ફક્ત આયર્ન-રિચ ફૂડ ખાઈ લેવું પૂરતું નથી, એનું ઍબ્સૉર્પ્શન પણ જરૂરી છે

13 January, 2026 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તમે આયર્નથી ભરપૂર ખોરાક અને સપ્લિમેન્ટ્સ લેતા હોવા છતાં ચક્કર અને થાક અનુભવતા હો તો બની શકે કે શરીરમાં આયર્નનું સરખી રીતે ઍબ્સૉર્પ્શન થઈ રહ્યું નથી

પ્રતીકાત્મક તસવીર

જો તમે આયર્ન સપ્લિમેન્ટ્સ લેતા હો અથવા દૈનિક જીવનમાં આયર્નથી ભરપૂર ખોરાક લેતા હો એમ છતાં સતત થાક, માથાનો દુખાવો, વાળ ખરવા કે ચક્કર આવવાં જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો સમસ્યા તમે કેટલું આયર્ન લો છો એમાં નહીં પણ તમારું શરીર એને કેટલી સારી રીતે ઍબ્સૉર્બ કરી રહ્યું છે એમાં હોઈ શકે. આયર્નનું નબળું શોષણ એક સામાન્ય કારણ છે જેના લીધે સપ્લિમેન્ટ્સ લેવા છતાં પણ શરીરમાં આયર્નનું સ્તર ઓછું રહે છે. સારી વાત એ છે કે તમે કેટલાંક સરળ હૅક્સ અપનાવીને આયર્નનું ઍબ્સૉર્પ્શન સુધારી શકો છો. આને લઈને ન્યુટ્રિશનિસ્ટ અને હૉર્મોન હેલ્થ સ્પેશ્યલિસ્ટ શિખા ગુપ્તા કશ્યપે કેટલાક અસરકારક ઉપાયો જણાવ્યા છે.

૧. આયર્ન-રિચ ફૂડમાં, ખાસ કરીને પાલક, કઠોળ જેવા પ્લાન્ટ-બેઝ્ડ ફૂડમાં રહેલું આયર્ન શરીર જલદી પચાવી શકતું નથી. જો એની સાથે લીંબુ, આમળા, નારંગી કે મોસંબી લેવામાં આવે તો એ આયર્નને ઓગળવામાં અને લોહીમાં ભળવામાં મદદ કરે છે.

૨. ચા અને કૉફીમાં એવાં તત્ત્વો હોય છે જે આયર્નને શરીરમાં ઍબ્સૉર્બ થતાં રોકે છે, એનાથી આયર્નનું અવશોષણ ૬૦ ટકા જેટલું ઘટી જાય છે. એટલે આયર્નયુક્ત ખોરાક અથવા સપ્લિમેન્ટ્સ ખાધા પહેલાં અને પછી ઓછામાં ઓછું એક કલાક ચા-કૉફી પીવાનું ટાળવું જોઈએ.

૩. કૅલ્શિયમ (દૂધ અને એની બનાવટો) આયર્નના ઍબ્સૉર્પ્શનમાં અવરોધ પેદા કરે છે. જો તમે આયર્નની ગોળી દૂધ સાથે લો છો તો એની અસર નહીંવત્ થઈ જાય છે. આ બન્ને વચ્ચે પણ એક કલાકનું અંતર રાખવું જોઈએ.

૪. થાઇરૉઇડની દવા અને આયર્નની ગોળી ક્યારેય સાથે ન લેવી જોઈએ.

૫. જો તમારાં આંતરડાંમાં સોજો હોય તો શરીર આયર્નને લોહી સુધી પહોંચાડી શકતું નથી. એટલે પાચનતંત્રને સુધારવું જરૂરી છે. એ માટે ફાઇબરયુક્ત ખોરાક અને પ્રોબાયોટિક્સ લેવાં જોઈએ.

૬. જો તમારા પેટમાં પૂરતું ઍસિડ ઉત્પન્ન ન થતું હોય તો ખોરાકમાં રહેલું આયર્ન સરખી રીતે શરીરમાં ઍબ્સૉર્બ થતું નથી.

આયર્નના સ્રોત

પાલક, બીટ, મેથી, રાજમા, છોલે, તોફુ, હલીમ સીડ્સ, તલ, કોળાનાં બીજ, રાગી, ગોળ આ બધી જ વસ્તુમાં આયર્ન સારા પ્રમાણમાં હોય છે.

health tips healthy living life and style lifestyle news columnists