ફાસ્ટ ફૂડની જનરેશનમાં બીમારીઓ પણ હવે આવી રહી છે ફાસ્ટ-ફાસ્ટ

28 February, 2025 09:10 AM IST  |  Mumbai | Ruchita Shah

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનો સર્વે કહે છે કે વિશ્વભરમાં થઈ રહેલાં કુલ મૃત્યુમાંથી ૭૪ ટકા કેસમાં મૃત્યુનું કારણ હૃદયરોગ, સ્ટ્રોક, કૅન્સર, શ્વાસને લગતા રોગો અને ડાયાબિટીઝ છે

પ્રતીકાત્મક તસવીર

૩૦ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅક આવે કે આ વયે ડાયાબિટીઝ, બ્લડપ્રેશર કે બૅકપેઇનની સમસ્યા હોય એ માનવામાં ન આવે એવી વાસ્તવિકતા છે એટલું જ નહીં; પેટની સમસ્યા, હાડકાને લગતા પ્રૉબ્લેમ્સ, શ્વસનને લગતા રોગો વહેલા આવી રહ્યા છે એની પાછળનું કારણ શું? નિષ્ણાતોના મતે હેલ્થના મામલે થર્ટી એ ન્યુ સિક્સ્ટી બની રહ્યું છે. સર્વેક્ષણો કહે છે કે આ મિલેનિયલ જનરેશનનો પચાસ ટકા વર્ગ સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન જેવા માનસિક રોગોથી પીડાય છે. સફળતા અને આત્મનિર્ભરતામાં મુઠ્ઠીઊંચેરી આ પેઢી હેલ્થની બાબતમાં ક્યાં ગોથું ખાઈ ગઈ એ પ્રશ્નનો જવાબ મેળવવો અને એને અનુરૂપ બદલાવ લાવવો જરૂરી છે

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનો સર્વે કહે છે કે વિશ્વભરમાં થઈ રહેલાં કુલ મૃત્યુમાંથી ૭૪ ટકા કેસમાં મૃત્યુનું કારણ હૃદયરોગ, સ્ટ્રોક, કૅન્સર, શ્વાસને લગતા રોગો અને ડાયાબિટીઝ છે. યસ, દુનિયામાં થઈ રહેલાં કુલ મૃત્યુમાં પોણા ભાગનાં મૃત્યુમાં સૌથી મોટું કારણ છે NCD એટલે કે નૉન-કમ્યુનિકેબલ ડિસીઝ; એવી બીમારીઓ જેનો ચેપ નથી લાગતો, જે વાઇરસને કારણે નથી ફેલાતી, એવી બીમારીઓ જે મોટા ભાગે અવ્યવસ્થિત જીવનશૈલીને કારણે થાય છે. આજથી બે-અઢી દાયકા પહેલાં ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલ, થાઇરૉઇડ જેવી બીમારીઓ ૬૦ પછી જ આવતી. કોઈક અનુવાંશિક કારણોસર જ યુવાવર્ગ એનો ભોગ બનતો. આજે આ ચિત્ર પલટાઈ રહ્યું છે. યુવાવર્ગમાં વધી રહેલા જીવનશૈલીને લગતા રોગોના આંકડા દંગ કરનારા છે. ડેલોઇટ ઇન્ડિયાએ ૨૦૨૧માં કરેલા એક સર્વે પ્રમાણે ભારતમાં ૪૮ ટકા એટલે કે ઑલમોસ્ટ અડધોઅડધ મિલેનિયલ્સ મેડિકલ હેલ્થ કન્ડિશનને કારણે અત્યંત સ્ટ્રેસ અનુભવે છે અને દુનિયાની તુલનાએ આ પ્રમાણ ભારતીયોમાં ૩૩ ટકા જેટલું વધારે છે. દુનિયાની તુલનામાં આપણે ત્યાં વધુ યુવાવર્ગ સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીનો શિકાર છે.

ડૉ. તેજસ પટેલ, હાર્ટ-સર્જ્યન

આ સારી નિશાની માર્કેટ ઇન્ટેલિજન્સ એજન્સી ‘મિન્ટેલ’એ કરેલા સર્વે મુજબ કોવિડ પછી છેલ્લાં બે વર્ષમાં હેલ્થ માટે યુવાવર્ગ વધુ સભાન થયો છે. લગભગ ૪૩ ટકા મિલેનિયલ્સ હવે હેલ્ધી ફૂડ ઑપ્શન પાછળ ખર્ચ કરતા થયા છે તેમ જ જિમ, રનિંગ અને યોગ માટે પહેરાતાં કપડાં, ઘરે એક્સરસાઇઝમાં મદદ કરે એવાં જિમ ઇક્વિપમેન્ટ વગેરેમાં પણ લગભગ ૪૧ ટકા જેટલું ખર્ચનું પ્રમાણ વધાર્યું છે.

ઑલ ઇઝ નૉટ વેલ

અવારનવાર ભારતીય યુથની હાર્ટ-હેલ્થને લગતા ચેતવણીભર્યા અહેવાલો રજૂ થતા રહ્યા છે. હાર્ટ-અટૅકને કારણે જિમમાં એક્સરસાઇઝ કરતાં, દોડતાં-દોડતાં, ગરબા રમતાં અચાનક યુવાન ઢળી પડ્યો અને ત્યાં જ કેસ ખલાસ થઈ ગયો એવા ન્યુઝ હવે રૂટીન બનતા જાય છે. હિન્દુજા હૉસ્પિટલના એક ડૉક્ટરે કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે હાર્ટ-અટૅકના તેમની પાસે આવતા કુલ પેશન્ટમાંથી ૨૫ ટકા ૪૦ વર્ષની નીચેની ઉંમરના હોય છે. કોવિડ પછી આ પ્રમાણ વધ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. મુંબઈના એક અગ્રણી ડાયગ્નૉસ્ટિક સેન્ટરનો ડેટા કહે છે કે ૩૫થી ૪૫ વર્ષની ઉંમરના લોકો દ્વારા કાર્ડિઍક સ્ક્રીનિંગ પણ વધ્યું છે. બૅન્ગલોર-બેઝ્ડ ડૉક્ટરોએ એક અભ્યાસ કર્યો હતો, જેમાં ફોર્ટિસ હૉસ્પિટલના ડૉ. સુદર્શન જીટીનો રિપોર્ટ કહે છે કે છેલ્લા એક દાયકામાં ૩૦ વર્ષના એજ-ગ્રુપના યુવાનોમાં બાયપાસ સર્જરીનું પ્રમાણ ૩૦ ટકા વધ્યું છે અને દર વર્ષે આ આંકડામાં પાંચ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કોવિડ પછી આ ટ્રેન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે અને એનાં પ્રમુખ કારણોમાં બેઠાડુ જીવનશૈલી, અનહેલ્ધી ઈટિંગ હૅબિટ્સ અને સ્ટ્રેસને ગણાવવામાં આવી રહ્યાં છે. જૉન હૉપકિન્સ મેડિસિનના સર્વે મુજબ પહેલાં હાર્ટ-અટૅક માટે ઍવરેજ ઉંમર ૬૫.૫ વર્ષ પુરુષો માટે અને ૭૨ વર્ષ મહિલાઓ માટે ગણાતી. જોકે એ ઍવરેજ એજ ઓછી થઈ રહી છે. આજે ૩૫થી ૫૪ વર્ષની ઉંમરમાં હાર્ટ-અટૅકનું પ્રમાણ વધ્યું છે. આની પાછળનાં મુખ્ય કારણોમાં હાઈ બ્લડપ્રેશર, હાઈ કૉલેસ્ટરોલ, ડાયાબિટીઝ, ઓબેસિટી, સ્મોકિંગ અને પરિવારમાં હૃદયરોગની હિસ્ટરીને માનવામાં આવે છે. હૃદયરોગમાં સૌથી મોટું કૉન્ટ્રિબ્યુટિંગ ફૅક્ટર છે હાઈ કૉલેસ્ટરોલ. મહિલાઓમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ વધી રહ્યું છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશનનો રિપોર્ટ કહે છે કે હૃદયરોગને કારણે થતાં મૃત્યુમાં કૉલેસ્ટરોલ અને હાઈ બ્લડપ્રેશર મુખ્ય કારણ હોય છે. ૩૦થી ૩૯ વર્ષની ઉંમરના લગભગ ૬૦ ટકા ભારતીયોને કૉલેસ્ટરોલની સમસ્યા છે.

ઘાટકોપરના વિખ્યાત કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ચેતન શાહ આ વિશે કહે છે, ‘એ વાત સાચી છે કે યંગ પેશન્ટ્સ અમારી પાસે પણ વધારે પ્રમાણમાં આવી રહ્યા છે. હૃદયરોગ, બ્લડપ્રેશર કે હાઈ કૉલેસ્ટરોલની સમસ્યા લઈને મોટે ભાગે ૬૦ પ્લસની એજ-ગ્રુપના દરદીઓ આવતા. આજે ૩૦-૪૫ વર્ષની અંદરના જ લગભગ વીસથી ત્રીસ ટકા દરદીઓ હોય છે.’

અહીં એક બીજો મહત્ત્વનો મુદ્દો ઉઠાવતાં વિશ્વવિખ્યાત હાર્ટ-સર્જ્યન પદ‍્મશ્રી અને પદ‍્મભૂષણ ડૉ. તેજસ પટેલ કહે છે, ‘બેશક, યુવાવર્ગની લાઇફસ્ટાઇલ મુદ્દો છે જ જેણે અેના ઓવરઑલ સ્વાસ્થ્યને ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું છે. હાર્ટ-હેલ્થની વાત કરીએ તો હવે પુરુષોની જેમ મહિલાઓમાં પણ હાર્ટની સમસ્યાઓ સામાન્ય બનતી જાય છે. સ્મોકિંગ એની પાછળનું બહુ જ મહત્ત્વનું કારણ છે. બીજું, હવે બૉડી ચેકઅપ સામાન્ય બનતાં જાય છે. યુવાવર્ગ એ રીતે પોતાની હેલ્થને લઈને સભાન છે અને અર્લી ડિટેક્શન થવાને કારણે નાની ઉંમરમાં પણ જો બ્લડપ્રેશર કે કૉલેસ્ટરોલ ડેવલપ થયું હોય તો પકડાઈ રહ્યું છે. મેજર ચેન્જ મારી દૃષ્ટિએ વીસ વર્ષમાં દેખાયો હોય તો એ મહિલાઓ હૃદયરોગમાં પણ હવે પુરુષોના રેશિયોની નજીક છે, જે પહેલાં નહોતું.’

૧૭ પ્રકારનાં કૅન્સર

એ જ રીતે કૅન્સરનું પ્રમાણમાં યુવાવર્ગમાં વધી રહ્યું હોવાનું જાણવા મળે છે. અમેરિકન કૅન્સર સોસાયટી દ્વારા ૨૦૨૪માં જ લૅન્સેટ હેલ્થ જર્નલમાં પ્રકાશિત કરેલો એક રિપોર્ટ કહે છે કે જેન ઝી અને મિલેનિયલ્સ એટલે કે ૧૭થી ૪૪ વર્ષના એજ-ગ્રુપમાં આવતા આ બન્ને કૅટેગરીના લોકોમાં ૧૭ પ્રકારનાં કૅન્સર ડેવલપ થવાની સંભાવના વધારે છે. આ અમેરિકાનો રિપોર્ટ છે, પરંતુ ભારતમાં પણ સ્થિતિ ખાસ ખુશ થવા જેવી નથી. દિલ્હી સ્ટેટ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થયેલો અભ્યાસ કહે છે કે ૫૦ વર્ષથી વધુના વયજૂથના લોકોમાં થનારું કોલોન કૅન્સર હવે ૩૧થી ૪૦ વર્ષના એજ-ગ્રુપમાં શિફ્ટ થઈ રહ્યું છે. નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ ઇન્ફૉર્મેટિક્સ ઍન્ડ રિસર્ચમાં જાણવા મળ્યું કે ૨૦૨૨માં કૅન્સરના નવા ૧૪,૬૧,૪૨૭ કેસ નોંધાયા હતા. એટલે કે ભારતમાં દર લાખમાંથી ૧૦૦ વ્યક્તિને કૅન્સરનો રોગ થઈ રહ્યો છે. આ સંસ્થા દર નવમાંથી એક ભારતીયને પોતાના જીવનકાળ દરમ્યાન કૅન્સર થવાની સંભાવના દર્શાવી ચૂકી છે. ૨૦૨૫માં કૅન્સરના કેસમાં ૧૨.૮ ટકા જેટલો વધારો થવાની સંભાવનાઓ છે. યંગ જનરેશનમાં આવી રહેલા કૅન્સર માટે નિષ્ણાતો ખરાબ જીવનશૈલી, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું સેવન અને સતત વધી રહેલા પ્રદૂષણને મુખ્ય વિલન તરીકે જુએ છે.

ડૉ. વિજય પાણીકર, ડાયબેટોલૉજિસ્ટ

ડાયાબિટીઝ અને મેદસ્વિતા

ઑક્સફર્ડ યુનિવર્સિટીએ કરેલો અભ્યાસ કહે છે કે ૪૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ડાયાબિટીઝનું પ્રમાણ વધી રહ્યું છે. નાની ઉંમરમાં ડાયાબિટીઝને કારણે હૃદયના અને કિડનીના રોગોનું પ્રમાણ વધવાની સાથે જલદી મૃત્યુ થવાની સંભાવનાઓ પણ વધે છે. હેલ્થ-રિસર્ચમાં અગ્રણી ગણાતા લૅન્સેટ જર્નલનો રિપોર્ટ કહે છે કે અત્યારે દુનિયામાં લગભગ ૮૩ કરોડ લોકોને ડાયાબિટીઝ છે. એમાંથી ભારતમાં જ ડાયાબિટીઝના ૨૧.૨ કરોડ દરદીઓ છે. ડાયાબિટીઝ ધરાવતા ૧૪.૮ કરોડ લોકો સાથે ચીનનો નંબર આપણા પછી આવે.  આ આંકડો સતત વધી રહ્યો છે. 

ડૉ. ચેતન શાહ, કાર્ડિયોલૉજિસ્ટ

બીજી બાજુ સ્થૂળતાને પણ હવે ગંભીર સમસ્યાની જેમ જોવાનો સમય આવી ગયો છે. દેખાવ માટે જ નહીં પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ મેદસ્વિતા ભીર રોગોનું ઘર મનાય છે. કમનસીબી એ છે કે દુનિયામાં ચાઇલ્ડહુડ ઓબેસિટી પણ જ્વલંત પ્રશ્ન બન્યો છે. ત્રીસીમાં રહેલા લગભગ ૫૦ ટકા ભારતીયોનું વજન વધારે છે અથવા તો તેઓ મેદસ્વિતાની કૅટેગરીમાં આવે છે. ઑનલાઇન કન્સલ્ટેશન પ્લૅટફૉર્મ પ્રૅક્ટોએ ૨૦૨૪માં કરેલો સર્વે કહે છે કે તેમના પ્લૅટફૉર્મ પરથી ડાયાબિટીઝ કન્સલ્ટેશન માટે લેવામાં આવેલી બાવન ટકા અપૉઇન્ટમેન્ટ ૨૫થી ૩૪ વર્ષના યુવાનોએ લીધી હતી.

અનિયમિત લાઇફસ્ટાઇલ, ઊંઘ ઓછી, કૉફી, આલ્કોહોલ કે સિગારેટના અતિ ઉપયોગે તેમની ડાઇજેસ્ટિવ હેલ્થને સર્વાધિક અસર કરી છે. પેટમાં દુખાવો, કૉન્સ્ટિપેશન જેવા પ્રૉબ્લેમ્સ આજથી પંદર વર્ષ પહેલાં થર્ટીઝમાં નહોતા જેટલા આજે જોવા મળે છે.  - ડૉ. હેમલ ભગત, જનરલ સર્જ્યન

આ આંકડા જેટલા ડરાવનારા છે એટલી જ ગંભીરતા સાથે ૪૫ વર્ષથી ડાયબેટોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતા લીલાવતી હૉસ્પિટલ સાથે સંકળાયેલા અને પ્રોફેસર રહી ચૂકેલા રિસર્ચર તેમ જ ચિકિત્સક ડૉ. વિજય પાણીકર કહે છે, ‘૨૫થી ૪૫ વર્ષની ઉંમરના મૅક્સિમમ પેશન્ટ અત્યારે હું જોઉં છું. ૬૦ વર્ષે આવતી આ બીમારીના હવે માંડ બે-પાંચ ટકા પેશન્ટ આવતા હશે. સૌથી વધારે ૨૫-૪૫ વચ્ચેના દરદીઓ છે. આજે ખાણીપીણી અને રહેણીકરણી બદલાઈ છે. હું મારા કૉલેજના દિવસો યાદ કરું તો અમે બહાર ખાવાનું વિચારી પણ નહોતા શકતા. ઘરે ખાતા અને બહાર રમવા જતા. આજે બાળકો ઘરે પણ જન્ક ફૂડ ખાય છે. તેમને સાદું ભોજન ભાવતું જ નથી અને આખો દિવસ ફોન પર હોય છે. ચાઇલ્ડહુડ ઓબેસિટી એક ગંભીર સમસ્યા છે. અર્લી ડાયાબિટીઝ પણ એનું જ પરિણામ છે. જોકે ડાયાબિટીઝ થવો એ સમસ્યા નથી, પરંતુ ડાયાબિટીઝ થયા પછી આ એજ-ગ્રુપના લોકો દવા લેવામાં પણ ખૂબ છૂટછાટ લેતા હોય છે. તેમનાં મા-બાપ પણ ડહાપણ કરતાં હોય કે તો શું હવે તેણે આખી જિંદગી દવા લેવાની? તેમને એ કાયમ એક નાનકડી ટીકડી લઈને ડાયાબિટીઝને સારી રીતે મૅનેજ કરી શકાય એ વાત જચતી નથી અને ઠેર-ઠેર ડાયાબિટીઝ રિવર્સ કરી આપવાનો પોકળ દાવો કરનારા લોકો તેમને ચૂનો લગાવી જાય છે. લાખો રૂપિયા ખર્ચીને થોડાક દિવસ અમુક ડાયટ ફૉલો કરે અને પછી ફરી ૪૦૦ ડાયાબિટીઝ સાથે મારી પાસે આવે. આવું કરનારાઓની લગભગ દસથી બાર વર્ષ લાઇફ ઓછી થઈ જાય છે. આજે એવો પણ એક ભ્રમ ફેલાવાયો છે કે ડાયાબિટીઝની દવાથી કિડની ખરાબ થાય, પણ એ ખોટું છે. આજે એવી દવાઓ ઉપ્લબ્ધ છે જે ડાયાબિટીઝ સાથે તમારાં કિડની, લિવર અને હાર્ટને પણ સપોર્ટ કરનારી હોય. યંગ એજમાં ડાયાબિટીઝ ન આવે એવું ઇચ્છતા હો તો લાઇફસ્ટાઇલ સરખી રાખો અને એ પછી પણ જો આવી જ ગયો હોય તો નિયમિત દવા લો, સમય પર જમો અને સમયાંતરે રિપોર્ટ કરાવતા રહો. જો તમે ડાયાબિટીઝ આવ્યા પછી પણ જીવનશૈલી સુધારી કાઢો તો તમારો દવાનો ડોઝ ઓછો થઈ જ શકતો હોય છે, પણ વગર વિચાર્યે મનફાવે ત્યારે દવા બંધ કરીને નુકસાન જ વેઠવાનો વારો આવે છે.’

ડૉ. આગમ વોરા, ચેસ્ટ ફિઝિશ્યન

પેટની સમસ્યાઓ વધી

એક તરફ પાચન નબળ્યું પડ્યું હોય ત્યારે ઘટી રહેલી ઍક્ટિવિટી વચ્ચે જન્ક ફૂડનો પેટમાં મારો થાય તો પેટની સમસ્યા તો વકરવાની જ. અંધેરીમાં જનરલ સર્જ્યન તરીકે પ્રૅક્ટિસ કરતાં ડૉ. હેમલ ભગત કહે છે, ‘ફિશર, હર્નિયા અને ઍપેન્ડિક્સ આજે ખૂબ વધારે સામાન્ય બન્યાં છે યંગસ્ટર્સમાં. ખાવાપીવાનાં કોઈ ઠેકાણાં ન હોય. ખૂબ અનિયમિત લાઇફસ્ટાઇલ હોય, ઊંઘ ઓછી લેતા હોય અને કૉફી, આલ્કોહોલ કે સિગારેટ જેવાં સબસ્ટન્સનો ઉપયોગ કરતા હોય એ તેમની ડાઇજેસ્ટિવ હેલ્થને સર્વાધિક અસર કરનારી બાબત છે. પેટમાં દુખાવો, કૉન્સ્ટિપેશન, ગુદાદ્વારમાં દુખાવો જેવા પ્રૉબ્લેમ્સ આજથી દસ-પંદર વર્ષ પહેલાં થર્ટીઝના એજ-ગ્રુપમાં સામાન્ય નહોતા જેટલા આજે જોવા મળે છે. બીજું, આ પ્રકારના કેસમાં એવું પણ બને કે યંગસ્ટર જાતે ઘણું રિસર્ચ કરીને આવતો હોય. સહેજ જો ગુદાદ્વારમાંથી લોહી પડે તો તેમને એ કૅન્સર જ લાગે. એટલા ડરી જાય કે તમે તેમને લાખ સમજાવો તોય તમારી વાત ન સમજે. પેશન્ટ તરીકે આ ઉંમરના લોકોને હૅન્ડલ કરવા એટલે ખરેખર માથાનો દુખાવો હોય છે. આ ઉંમરના લોકોએ મેદસ્વિતાને કન્ટ્રોલ કરવી ખૂબ જરૂરી છે. સ્ટ્રેસ વધ્યું છે એથી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રૉમ પણ એક કૉમન સમસ્યા આજના યુથમાં જોવા મળી રહી છે.’

૩૦ વર્ષે ૬૦ વર્ષ જેવી હાલત

એક બાજુ એન્વાયર્નમેન્ટ બગડ્યું છે. હવામાં જ પ્રદૂષણ વધારે છે અને બીજી બાજુ યુથની પોતાની લાઇફસ્ટાઇલ પણ સતત કથળતી જાય છે. અનેક ઇન્ટરનૅશનલ ચેસ્ટ ફિઝિશ્યન સંસ્થાના સભ્ય મુંબઈના જાણીતા પલ્મનોલૉજિસ્ટ ડૉ. આગમ વોરા કહે છે, ‘શરીરમાં રોગ આવે અને પર્મનન્ટ ઠેકાણું બનાવે એમાં ઘણા ફૅક્ટર કામ કરતાં હોય છે. એમાં સૌથી મહત્ત્વનું ફૅક્ટર હોય છે હોસ્ટ પોતે. એટલે કે તમે જો અંદરથી સ્ટ્રૉન્ગ છો, તમારી ઇમ્યુનિટી સારી છે તો બીમારી તમને જલદી નહીં વળગે. આજની પેઢીને લંગ્સ-ઇન્ફેક્શન બહુ ઝડપથી લાગી રહ્યું છે. માન્યું કે પૉલ્યુશન વધ્યું છે, પણ સાથે વ્યક્તિની પોતાની ટૉલરન્સ ક્ષમતા પણ ઘટી છે એ ભૂલી ન શકાય. આજે ૩૦ વર્ષના યુવાનની લંગ્સની બાબતમાં સ્થિતિ ૬૦ વર્ષના વડીલ જેવી થતી જાય છે. મારા OPDમાં ૫૦ ટકા કરતાં વધારે યંગ પેશન્ટ્સ હોય છે અત્યારે. અફકોર્સ, આજના યંગસ્ટર્સમાં અવેરનેસ પણ વધી છે એટલે જરાક તકલીફ પડેને તેઓ સ્પેશ્યલિસ્ટ પાસે પહોંચે છે. એમાંય કોવિડ પછી આ સંખ્યા અકલ્પનીય રીતે વધી છે.’

કરોડરજ્જુ નબળી પડી

૩૦ વર્ષથી સ્પાઇન એક્સપર્ટ તરીકે પ્રૅક્ટિસ કરતા ડૉ. કેતન બદાણી છેલ્લાં ૧૫ વર્ષમાં બૅક અને નેકપેઇનના જેટલા દરદીઓ જોઈ રહ્યા છે એટલા તેમણે ક્યારેય નથી જોયા. ત્રીસ-બત્રીસ વર્ષની ઉંમરે ખુરસી પર બેસાતું નથી એવો કમરનો દુખાવો લઈને યુવાન આવે ત્યારે પહેલાં આશ્ચર્ય થતું, આજે એ નૉર્મલ લાગે છે. કમ્પ્યુટર અને ફોનને કારણે કલાકો સુધી બેઠા રહેવાની આદતે સ્પાઇનને ઉંમર કરતાં વહેલી ઘરડી કરવાનું કામ કર્યું છે. અમુક પ્રકારની રિપીટેટિવ મૂવમેન્ટને કારણે હાથ, આંગળાં, કાંડામાં દુખાવો બહુ જોવા મળે છે. એક તો લાંબા કલાકો સુધી બેસવું અને બીજું, ખોટા પૉશ્ચરમાં બેસવું. કમર વળેલી હોય, કમ્પ્યુટર જે હાઇટ પર જોઈએ એ હાઇટ ન હોય અને સાથે ખાવાપીવામાં ખાસ કોઈ પોષણયુક્ત ખવાતું ન હોય એ બધાં જ ફૅક્ટરની શરીર પર અસર પડતી હોય છે. લેટ ટ્વેન્ટીઝમાં હાડકાંની સ્ટ્રેન્ગ્થ ઘટી જાય. એમાં જો તમે વધુ કૅરલેસ થઈને જીવતા હો તો એમાં ડીજનરેશન પણ વહેલું થવા માંડે જેનાથી સંતુલનમાં સમસ્યા આવે. કૅલ્શિયમની કમી હોય તો બટકણાં થવા માંડે. આજના યંગસ્ટર્સમાં ત્રીસ-પાંત્રીસ વર્ષે આ સમસ્યાઓ દેખાય છે. આ નૉર્મલ નથી, કારણ કે એનું પ્રમાણ વધી રહ્યું છે. લોકોએ પોતાની લાઇફસ્ટાઇલ સુધારવાની ખૂબ જરૂર છે.’

૩૨ વર્ષે ડાયાબિટીઝ આવ્યું ત્યારનો હું અને આજનો હું

પારસ શાહ

ડાયાબિટીઝ આવ્યાનાં આઠ વર્ષ પછી અત્યારે ઘાટકોપરમાં રહેતા વેપારી પારસ શાહની લાઇફસ્ટાઇલ જુઓ તો તમે કલ્પી જ ન શકો કે તેમને ડાયાબિટીઝ આવી ગયો. બેશક, પારસભાઈને પોતાને પારાવાર અફસોસ છે કે જેવી રીતે તેઓ અત્યારે જીવી રહ્યા છે અને ડાયાબિટીઝની મિનિમમ ડોઝની દવા લઈ રહ્યા છે એવી રીતે જો પહેલાં જ જીવતા હોત તો ડાયાબિટીઝ આવ્યો જ ન હોત અને તેમણે એકેય જાતની દવા લેવાની જરૂર પણ ન પડતી હોત. ખાવાના અતિશય શોખીન પારસભાઈ પોતાનામાં આવેલા તમામ બદલાવોનું શ્રેય વાઇફ અમિતાને આપે છે અને કહે છે, ‘મારી મમ્મીને મારા પછી ડાયાબિટીઝ આવ્યો. અમારા ઘરમાં એવું કંઈ હેરેડેટરી નહોતું. બસ, મારી જ લાઇફસ્ટાઇલ એવી હતી. ખાવાપીવાનાં કે સૂવાનાં કોઈ ટાઇમટેબલ નહીં. ઘાટકોપરની એકેય હોટેલ બાકી નહીં હોય કે એવો એકેય ઠેલો નહીં હોય જ્યાં મારી ઓળખાણ ન હોય, જ્યાં મેં ખાધું ન હોય. તમે માનશો નહીં, પણ કેટલાક તો પોતાની નવી રેસિપીઝની પહેલી ટ્રાયલ પણ મને આપતા. ઍક્ટિવિટી કોઈ નહીં અને જે આવે એ ખાતા રહેવાનું એ જ રૂટીન. ખૂબ આળસ આવતી, ઊંઘ આવતી, એનર્જી નહોતી એ જોઈને ડૉક્ટરે ફુલ બૉડી ચેકઅપ કરાવવા કહ્યું અને એમાં ડાયાબિટીઝ પકડાયો. તમે માનશો નહીં, પણ ડાયાબિટીઝનો હાઈ ડોઝ લેતો અને છતાં ખાવાપીવામાં કોઈ બદલાવ નહીં કરવાને કારણે શુગર-લેવલ અનકન્ટ્રોલ્ડ જ હતું. એ દરમ્યાન લગ્ન થયાં અને વાઇફ અમિતાએ મને ડાયટિશ્યન પાસે જવા માટે મોટિવેટ કર્યો. ડાયટ-ચાર્ટ પ્રમાણે મારી ડાયટ શરૂ કરી. શરૂઆતમાં ક્રેવિંગ પણ થાય, પણ ધીમે-ધીમે કન્ટ્રોલ આવી ગયો. પછી તો ચાલવાનું શરૂ કર્યું. સવારે યોગ, જિમ શરૂ કર્યાં. પહેલાં પણ હું ક્રિકેટ રમતો પણ જલદી થાકી જતો. આજે ક્રિકેટમાં ગજબનાક એનર્જી હોય છે. ઘઉંનો લોટ છેલ્લાં અઢી વર્ષમાં ટચ નથી કર્યો. બહાર જમવા જઈએ તો પણ સિલેક્ટિવ વસ્તુઓ જ ખાઈએ. પહેલાં સવારે તળેલા નાસ્તા ખાતો એ પણ અઢી વર્ષમાં સંપૂર્ણ બંધ કરી દીધા. હવે મગ, મલ્ટિગ્રેન પૌંઆ, સેવૈંયા, ઉપમા જેવો ગરમ નાસ્તો જ ખાઉં છું. મારો ડાયાબિટીઝની દવાનો ડોઝ ઘટી ગયો. પહેલાં કરતાં વધુ તાજગી લાગે છે. મને અફસોસ છે કે આ બધું મેં પહેલાં કેમ ન કર્યું? તો કદાચ ડાયાબિટીઝ આવત જ નહીં. હું મારા જેવા યુવાનોને ખાસ કહીશ કે પ્લીઝ, આ નિયમ ફૉલો કરો.’

૩૦ પછી શરીરમાં આવતા કુદરતી બદલાવો

આહારમાં જન્ક ફૂડનો અતિરેક, અનિયમિત જીવનશૈલી, આલ્કોહોલ અને સ્મોકિંગ જેવાં વ્યવસનો, બેઠાડુ જીવન વગેરેને કારણે જે મોટી બીમારી આવે છે એની તીવ્રતા વધારે હોય છે; કારણ કે ઉંમરના આ તબક્કે શરીર પણ ધીમે-ધીમે બદલાવ તરફ ગતિ કરી રહ્યું હોય છે. જેમ કે ૩૦ વર્ષની ઉંમરથી પાચનક્ષમતામાં ઘટાડો થવાનું શરૂ થતું હોય છે. એમાં જો તમે તમારી ડાયટ ન સુધારો કે કસરત દ્વારા ખાધેલા આહારને કૅલરી બર્ન સાથે ન જોડો તો ચરબીનો ભરાવો શરૂ થાય છે.

૩૦ વર્ષની વય ક્રૉસ કર્યા પછી મસલ-લૉસની પ્રોસેસ પણ ધીમી ગતિએ શરૂ થાય છે, જેથી ધીમે-ધીમે સ્ટ્રેન્ગ્થ અને સ્ટૅમિના ઘટવાનાં પણ શરૂ થાય છે. જોકે એને પણ જો તમે નિયમિત કસરત કરો તો મૅનેજ કરી શકાય. ખાસ કરીને મહિલાઓમાં ૩૦ પછી હાડકાંની ઘનતા ઘટવાનું શરૂ થાય અને જો પૂરતાં પોષકતત્ત્વ યુક્ત આહાર ન લેવાતો હોય તો ઑસ્ટિયોપોરોસિસ જેવી હાડકાંની સમસ્યાઓ વધી શકે છે. ૩૦ પછી સ્કિનમાં રહેલા કૉલેજન નામના પ્રોટીનનું પ્રોડક્શન વર્ષે એક ટકા જેટલું ઘટવા માંડે છે, જેથી સ્કિનની લવચીકતા, ચામડી પર કરચલી વગેરેની પણ શરૂઆત થાય છે. ૩૦ પછી તમારા હૃદયની ધમનીઓમાં ધીમી ગતિએ જકડન આવવાની શરૂઆત થાય છે, જેથી હાર્ટે બ્લડ પમ્પ કરવા માટે વધારે મહેનત કરવી પડતી હોય છે. હૃદયની ક્ષમતા ઘટવા માંડે છે, જે હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગની સંભાવના વધારે છે. મહિલાઓમાં ૩૦ વર્ષ પછી ફર્ટિલિટીનું પ્રમાણ ઘટવા માંડે છે. આજકાલ પ્રીમેનોપૉઝનાં લક્ષણો પણ લેટ થર્ટીઝમાં દેખાવાં શરૂ થઈ ગયાં છે. પુરુષોમાં પણ સ્પર્મકાઉન્ટ ઘટવાથી લઈને એનર્જી-લેવલ ઘટવા સુધીનાં લક્ષણોની શરૂઆત થઈ જાય છે. ૩૦ પછી પણ મેમરી શાર્પ જ હોય અને નવું શીખવાની ક્ષમતા પણ અકબંધ રહે. બેશક, માઇન્ડને ટ્રેઇન કરવા માટે થોડાક વધુ પ્રયાસો કરવા પડે. ઇમ્યુનિટી ધીમી પડવા માંડે. કોઈ પણ બીમારીમાંથી રિકવર થવા માટે વધુ સમય જાય. 

ત્રીસ-બત્રીસ વર્ષની ઉંમરે ખુરસી પર બેસાતું નથી એવો કમરનો દુખાવો લઈને યુવાન આવે ત્યારે પહેલાં આશ્ચર્ય થતું, આજે એ નૉર્મલ લાગે છે. કમ્પ્યુટર અને ફોનને કારણે કલાકો સુધી બેઠા રહેવાની આદતે સ્પાઇનને ઉંમર કરતાં વહેલી ઘરડી કરવાનું કામ કર્યું છે. - ડૉ. કેતન બદાણી, સ્પાઇન એક્સપર્ટ

બદલાવાનું ક્યાં છે?

બેઠાડુ જીવનશૈલી એ આજની કમ્પ્યુટર, ફોન અને કૉર્પોરેટ કલ્ચરની સૌથી મોટી દેન છે. ધારો કે તમે ઑફિસમાં એકધારું બેસવાનું કામ કરો છો તો એમાંથી બ્રેક લો. દર કલાકે જગ્યા પરથી ઊભા થાઓ અને થોડુંક વૉક કરી લો. ખુરસી પર બેઠાં-બેઠાં પણ થોડુંક સ્ટ્રેચિંગ કરીને કરોડરજ્જુને રીચાર્જ કરી દો. ફોનમાં વાત કરવાની હોય ત્યારે ચાલવાનો નિયમ બનાવો. દિવસ દરમ્યાન થોડીક વાર ઍર-કન્ડિશન્ડ વાતાવરણમાંથી બહાર નીકળીને ખુલ્લી હવામાં બહાર નીકળો.

જન્ક ફૂડનો અતિરેક અને અનિયમિત આહારશૈલી પણ મેદસ્વિતા, કૉલેસ્ટરોલ, ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર, પેટની સમસ્યાઓ અને કૅન્સર જેવી બીમારીઓને નોતરનારાં છે. સમયના અભાવ વચ્ચે જ્યારે બહારના ફૂડ પર જ નિર્ભરતા વધી રહી હોય ત્યારે પ્રયાસપૂર્વક એક ટંક ઘરનો સાદો અને સાત્ત્વિક આહાર લો. બહાર ખાવું જ પડે તો હેલ્ધી પર્યાય પસંદ કરો. ચા, કૉફી, સિગારેટ બંધ કરો અને જો એ શક્ય ન હોય તો એનું પ્રમાણ સભાનતા સાથે ઘટાડતા જાઓ. તમારી ડાયટમાં દરેક મહત્ત્વના પોષક તત્ત્વને સમાવવાના પ્રયાસ કરો. ફાઇબર, હેલ્ધી કાર્બ્સ, પ્રોટીન, મિનરલ્સ તમારી ડે-ટુ-ડે ડાયટમાં સ્થાન પામ્યાં છે કે નહીં એની નોંધ રાખી શકે એટલી સ્માર્ટ આ જનરેશન છે.

 મોડી રાત સુધી સોશ્યલ મીડિયા પર કે કામને કારણે પણ ફોનમાં રહેવાનું બંધ કરો. તમારી ઊંઘ તમારી હેલ્થ માટે સૌથી વધારે મહત્ત્વની છે એ વાત જાણો જ છો પણ હવે એને અનુરૂપ બદલાવ લાવો અને ઊંઘને લગતા કડક નિયમ બનાવીને એનું પાલન કરો.

 ફિઝિકલ ઍક્ટિવિટી વધારવી મહત્ત્વની છે. દરરોજ એક કલાક યોગ, પ્રાણાયામ, રનિંગ, વૉકિંગ, વેઇટ-ટ્રેઇનિંગ, સ્પોર્ટ‍્સ જેવા કોઈ પણ માધ્યમથી શરીરને સક્રિય રાખો. એક કલાક ફિઝિકલ હેલ્થ માટે મહત્ત્વનો જ છે.

બહાર પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે ઇન્ડોર પૉલ્યુશન પ્રત્યે પણ સતર્ક થાઓ. ઘરમાં કુકિંગના ધુમાડાને કારણે, ફિનાઇલ, અગરબત્તી, પરફ્યુમ, સાબુ, શૅમ્પૂ જેવી આર્ટિફિશ્યલ ફ્રૅગ્રન્સને કારણે ફેફસાંને નુકસાન કરતા પાર્ટિકલ્સ વધી ન જાય એનું ધ્યાન રાખો.

 મેન્ટલ હેલ્થ મહત્ત્વની છે. કામનો બોજ, ઑફિસમાં ટૉક્સિક વર્ક-કલ્ચરનું સ્ટ્રેસ, પારિવારિક જવાબદારીઓને પહોંચવાનું સ્ટ્રેસ, બહુબધાં ડિસ્ટ્રૅક્શન વચ્ચે ડેડલાઇન મુજબ કામને પહોંચી વળવાનું સ્ટ્રેસ આવતું રહેવાનું. આ સ્ટ્રેસને હૅન્ડલ કરવાની ક્ષમતા અને આવડત કેળવવી પડશે. આ સ્ટ્રેસ તમારા પર હાવી ન થાય એ માટે અધ્યાત્મ સાથે સંકળાયેલી વિચારધારા અને મનને શાંત કરવાની વિવિધ ધ્યાનની પદ્ધતિઓ શીખી લો. સંગીત, ડાન્સ, પેઇન્ટિંગ જેવી કોઈ પણ હૉબીને જીવનમાં સ્થાન આપીને ગમતી પ્રવૃત્તિઓ થકી પણ માઇન્ડને રિલૅક્સ કરી જ શકાય. આ આદર્શની વાતો નથી, અનિવાર્ય વાતો છે. આમ કરવું ન જોઈએ, આમ જ કરવું જોઈએ એ રીતે માઇન્ડને ડેવલપ કરો.

૨૭ વર્ષની ઉંમરે GBS વાઇરસનો ભોગ બની પછી બહુબધા બદલાવ જીવનમાં લાવી છું

હેતલ સંઘવી

૨૭ વર્ષે GBS વાઇરસનો અટૅક થયા પછી બોરીવલીમાં રહેતી હેતલ સંઘવીના જીવનમાં જબરો બદલાવ આવી ગયો. એ સમયે કોરિયોગ્રાફર તરીકે કામ કરતી અને ખૂબ જ અનિયમિત જીવનશૈલી જીવતી હેતલ પોતાને મળેલા સેકન્ડ ચાન્સમાં હેલ્થનું બરાબર ધ્યાન રાખતાં શીખી ગઈ છે. અત્યારે ૩૬ વર્ષની હેતલ કહે છે, ‘જે GBS વાઇરસે અત્યારે દેકારો બોલાવ્યો અને હમણાં જેની આટલી ચર્ચા થઈ રહી છે એનો ભોગ હું આજથી આઠ-દસ વર્ષ પહેલાં બની હતી. હું કોરિયોગ્રાફર હતી એટલે દિવસના દસ-બાર કલાક ટ્રેઇનિંગમાં જાય. ઊભા રહીને લોકોને શીખવવાનું હોય. જબરી એનર્જી પણ વપરાય પરંતુ સામે પક્ષે ખાવાનાં કોઈ ઠેકાણાં નહીં. બહાર હોઉં એટલે વડાપાંઉથી જ પેટ ભરી લીધું હોય તો ક્યારેક આખો દિવસ ચા-કૉફી પર કામ ચાલ્યું હોય. અચાનક હેલ્થ બગડી. શરીરમાં નબળાઈ આવી. શરીર ગળવા માંડ્યું અને પગ પાતળા થઈ ગયા અને જરાય શક્તિ નહીં કે બે પગ પર ઊભા પણ રહી શકાય. GBS વાઇરસ છે એવું ડિટેક્ટ થઈ ગયા પછી ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ, પણ સાથે ડૉક્ટરોએ એ પણ કહી દીધું કે પહેલાં જેટલું એક્ઝર્શન નહીં કરી શકો. મારી ઉંમરમાં આ રોગ આવવો એ રૅરેસ્ટ ઑફ રૅર કેસ હતો. નિયમિત કસરત અને ફિઝિયોથેરપીથી પગમાં જાન આવી અને પગ પર ઊભી થઈ, પણ એ દરમ્યાન મને ઇમ્યુનિટીનું મહત્ત્વ પણ સમજાયું અને હેલ્થ એક વાર હાથમાંથી નીકળી ગયા પછી શું અવસ્થા થાય એની પણ ખબર પડી. આજે પણ હેલ્ધી ફૂડની સાથે નિયમિત એક્સરસાઇઝ વગેરે કરું છું. ભાગ્યે જ મહિનામાં એક વાર બહાર ખાવાનું બને તો એમાં પણ હું ઓછામાં ઓછું નુકસાનકારક હોય એવું મેનુ પસંદ કરું. દર છ મહિને મારે ચેકઅપ કરાવવું પડે છે. આજે પણ પહેલાં જેવી એનર્જી સાથે કામ નથી કરી શકતી. પહેલાં દૂધ, પ્રોટીન જેવી વસ્તુ મારી ડાયટમાં જ નહોતી. એ GBSનો સમય મારા જીવનનો સૌથી વધુ કપરો અને ડિપ્રેશનથી ભરેલો હતો. મારી આ અવસ્થા પછી મને મળનારા લોકોને હું હાથ જોડીને કહેતી હોઉં છું કે બહારનું ન ખાઓ, હેલ્થનું ધ્યાન રાખો. મારા દીકરા અને હસબન્ડને બહારનું ખાવાનું મહિનામાં એક કરતાં વધુ વાર અલાઉડ જ નથી. ઘરમાં એવો નિયમ જ બનાવી દીધો છે. બહાર ફરવા જઈએ ત્યારે પણ ઘરનો આહાર પ્રિફર કરું છું. મેંદાને બદલે અન્ય લોટ વાપરીએ. બટર ચીઝને બદલે પનીર કે ઘી વાપરીએ. તળેલા નાસ્તા બંધ કરી દીધા. ઘણા બદલાવો લાવ્યા છીએ.’

health tips healthy living world health organization columnists ruchita shah life and style gujaratis of mumbai gujarati community news