યો નથી. આજે આ વાતને ૪ વર્ષ થઈ ગયાં છે. હું રોજ ઊઠવાની સાથે મારા કૉર્નિયાના ડોનરનો આભાર માનું છું જેને લીધે હું જોતી થઈ શકી. જો તેનો કૉર્નિયા મારી સાથે મૅચ થઈ શક્યો ન હોત તો મારી વર્તમાન સ્થિતિ શું હોત એની કલ્પના પણ હું કરી શકતી નથી. ડોનરનો આભાર વ્યક્ત કરવાની સાથે હું બધા લોકોને ચક્ષુદાન કરવા માટે પ્રોત્સાહન આપવા માગું છું. એક વ્યક્તિ મારા જેવા બે લોકોના જીવનમાં પ્રકાશ લાવવાનું કામ કરી શકે છે.’

મને દૃષ્ટિ આપનાર બન્ને ડોનરના આત્માની શાંતિ માટે સત્યનારાયણનો પાઠ કર્યો : યોગેશ જોશી

કાંદિવલીમાં રહેતા ૭૪ વર્ષના યોગેશ જોશી કહે છે, ‘મારી બન્ને આંખોમાં વારાફરતી તકલીફ આવી હતી. પહેલાં જમણી આંખમાં પ્રૉબ્લેમ આવ્યો હતો, પછી ડાબી આંખમાં પ્રૉબ્લેમ આવ્યો. બન્ને આંખમાં કૉર્નિયાનો પ્રૉબ્લેમ હતો અને ડાબી આંખમાં રેટિનાનો પ્રૉબ્લેમ આવ્યો હતો. અમે નિયમ આઇ બૅન્કમાં નામ રજિસ્ટર કરાવ્યું હતું અને થોડા સમયમાં અમને કૉલ પણ આવી ગયો હતો. બન્ને આંખનું ટ્રાન્સપ્લાન્ટ ૪ વર્ષની અંદર જ કર્યું હતું. ઑપરેશન પછી આંખ ખોલી ત્યારે જાણે નવજીવન મળ્યું હોય એવું લાગ્યું. મારા બન્ને આંખના કૉર્નિયા અલગ-અલગ વ્યક્તિના છે એટલે હું એક નહીં, બે વ્યક્તિનો ઋણી છું. હું અને મારી ફૅમિલી ખૂબ જ ધર્મિષ્ઠ છીએ એટલે અમે આ બન્ને ડોનરના આત્માને શાંતિ મળે એ માટે બન્ને આંખનાં ઑપરેશન પછી સત્યનારાયણનો પાઠ કર્યો હતો. અમે એ બન્ને ડોનરને ઓળખતા નથી એટલે બીજું તો કંઈ કરી ન શકીએ, પણ તેમના માટે ભગવાન સમક્ષ પ્રાર્થના તો કરી જ શકીએ.’

મને લિવર આપનાર ડોનરે માત્ર મારો જીવ જ નહીં, મારી આખી ફૅમિલીને પડી ભાંગતાં બચાવી છે : કૌશિક શાહ

બોરીવલીમાં રહેતા ૭૨ વર્ષના કૌશિક શાહ કહે છે, ‘હું ઑટો-ઇમ્યુન હેપેટાઇટિસથી પીડાતો હતો. ૩ વર્ષ સુધી તો મેં અલગ-અલગ ટ્રીટમેન્ટ કરાવી, પણ એક વખત એવો આવ્યો જ્યારે મારું ડાઇજેશન થવાનું બંધ થઈ ગયું. મારા લિવરે કામ કરવાનું જ બંધ કરી દીધું. એટલે દર મહિને પાંચ લીટર જેટલું પેટનું પાણી કાઢવું પડતું હતું. હવે અમારી પાસે ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. અમે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. થોડા સમય બાદ અમને ફોન આવ્યો કે તમારા બ્લડ-ગ્રુપ અને શરીરને મૅચ થઈ શકે એવું લિવર મળ્યું છે એટલે અમે હૉસ્પિટલમાં દોડ્યા અને પછી લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આજે આ વાતને ૭ વર્ષ થઈ ગયાં છે. શરીરનું ધ્યાન તો હજી પણ રાખવું પડે છે, પરંતુ મને જે ડોનર દ્વારા જીવવાનો સેકન્ડ ચાન્સ મળ્યો છે તેનો હું વ્યક્તિગત રીતે તો આભાર વ્યક્ત કરી શકું એમ નથી, પરંતુ ભગવાનને મારી એ જ અરજી કે એ દિવ્ય આત્માને સદ્ગતિ મળે. તેના એક ઑર્ગને મારી લાઇફ જ નહીં, અમારી આખી ફૅમિલી પર આભ તૂટી પડતાં બચાવ્યું છે.’

એક અજાણી વ્યક્તિ જ્યારે તમને નવી લાઇફ આપે એનો આભાર માનીએ એટલો ઓછો : ગીતા શાહ

દહિસરમાં રહેતાં ૬૯ વર્ષનાં ગીતા શાહ કહે છે, ‘મારા લિવરમાં પાણી ભરાઈ જતું હતું અને દર અઠવાડિયે મારે પાણી કઢાવવા જવું પડતું હતું. પછી પાંચ-છ કલાકનું IV ચડાવવું પડતું હતું. દોઢ વર્ષ સુધી મારી આ સાઇકલ ચાલી. પછી મારી કન્ડિશન જોઈને ડૉક્ટરે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. મેં એના માટે સરકારી નિયમ અને કાયદા મુજબ અરજી કરી હતી. ૪ મહિના પછી અમને ફોન આવ્યો કે એક ડોનર મળ્યા છે એટલે અમે તરત હૉસ્પિટલમાં ગયા અને મારું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. આ વાતને આજે ૪ વર્ષ થઈ ગયાં છે. લાખો રૂપિયાનો ખર્ચ થયો, પણ ભગવાનની મહેરબાની તથા ડૉક્ટરો અને પરિવારના સપોર્ટને લીધે આજે હું બધી રીતે ઑલરાઇટ છું. ખાસ કરીને મારા હસબન્ડ રજનીકાંતને લીધે જેમણે મારી ખૂબ જ ચાકરી કરી છે. તેમનો હું આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. ચાલો, આ તો મારા ઘરના જ સભ્ય છે, પરંતુ એક એવી વ્યક્તિ જેની સાથે મારો કોઈ સબંધ નથી તેને લીધે આજે હું સ્વસ્થ રીતે જીવી રહી છું તે ડોનરનો અંતઃકરણથી આભાર માનું છું.’

એક જ ડોનર પાસેથી લિવર-કિડની મને મળતાં મને નવું જીવન મળ્યું, હવે રોજ હું તે પુણ્યાત્માનો આભાર માનું છું : કમલેશ ભણસાલી

કિડની અને લિવર શરીરનાં સૌથી મહત્ત્વનાં અને અમૂલ્ય અંગ છે જેમનું ટ્રાન્સપ્લાન્ટ પણ ઘણું અઘરું અને લૉન્ગ પ્રોસેસ છે. જો નસીબ હોય તો જલદી ડોનર મળી જાય છે, નહીંતર વર્ષોનાં વર્ષો નીકળી જાય છે. બોરીવલીમાં રહેતા ૬૭ વર્ષના કમલેશ ભણસાલી કહે છે, ‘મારું લિવર અને કિડની બન્ને ડૅમેજ થઈ ગયાં હતાં. સૌથી પહેલાં મારું લિવર ખરાબ થઈ ગયું હતું. ૧૪ વર્ષ સુધી લિવર સિરૉસિસ હતું. એ પછી મારી કિડની ખરાબ થઈ ગઈ. માંડ-માંડ ૧૨ વર્ષ સુધી ખેંચ્યું. ઑર્ગન માટે નામ નોંધાવેલું હતું એનાં પાંચ વર્ષ પછી મારો નંબર લાગ્યો હતો, કારણ કે આવા કેસમાં બન્ને ઑર્ગન એક જ વ્યક્તિનાં હોવાં જરૂરી છે જે થોડું કઠિન હતું. આખરે સવા મહિના પહેલાં જ મારું લિવર અને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયાં છે. શરૂઆતના દિવસોમાં હું ચાલી પણ નહોતો શકતો, પરંતુ થોડા દિવસથી હું ઘરમાં ચાલુ છું. હજી મારે ૩ મહિના આઇસોલેશનમાં રહેવાનું છે. મારા શરીરમાં કોનું લિવર અને કિડની લાગ્યાં છે એ મને ખબર નથી, પરંતુ રોજ હું તે પુણ્યાત્માનો આભાર વ્યક્ત કરું છું જેને લીધે મને નવું જીવન મળ્યું છે.’

lifestyle news life and style organ donation healthy living health tips