ન્યુરોલૉજિકલ રોગો અને મગજની સાઇઝને કોઈ લેવાદેવા હોય ખરી?

22 January, 2026 01:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જવાબ છે હા. એક લેટેસ્ટ રિસર્ચ કહે છે કે મગજના વિકાસને અને માથાની સાઇઝને ડાયરેક્ટ સંબંધ છે અને તમારા માથાની સાઇઝનો પ્રભાવ ડિમેન્શિયા જેવી બીમારીનું કારણ હોઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં થયેલું એક રિસર્ચ કહે છે કે વ્યક્તિના માથાનું કદ અને મગજના વિકાસની માત્રા ચોક્કસ ન્યુરોલૉજિકલ ડિસીઝના જોખમને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. આ સંશોધનો ‘બ્રેઇન રિઝર્વ’ના સિદ્ધાંત પર આધારિત છે. આ સિદ્ધાંતનું આપણા જીવનમાં શું કામ એ સમજીએ.

ઑસ્ટ્રેલિયાના કેટલાક રિસર્ચરોએ શોધી કાઢ્યું છે કે ચિત્તભ્રંશ એટલે કે ડિમેન્શિયા અને માથાના કદ વચ્ચે કનેક્શન છે. જે વ્યક્તિનું માથું બાળપણ અને યુવાની દરમિયાન વધુ સારી રીતે વિકસિત થાય છે અને પ્રમાણમાં મોટું હોય છે. એ વધુ મગજનું અનામત ભંડોળ એટલે કે બ્રેઇન રિઝર્વ વધુ પ્રમાણમાં ધરાવે છે. અહીં ‘મગજનું અનામત ભંડોળ’ એટલે મગજની રચના અને કાર્યક્ષમતાની એવી ક્ષમતા જે મગજના કોષોને થતા નુકસાન અને રોગથી થતી અસરોને સહન કરી શકે છે. અભ્યાસો દર્શાવે છે કે માથાનો મોટો પરિઘ ધરાવતા લોકોમાં ઑલ્ઝાઇર્સ રોગ અને અન્ય પ્રકારના ચિત્તભ્રંશનાં લક્ષણો મોડેથી દેખાય છે અથવા એની અસર ઓછી જોવા મળે છે. જો મગજ મોટું હોય તો એમાં વધુ ન્યુરૉન્સ અને એમની વચ્ચેનું જોડાણ પણ વધુ હોવાની શક્યતા છે. જ્યારે ઑલ્ઝાઇમર્સ રોગ જેવી સ્થિતિમાં મગજના કોષો મૃત્યુ પામે છે ત્યારે મોટું મગજ ધરાવતી વ્યક્તિ નુકસાનની અસરને સારી રીતે સંતુલિત કરી શકે છે, કારણ કે તેમની પાસે વધુ ‘વધારાના’ અથવા ‘અનામત’ કોષો હોય છે. એથી રોગ હોવા છતાં બ્રેઇનની સક્રિયતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ સહિત ઘણાં સંશોધનોએ પુષ્ટિ કરી છે કે નાનું માથું અથવા નાની ક્રેનિયલ ક્ષમતા એટલે કે ખોપરીમાં મગજ માટેની ઓછી જગ્યા ધરાવતા લોકોના બ્રેઇન ટિશ્યુઝને જલદી ડૅમેજ થવાનું અને એને કારણે બ્રેઇનની સક્રિયતા ડિસ્ટર્બ થવાનું જોખમ અને ચિત્તભ્રંશ થવાની સંભાવના વધુ હોય છે.

જોકે એની સાથે નિષ્ણાતો ભારપૂર્વક એ પણ જણાવે છે કે માથાનું કદ ન્યુરોલૉજિકલ બીમારીના જોખમ માટેનું માત્ર એક પરિબળ છે. જીવનશૈલીનાં પરિબળો જેમ કે આહાર કસરત, સામાજિક સક્રિયતા અને મગજની સક્રિયતા, રોગપ્રતિકારક શક્તિ અને મગજના સ્વાસ્થ્યને જાળવવામાં વધુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

mental health health tips life and style lifestyle news columnists