ડાયાબિટીઝને કારણે દાંતમાં સડો થાય?

20 July, 2021 01:18 PM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

મેં ચેક કરાવ્યું તો મારું શુગર-લેવલ ખાલી પેટનું જ ૧૭૦ જેટલું આવ્યું. હવે મેં દવા તો ચાલુ કરી છે, પરંતુ મને મારા દાંતની ચિંતા થાય છે. એ સ્વસ્થ રહે એ માટે હું શું કરું?   

પ્રતીકાત્મક તસવીર

હું ૪૮ વર્ષની છું. મને છેલ્લા ૬ મહિનાથી ખૂબ તરસ લાગતી હતી. ગળું સુકાતું હોય એમ લાગતું. હું પાણી તો પીતી હતી, પરંતુ વધારે પી શકતી નહોતી. થોડા સમય પહેલાં મને જમણી તરફ ચાવવાથી ખૂબ દુખતું હતું. લગભગ ૧૦ મહિના પહેલાં જ મેં દાંત ક્લીન કરાવેલા. એટલા સમયમાં ફરી કઈ રીતે સડો થઈ શકે? જોકે ડેન્ટિસ્ટે  મારાં પેઢાં જોઈને કહ્યું કે તમે એક વાર ડાયાબિટીઝ ચેક કરાવો. મેં ચેક કરાવ્યું તો મારું શુગર-લેવલ ખાલી પેટનું જ ૧૭૦ જેટલું આવ્યું. હવે મેં દવા તો ચાલુ કરી છે, પરંતુ મને મારા દાંતની ચિંતા થાય છે. એ સ્વસ્થ રહે એ માટે હું શું કરું?   
 
ડાયાબિટીઝ એક એવો રોગ છે જેની અસર દરેક અંગ પર પડે જ છે. એમાં દાંત, પેઢાં કે મોઢાના બીજા ભાગો પણ આવી જાય છે. તમને મોઢું સુકાવાની જે તકલીફ હતી એ પણ તમારા ડાયાબિટીઝને કારણે જ હતી, કારણ કે જ્યારે શુગર કન્ટ્રોલમાં ન હોય ત્યારે મોઢામાં લાળનું પ્રોડક્શન ઓછું થાય છે. લાળ ઓછી બને એટલે મોઢું સુકાય છે, મોઢામાંથી વાસ આવે છે અને એને કારણે મોઢામાં બૅક્ટેરિયાનું પ્રમાણ વધે છે. એ વધવાથી સડો વધે છે. આમ બધું એકબીજા સાથે જોડાયેલું છે. ક્લીનિંગ ભલે હમણાં જ કરાવ્યું હોય, પરંતુ ફરીથી સડો થવાની શક્યતા રહે છે. પેઢાં પર પણ ડાયાબિટીઝને કારણે અસર દેખાઈ શકે છે. પેઢાં ફૂલવા અને એમાંથી લોહી નીકળવું એ સામાન્ય લક્ષણ છે. ડાયાબિટીઝના દરદીઓએ તેમના ઓરલ હાઇજિનનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. આ બાબતે ઘણી ઓછી જાગૃતિ જોવા મળે છે. ડાયાબિટીઝ હોવા છતાં જો વ્યવસ્થિત ધ્યાન રાખવામાં ન આવે તો લાંબા ગાળે પેઢાં સાવ પોલાં થઈ જાય છે અને એ દાંતને જડથી છોડી દે છે. 
જો તમે ઇચ્છતા હો કે દાંતની ખાસ તકલીફો ન આવે તો સૌથી મહત્ત્વનું એ છે કે શુગર એકદમ કન્ટ્રોલમાં રાખો. એના માટે દવાઓ લો. રેગ્યુલર શુગર ચેક કરો અને ડૉક્ટર સાથે ફૉલો-અપ ચાલુ રાખો. લાઇફસ્ટાઇલમાં મૉડિફિકેશન કરીને હેલ્થ પર ધ્યાન આપો. દિવસમાં બે વાર બ્રશ કરો. દિવસમાં એક વાર ફ્લોસિંગ કરો. ભરપૂર પાણી પીઓ. સવારનો કૂણો તડકો અડધો કલાક જરૂર લો. નાકથી જ શ્વાસ લો, મોઢાથી નહીં અને દર ૬ મહિને ડેન્ટિસ્ટ પાસે ચેક-અપ માટે જાઓ. આ ઓરલ હેલ્થને જાળવવા માટે જરૂરી પગલાં છે. 

dr. rajesh kamdar columnists health tips