23 December, 2025 01:11 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
આજકાલ સોશ્યલ મીડિયા પર બ્રેડમાં રહેલાં કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ્સ કઈ રીતે આપણા શરીરને બીમારી તરફ ધકેલી રહ્યાં છે એ ચર્ચાઈ રહ્યું છે. હેલ્થ-કોચ મિકી મહેતાએ તો બ્રેડને ગટ માટે ગટર કહી દીધી. ભારત સિવાયના દેશોમાં બ્રેડ લોકોની ડેઇલી ફૂડ-હૅબિટનો મહત્ત્વનો હિસ્સો છે અને આપણે ત્યાં પણ ઘણા લોકો બ્રેડનું નિયમિત સેવન કરી રહ્યા છે ત્યારે ખરેખર બ્રેડનાં જોખમો વિશે થઈ રહેલી ચર્ચામાં સાચું શું અને ખોટું શું એ જાણીએ...
એક સમયનું સ્ટેટસ-સિમ્બૉલ ગણાતી અને બહુ જ સહજતાથી લોકોની જીવનશૈલીમાં વણાઈ ગયેલી, અવેલેબિલિટીમાં સરળ અને સ્વાદમાં સરસ બ્રેડ હેલ્થની દૃષ્ટિએ અત્યારે સકંજામાં છે. બ્રેડ નહીં ખાવાનું કહેનારાઓની સંખ્યા સતત વધી રહી છે અને બ્રેડ ખાવાથી થઈ શકનારી સ્વાસ્થ્ય- હાનિ પણ પ્રકાશમાં આવી રહી છે. આજના સમયની ઝડપી લાઇફસ્ટાઇલમાં સમયની બચત સાથે ફટાફટ પેટ ભરવામાં અને સ્વાદિષ્ટ વાનગીઓમાં સરળતા પ્રદાન કરનારી બ્રેડ પર તાજેતરમાં અગ્રણી વેલનેસ કોચ મિકી મહેતાએ સોશ્યલ મીડિયા પર મૂકેલી પોસ્ટ ખાસ્સી વાઇરલ થઈ છે. બ્રેડ ગટને એટલે કે આંતરડાંને ગટર બનાવવાની ક્ષમતા ધરાવે છે એવું લખીને મિકી મહેતાએ પોતાના જ ઘરમાં બનેલી એક ઘટના શૅર કરી હતી. બ્રેડ વ્યક્તિને માત્ર અપચો, કબજિયાત કે મેંદાના સેવનને કારણે મેદસ્વિતા જ નથી આપતી પરંતુ ‘ઑટો બ્રુઅરી સિન્ડ્રૉમ’ નામની રૅર કહી શકાય એવી બીમારી પણ આપી શકે છે. દરરોજ બ્રેકફાસ્ટમાં બ્રેડ-બટર ખાતા અથવા સાંજના સમયે લાગતી થોડીક ભૂખને ખાળવા સૅન્ડવિચનો સહારો લેતા કે નિયમિતપણે બ્રેડનો ઉપયોગ કરતા લોકોને ચેતવતાં મિકી મહેતા કહે છે, ‘રીસન્ટ્લી મારી દીકરીને માથું ફરવું, ચક્કર આવવાં જેવી લાગણી થઈ રહી હતી. લગભગ ત્રણ દિવસથી આ પ્રકારનાં લક્ષણો દેખાતાં અમે તેને જસલોક હૉસ્પિટલમાં લઈ ગયા. ત્યાં તપાસ કરતાં ડૉક્ટરોએ કહ્યું કે તેને ઑટો બ્રુઅરી સિન્ડ્રૉમ થયો હોઈ શકે છે. દરઅસલ તેણે ખૂબ મોટી ક્વૉન્ટિટીમાં મલ્ટિગ્રેન બ્રેડ ખાધી હતી જેને કારણે નબળા ગટને કારણે ન પચેલો બ્રેડનો ભાગ ઇથેનૉલમાં કન્વર્ટ થઈ ગયો. આલ્કોહોલમાં પણ આ કેમિકલ હોય છે જે તમને નશાની લાગણી આપે છે. હું તો દરેકને કહીશ કે માત્ર આ પ્રકારની અવસ્થા અવૉઇડ કરવા માટે જ નહીં પરંતુ બ્રેડને કારણે શરીરમાં થઈ રહેલા અન્ય નુકસાનને ટાળવા માટે પણ એનું સેવન બંધ કરવાની જરૂર છે. બ્રેડ તમારાં આંતરડાં માટે સૌથી મોટી વિલન છે. બ્રેડ તમારી પાચનશક્તિને ખરાબ કરે છે. મેંદો આંતરડામાં ચોંટી જાય છે, જેની આડઅસરો લાંબા ગાળે દેખાતી હોય છે.’
મિકી મહેતા પહેલી વ્યક્તિ નથી જેમણે બ્રેડની સાઇડ-ઇફેક્ટ પર વાતો કરી હોય. સોશ્યલ મીડિયા પર પૉપ્યુલર ઇમ્યુનોથેરપિસ્ટ અને ઑન્કોલૉજિસ્ટ ડૉ. તરંગ ક્રિષ્ના શરીર માટે સૌથી હાનિકારક ભોજનમાં વાઇટ બ્રેડને પહેલા સ્થાને મૂકે છે અને એ વ્યક્તિમાં કૅન્સરની સંભાવના વધારે છે એવું પણ કહી ચૂક્યા છે. સફેદ બ્રેડ પૉઇઝન છે કારણ કે એમાં રહેલાં પ્રિઝર્વેટિવ, જે દસ-દસ દિવસ સુધી બ્રેડને બગડવા નથી દેતાં, એ શરીરના કોષોને નુકસાન કરે છે. બીજું, ડૉ. તરંગ એમ પણ કહેતા હોય છે કે બ્રેડમાં રહેલું ગ્લુટન રોગપ્રતિકારક શક્તિને ઘટાડીને શરીરમાં સોજા વધારવાનું કામ કરે છે. શરીરને સ્વસ્થ રાખવા ઘઉં, મેંદો, બ્રેડ, પાસ્તા જેવી ડેરી-આઇટમો અવૉઇડ કરવી જોઈએ. બેશક, ઘણા હેલ્થ-એક્સપર્ટ એમ પણ કહી ચૂક્યા છે કે એવો કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ નથી જેમાં એ સાબિત થતું હોય કે વાઇટ બ્રેડનું સેવન ડાયરેક્ટ્લી કૅન્સરનું કારક હોય, પરંતુ નિયમિતપણે બ્રેડનું સેવન અને પૂરતા પોષણયુક્ત આહારનો અભાવ શરીરને નુકસાન કરે છે.
આજના સમયમાં બ્રેડનો સંપૂર્ણ ત્યાગ કરવો અને દરરોજ શાક-રોટલી વગેરે પર ફોકસ કરવું અઘરું થઈ શકે. જાણીતાં સેલિબ્રિટી ડાયટિશ્યન ડૉ. સુમન અગ્રવાલ અહીં કહે છે, ‘યસ, બ્રેડ હેલ્ધી પર્યાય નથી. રોટલી અને બ્રેડમાંથી ચૂઝ કરવાનું હોય તો હું સો ટકા રોટલીને પ્રાધાન્ય આપું પરંતુ જો સમોસા અને ચીઝ સૅન્ડવિચમાંથી ચૂઝ કરવાનું હોય તો સૅન્ડવિચ બેટર ઑપ્શન છે. જે સિન્ડ્રૉમની તમે વાત કરો છો એ રૅર છે. જેમની ગટ-હેલ્થ પહેલાંથી જ નબળી હોય તેમને એનાથી સમસ્યા થઈ શકે છે. બ્રેડ સારી નથી પરંતુ અત્યારની લાઇફસ્ટાઇલમાં ક્યારેક તમે બ્રેડ ખાતા હો તો ડરવાની જરૂર નથી. ઘણી વાર આપણી સામે એવી ચૉઇસ હોય છે કે ઓછું ખરાબ શું એમાંથી પસંદ કરો તો એમાં બ્રેડને કોઈક વાર માટે પસંદ કરો તો વાંધો નથી. બ્રેડમાં સોડિયમનું પ્રમાણ વધારે છે. બ્રેડમાં કેટલાંક કેમિકલ્સ છે જેનો અતિરેક શરીર માટે નુકસાનકારક છે. આજે બ્રેડમાં પણ થોડાક હેલ્ધી ઑપ્શન આવ્યા છે. આ બ્રેડ પણ હેલ્ધી છે એવું નહીં કહું પણ હા, મેંદાની બ્રેડ કરતાં મલ્ટિગ્રેન કે હોલગ્રેન બ્રેડ થોડીક બેટર તો છે જ. બીજી વાત, તમે માત્ર બ્રેડ ખાધા કરો છો અને સામે એક્સરસાઇઝ નથી કરતા, બ્રેડ થકી શરીરમાં વધી રહેલી શુગરનો કોઈ ઉપયોગ નથી કરતા તો એ વધુ જોખમી છે. તમે ધારો કે સૅન્ડવિચ ખાધી અને ખૂબ ચાલી લીધું છે કે બૉડીને ખૂબ શ્રમ આપ્યો છે તો એ ઓછું નુકસાન કરશે. ટૂંકમાં ઓછી ક્વૉન્ટિટીમાં ચીઝ, પનીર, સૅલડ જેવા રાઇટ કૉમ્બિનેશન સાથે ક્યારેક-ક્યારેક બ્રેડ ખાઓ તો શરીરને એટલું નુકસાન નહીં થાય.’
બ્રેડ આપણી જીવનશૈલીનો હિસ્સો છે અને આખી દુનિયા એ ખાય છે એવી દલીલ લોકો કરતા હોય છે. એનો જવાબ આપતાં મિકી મહેતા કહે છે, ‘એમ તો આખી દુનિયામાં ઘણા લોકો દારૂ પણ પીએ છે અને તમાકુ પણ ખાય છે, એનાથી એ ખાવાયોગ્ય કે પીવાયોગ્ય નથી બની જતાં. ગટને ગટર બનાવવું હોય તો વાઇટ બ્રેડ ખાઓ. બાકી બહુ જ મન થતું હોય અથવા ક્યારેક-ક્યારેક ઇન્સ્ટન્ટ બ્રેડ ખાવી જ પડે એમ હોય તો બ્રેડના ઘણા હેલ્ધી ઑપ્શન મળી રહ્યા છે. આજે જુવાર અને મિલેટની બ્રેડ પણ મળે છે. જોકે એ મોંઘી હોય છે. આપણે ત્યાં મળતી સસ્તી બ્રેડમાં યીસ્ટનું પ્રમાણ હોય છે, જે નુકસાનકર્તા છે. એટલે કોઈક વાર જુવાર, મિલેટ જેવા ગ્રેનની બ્રેડ ખાવી હજારગણું સારું છે મેંદાની બ્રેડ ખાવા કરતાં.’
માત્ર બ્રેડ જ નહીં પણ મેંદાની કોઈ પણ આઇટમને આયુર્વેદ પ્રમોટ નથી કરતું. આયુર્વેદ આહારનાં નિષ્ણાત પ્રો. વૈદ્ય મીતા કોટેચા કહે છે, ‘આયુર્વેદમાં પાચન સર્વોપરી છે અને મેંદો પચવામાં ભારે છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે જેટલું પણ રિફાઇન્ડ હોય એટલું એ પચવામાં ભારે પડે. એ રીતે પણ તમે વાત, પિત્ત કે કફ એમ કોઈ પણ પ્રકારની પ્રકૃતિની પ્રધાનતા ધરાવતા હો કે પછી તમારી પાચનશક્તિ સારી હોય તો પણ મેંદાની આઇટમ ખાવી ઍડ્વાઇઝેબલ નથી. બીજું, આથો આવ્યો હોય એવી આઇટમો પણ નિયમિતપણે ખાવાની સલાહ આયુર્વેદ નથી આપતું. કુદરતી રીતે આથો આવેલી આઇટમો પણ જો રોજ ન ખાવાની હોય તો બ્રેડમાં ઉપયોગમાં લેવાતું યીસ્ટ તો કૃત્રિમ આથો લાવનારું કેમિકલ છે જે પાચનને ડિસ્ટર્બ કરે છે. આંતરડામાં મેંદો ચોંટવાથી શરીરની પોષક તત્ત્વોને ઍબ્સૉર્બ કરવાની ક્ષમતા પણ નબળી પડે અને એનાથી જ આગળ જતાં ઘણા રોગો શરીરમાં ઉદ્ભવતા હોય છે.’
વર્ષો સુધી બ્રેડ ખાધી હોય અને હવે ધારો કે પાચનક્ષમતામાં એની આડઅસરો દેખાવી શરૂ થઈ ગઈ હોય તો શું એનાથી બહાર આવવાનો કોઈ રસ્તો છે? આ પ્રશ્નના જવાબમાં વૈદ્ય મીતા કોટેચા કહે છે, ‘યસ, પંચકર્મ એક પ્રકારની ગટને રીસેટ કરવાની પદ્ધતિ જ છે. વૈજ્ઞાનિક પુરાવા પણ છે હવે તો એના. વિરેચન અને વમન દ્વારા ગટના માઇક્રોબાયોમને કાઢીને નવેસરથી નવી આહારપદ્ધતિ સાથે ફરીથી માઇક્રોબાયોમ માટેનું અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું કામ પંચકર્મથી શક્ય છે જે હેલ્થ માટે ખૂબ જરૂરી છે. બીજું, આયુર્વેદમાં પણ સંતુલિત અને પ્રકૃતિ, સ્થળ અને ઋતુને અનુરૂપ બે જ વાર આહાર લેવાનું વિધાન છે. સવારે નવથી દસ અને સાંજે સૂર્યાસ્ત પહેલાં તમે આહાર લઈ લો. આહારમાં નવરસ હોય અને વચ્ચે છાશ કે ફળ વગેરે લો તો આપોઆપ જ તમારી ગટ-હેલ્થ સુધરતી હોય છે.’