શું હિયરિંગ એઇડ પહેરવું ફરજિયાત છે?

06 September, 2021 04:53 PM IST  |  Mumbai | Dr. Hetal Marfatia

જે વ્યક્તિ સાંભળી નથી શકતી તે ધીમે-ધીમે એકાકી બનતી જાય છે, કારણ કે સાંભળી ન શકવાને લીધે તે કોઈ પણ પ્રકારની વાતચીતમાં સરળતાથી ભાગ નથી લઈ શકતી

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૫૨ વર્ષ છે. મારા પિતાને બહેરાશની તકલીફ હતી અને એવી જ તકલીફ મને શરૂ થઈ ગઈ છે. હું ટીચર તરીકે કાર્યરત છું. કોઈ ધીમેથી બોલે તો મને સાંભળવામાં તકલીફ પડતી. જોકે મેં આ વાતને ગંભીરતાથી લીધી નહીં. મને લાગતું કે આખું જીવન મેં ઊંચા અવાજે જ વાત કરી છે એટલે મને ઊંચું સંભળાય છે. હકીકતમાં એ મારી બહેરાશની શરૂઆત હતી. અત્યારે પણ મારી પીઠ પાછળ કોઈ અવાજ આવે તો મને ખબર પડતી નથી. બાકી સામે તો બધું જ સંભળાય છે. હું ડૉક્ટરને બતાવવા ગયો ત્યારે તેમણે મારો ઑડિયોગ્રામ કાઢ્યો અને એનાથી ખબર પડી કે મારા ૫૦ ટકા કાન ગયા છે એટલે કે મને ૫૦ ટકા હવે સંભળાવાનું ઓછું થઈ ગયું છે. મને ડૉક્ટરે સલાહ આપી કે સાંભળવાનું મશીન લગાવી લો, પરંતુ મને એમાં છોછ લાગે છે કે સ્કૂલમાં બાળકો મારા પર હસશે. આમ તો મને સંભળાય છે. શા માટે મારે મશીન લગાવવું? 

 

સારું છે કે ઍટ લીસ્ટ તમે સ્વીકારો છો કે સાંભળવામાં તમને કોઈ તકલીફ છે. ઘણા લોકોને એ સ્વીકારવામાં પણ વાર લાગે છે. બીજું એ કે જો તમને બરાબર દેખાતું ન હોત અને ડૉક્ટરે તમને ચશ્માં પહેરવાનું સૂચન કર્યું હોત તો તમે શું ન લગાવત? ચશ્માં માણસ એટલા માટે પહેરે છે કે તેને જોવામાં સરળતા પડે. એવી જ રીતે હિયરિંગ એઇડ વ્યક્તિ એટલા માટે લગાવે છે કે તેને સાંભળવામાં સરળતા રહે. વળી આજના સમયમાં ઘણાં સારાં હિયરિંગ એઇડ આવે છે જે પહેર્યાં હોય તો એવું લાગતું નથી કે કંઈ પહેર્યું છે. તમારે એ સંકોચમાંથી બહાર આવવાની જરૂર છે.

જે વ્યક્તિ સાંભળી નથી શકતી તે ધીમે-ધીમે એકાકી બનતી જાય છે, કારણ કે સાંભળી ન શકવાને લીધે તે કોઈ પણ પ્રકારની વાતચીતમાં સરળતાથી ભાગ નથી લઈ શકતી. અમારો અનુભવ એમ કહે છે કે આવા લોકોને સાંભળવાની તકલીફ તો નાની હોય છે, પરંતુ એને કારણે ઉત્પન્ન થતી બીજી તકલીફો ઘણી મોટી હોય છે. એનાથી સ્વભાવમાં અમુક પ્રકારનો મોટો ફેરફાર આવતો જશે. વળી જેટલી જલદી તમે હિયરિંગ એઇડની આદત નાખશો તમને લાંબા ગાળે ઘણું સારું રહેશે. આ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે જે તમારે કરવું જોઈએ. એનાથી દૂર ભાગવાનો અર્થ નથી.

columnists