09 February, 2026 02:49 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
આજે મેડિકલ સાયન્સ જેટલું ઍડ્વાન્સ થઈ રહ્યું છે એટલાં જ કૉમ્પ્લીકેશન્સ વધી રહ્યાં છે. ઘણી વાર આપણને એવું ફીલ થાય કે શરીરમાં કંઈક ગરબડ છે, પણ રિપોર્ટ્સ કરાવીએ ત્યારે બધું નૉર્મલ આવે. સ્ટ્રેસ અને ટેન્શનને લીધે ઘણી વાર એનર્જી ડ્રેઇન થઈ જાય છે અને એને કારણે માથાનો દુખાવો, તાવ, ચક્કર આવવાં જેવી સમસ્યાઓ આજકાલ બહુ કૉમન બની ગઈ છે અને જો એના પર ધ્યાન આપવામાં ન આવે તો ભવિષ્યમાં એ ક્રૉનિક બીમારીમાં પરિવર્તિત થઈ શકે છે ત્યારે હોમિયોપથીને લોકો કમ્પ્લીટ વેલનેસ સૉલ્યુશન તરીકે અપનાવી રહ્યા છે. એ બીમારી મટાડવાની સાથે શરીરની ઇન્ટરનલ સિસ્ટમને ફરીથી ઍક્ટિવેટ અથવા મજબૂત બનાવવાનું કામ કરે છે ત્યારે આ દવા આપણી ઓવરઑલ હેલ્થ અને લાઇફસ્ટાઇલને સુધારવા કઈ રીતે કારગત સાબિત થઈ શકે છે એ નિષ્ણાત પાસેથી જાણીએ.
હોમિયોપથીના મેકૅનિઝમ વિશે સમજાવતાં બોરીવલીના અનુભવી ડૉ. કૌશિક ગાંધી જણાવે છે, ‘આપણું શરીર કોઈ પણ વાઇરસ કે બૅક્ટેરિયા સામે લડવા માટે સક્ષમ હોય છે, જેને આપણે રોગપ્રતિકારક શક્તિ કહીએ છીએ. હોમિયોપથી આ જ સિસ્ટમને બૂસ્ટ કરે છે. ઍલોપથીમાં ઘણી વાર લક્ષણોને ઇન્સ્ટન્ટ્લી દબાવી દેવામાં આવે છે. જેમ કે શરદી, ઉધરસ કે તાવ જેવી નાની સમસ્યા હોય તો આપણે સીધી ક્લિનિકમાંથી એક દિવસની ત્રણ-ચાર ગોળી ડૉક્ટર પાસેથી લઈ આવીએ છીએ અને એક કલાકની અંદર એ સમસ્યામાંથી ફરક દેખાવાનું શરૂ થઈ જાય છે, પણ બીજા દિવસે ફરીથી એ પ્રૉબ્લેમ ત્યાં આવીને ઊભો રહે છે. ટૂંકમાં ઍલોપથી ટૂંકા ગાળાની પેઇનકિલરનું કામ કરે છે અને હોમિયોપથી રોગના મૂળ સુધી પહોંચીને શરીરને અંદરથી તૈયાર કરે છે. ખાસ કરીને જેમને વારંવાર શરદી, ઉધરસ કે ઍલર્જીની સમસ્યા રહે છે તેમના માટે હોમિયોપથી લાંબા ગાળે એક મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડે છે.’
માનસિક સ્વાસ્થ્ય અને ઊંઘની સમસ્યામાં પણ હોમિયોપથી ટ્રીટમેન્ટ અસરકારક છે એમ જણાવતાં ડૉ. કૌશિક ગાંધી કહે છે, ‘હોમિયોપથી માત્ર રોગનાં લક્ષણો પર નહીં પણ રોગ પાછળના મૂળ પર કામ કરે છે. શારીરિક સમસ્યાઓ પાછળ ક્યાંક ને ક્યાંક માનસિક કારણો જવાબદાર હોય છે. ચિંતા, કામનું પ્રેશર અને અનિદ્રા જેવી સમસ્યાઓ હવે રૂટીન બની ગઈ છે. હોમિયોપથીમાં દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ અલગ ગણવામાં આવે છે. દાખલા તરીકે બે વ્યક્તિઓને અનિદ્રાની સમસ્યા હોય તો બન્નેને એકસરખી દવા નથી અપાતી. ઍલોપથિક ઊંઘની ગોળીઓ સામાન્ય રીતે મગજને થોડા સમય માટે શાંત કરી દે છે, જેની અસર પૂરી થતાં વ્યક્તિ ફરીથી બેચેની અનુભવે છે. હોમિયોપથી આનાથી વિપરીત કામ કરે છે. એ શરીરમાં સ્ટ્રેસ માટે જવાબદાર કૉર્ટિઝોલ હૉર્મોનને કુદરતી રીતે ઘટાડવામાં અને સ્લીપ-હૉર્મોનના સ્રાવને સંતુલિત કરવામાં મદદ કરે છે. એ નર્વસ સિસ્ટમને શાંત કરે છે, જેથી વ્યક્તિને કુદરતી રીતે જ અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી માનસિક તનાવમાં રહે છે ત્યારે એની અસર પાચન અને ઊંઘ પર પડે છે. હોમિયોપૅથિક દવાઓ મગજની ગ્રહણશક્તિ વધારે છે, જેથી વ્યક્તિ પરિસ્થિતિઓનો સામનો વધુ સારી રીતે કરી શકે છે સાથે નકારાત્મક વિચારોની તીવ્રતા ઘટાડે છે, જે ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીના દરદીઓને ફાયદો કરે છે. હજી એક મહત્ત્વની વાત એ પણ છે કે માનસિક સ્વાસ્થ્ય માટેની દવાઓ મોટા ભાગે એક પ્રકારનો નશો બની જાય છે, પણ હોમિયોપૅથિક દવામાં નશો હોતો જ નથી. એક વાર માનસિક સ્વાસ્થ્ય સુધરી જાય અને ઊંઘ નિયમિત થઈ જાય પછી આ દવાઓ કોઈ પણ મુશ્કેલી વગર બંધ કરી શકાય છે.’
મોટા ભાગના લોકોની એવી ધારણા હોય છે કે હોમિયોપથીની દવા જલદી અસર કરતી નથી. આ માન્યતા વિશે જણાવતાં ડૉ. કૌશિક કહે છે, ‘જે લોકો કહે છે કે હોમિયોપથીની દવા સ્લો છે એ એક અધૂરી માન્યતા છે. દવાની ઝડપ બીમારીના પ્રકાર પર આધાર રાખે છે. ઍક્યુટ સમસ્યા જેમ કે શરદી, તાવ, ઝાડા કે ઈજા જેવી તકલીફોમાં હોમિયોપથી ઍલોપથી જેટલી જ ઝડપી અસર કરી શકે છે, પણ જો ક્રૉનિક એટલે કે પાંચ-દસ વર્ષ જૂની બીમારી હય તો એને જળમૂળથી મટાડવામાં થોડો સમય લાગે એ સ્વાભાવિક છે. એ રોગને દબાવતી નથી પણ ઉખેડી નાખે છે એટલે જ લોકોને એવું લાગે છે કે એ ધીમી છે. મારા ક્લિનિકમાં ઘણા લોકો એવા પણ પ્રશ્નો પૂછે છે કે ઍલોપથી અથવા આયુર્વેદિક દવાની સાથે હોમિયોપથી ટ્રીટમેન્ટ ચાલુ રાખી શકાય? તો મારો જવાબ હા છે. તમે ચાલુ રાખી શકો, પણ એની અસર તમને જલદી ખબર નહીં પડે. અચાનક સ્વિચ કરવાને બદલે ધીરે-ધીરે હોમિયોપથીમાં સ્વિચ કરવું હિતાવહ છે. એક મોટી ગેરસમજ છે કે હોમિયોપથી અને ઍલોપથી સાથે ન લઈ શકાય. હકીકત એ છે કે ડાયાબિટીઝ, બ્લડપ્રેશર કે હાર્ટની બીમારીની ઍલોપથિક દવાઓ ચાલુ હોય ત્યારે પણ હોમિયોપથી શરૂ કરી શકાય છે. એ ઍલોપથીની અસરમાં અવરોધ નથી બનતી, પણ શરીરમાં એ દવાઓની થતી આડઅસરો ઘટાડવામાં અને રિકવરી-પ્રોસેસ ઝડપી બનાવવામાં મદદ કરે છે. સમય જતાં જો સ્વાસ્થ્યમાં સુધારો જણાય તો ડૉક્ટરની સલાહ મુજબ અન્ય દવાઓનો ડોઝ ઘટાડી પણ શકાય છે. આની સાથે-સાથે લાઇફસ્ટાઇલમાં પણ જે બેઝિક ચેન્જિસ જોઈએ એ કરવા જરૂરી હોય છે. ખાણીપીણીમાં ધ્યાન, દરરોજ યોગ અથવા કસરતને રૂટીનનો હિસ્સો બનાવવાં, પૂરતી ઊંઘ લેવી, જે સમયે દવા લેવાની સલાહ આપવામાં આવે એ સમયે એ જ સૂચનો સાથે લેવામાં આવશે તો હોમિયોપૅથિક દવા અસર કરશે જ.’