અથાણાં ખાવા હેલ્ધી છે કે અનહેલ્ધી?

18 May, 2021 12:00 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

અથાણાં આટલાં ભાવવા છતાં મારાં બાળકો અથાણાંને હવે હાથ સુધ્ધાં લગાડતાં નથી. અથાણાં મારા ઘરની પરંપરા છે. ભારતમાં અથાણાં ખવાતાં આવ્યાં છે તો અચાનક એ અનહેલ્ધી કેવી રીતે બની ગયાં? 

GMD Logo

હું છેલ્લાં પચીસ વર્ષથી દર ઉનાળામાં અથાણાં બનાવું છું. મારા હાથનાં અથાણાં મારા ઘરના બધાને ખૂબ ભાવતાં હતાં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બધા મને કહે છે કે હું અથાણાં બનાવવાનું છોડી દઉં, કારણ કે અથાણાં ખૂબ જ અનહેલ્ધી હોય છે. એમાં પડતું તેલ, મીઠું અને ખાંડનું પ્રમાણ હેલ્થ માટે હાનિકારક છે. અથાણાં આટલાં ભાવવા છતાં મારાં બાળકો અથાણાંને હવે હાથ સુધ્ધાં લગાડતાં નથી. અથાણાં મારા ઘરની પરંપરા છે. ભારતમાં અથાણાં ખવાતાં આવ્યાં છે તો અચાનક એ અનહેલ્ધી કેવી રીતે બની ગયાં? 
 
આજથી હજારો વર્ષો પહેલાં જ્યારે રેફ્રિજરેટર પણ નહોતાં ત્યારે કુદરતી રીતે ખોરાકને પ્રિઝર્વ કરવા એટલે કે સાચવી રાખવા જે ટેક્નિકનું નિર્માણ થયું એ ટેક્નિક વડે જન્મ્યાં અથાણાં. ટમૅટો સૉસ હોય કે ચીઝ એ પણ એક પ્રકારનાં અથાણાં જ છે. એને તો બધા મજાથી ખાય છે, પરંતુ દેશી અથાણાંને ખરાબ માનનારો એક મોટો વર્ગ જન્મ્યો છે. આપણે ત્યાં વર્ષો સુધી અથાણાં બીમાર વ્યક્તિના મોઢાનો સ્વાદ સારો કરવા માટે વપરાતાં. આ અથાણાં અનહેલ્ધી કઈ રીતે હોઈ શકે?  પારંપરિક રીતે ઘરે સાચી સિસ્ટમથી બનાવેલાં અથાણાં હેલ્ધી જ છે, અનહેલ્ધી નથી. 
મીઠું, ખાંડ, તેલ અને મસાલા એ નૅચરલ પ્રિઝર્વેટિવ્સ તરીકે કામ કરે છે, જ્યારે બજારમાં મળતાં અથાણાંમાં કેમિકલયુક્ત પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે માટે બજારનાં અથાણાં અનહેલ્ધી છે. અથાણાંમાં આથો આવવાની પ્રક્રિયા થાય છે, જેને લીધે એ પ્રોબાયોટિક બને છે. પાચનને એ સશક્ત બનાવે છે. ફક્ત જે વ્યક્તિને શરીરમાં બર્નિંગ પ્રૉબ્લેમ હોય પછી એ હાર્ટ બર્ન હોય એટલે કે છાતીની બળતરા કે પેટની બળતરા કે પછી સ્કિન પરના કોઈ પણ જાતના પ્રૉબ્લેમ્સ હોય તો અથાણાં ખાવાની તેને મનાઈ હોય છે. બાકીની દરેક વ્યક્તિ અથાણાં ખાઈ શકે છે, પરંતુ અથાણાં ખાવા માટે એક નિયમ સમજવો જરૂરી છે. શાકમાં મીઠું હોય, મીઠામાં શાક નહીં. અથાણાંનો ઉપયોગ અથાણાંની રીતે જ કરવો. દરરોજ બપોરના જમવામાં એક નાની ચમચી અથાણું ઘણું કહેવાય. એને શાકની અવેજીમાં ખાવું નહીં. તમારાં બાળકોને પણ સમજાવો કે અથાણાં હેલ્ધી છે અને તેઓ નસીબદાર છે કે તેમને ઘરનાં અથાણાં ખાવા મળે છે. 

health tips Dr. sanjay chhajed columnists