પાર્કિન્સન્સ નાની ઉંમરે હોય ત્યારે સર્જરી કરાવાય કે નહીં?

19 October, 2021 04:26 PM IST  |  Mumbai | Dr. Shirish Hastak

નાની ઉંમરે જે વ્યક્તિને આ રોગ થાય છે તેમનું જીવન ઘણું પીડાજનક બની જાય છે, કારણ કે આ રોગ સાથે તેમણે બીજાં ૨૫-૩૦ વર્ષ જીવવાનું હોય છે

પ્રતીકાત્મક તસવીર

મારાં દીદી ૪૫ વર્ષનાં હતાં ત્યારથી તેમને પાર્કિન્સન્સ ડિસીઝ છે. મારા પપ્પાને પણ આ રોગ હતો. શરૂઆતમાં દવાઓથી ઘણું સારું રહેતું. જેમ-જેમ તકલીફ વધવા લાગી એમ-એમ દવાઓના ડોઝ બદલાતા રહ્યા. હમણાંથી તકલીફ ખૂબ વધારે હતી એટલે દર બે કલાકે તેમણે દવાઓ લેવી પડતી. એ દવાઓની સાઇડ ઇફેક્ટ પણ તેમના શરીર પર દેખાવા લાગી છે. દર બે કલાકે લેવાતા હેવી ડોઝને કારણે ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન કે બીજા સાઇકોલૉજિકલ ડિસઑર્ડર સાઇડ ઇફેક્ટરૂપે આવવા લાગ્યા. એટલું જ નહીં, પથારીમાંથી ઊભા થવું, ચાલવું, વાત કરવી વગેરે રૂટીન વસ્તુઓમાં તકલીફ પડી રહી હતી. ડૉક્ટર હવે તેમને સર્જરીની સલાહ આપે છે. આ બ્રેઇન સર્જરી કરાવવી જોઈએ કે નહીં એ સમજાતું નથી.

તમારાં દીદીને ખૂબ નાની ઉંમરમાં આ રોગ આવ્યો છે. નાની ઉંમરે આ રોગ ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. નાની ઉંમરે જે વ્યક્તિને આ રોગ થાય છે તેમનું જીવન ઘણું પીડાજનક બની જાય છે, કારણ કે આ રોગ સાથે તેમણે બીજાં ૨૫-૩૦ વર્ષ જીવવાનું હોય છે. એ પણ ઉત્તરોત્તર તેમની તકલીફ વધતી જ જાય છે. આ રોગમાં સ્નાયુ જે રીતે અકડાઈ જાય છે અને જેટલું પેઇન થાય છે એ પેઇન અસહ્ય હોય છે. તમે જે સર્જરીની વાત કરો છો એ ઘણી મદદરૂપ છે આ પ્રકારના કેસમાં, કારણ કે તેમણે હજી લાંબી જિંદગી જીવવાની બાકી છે.

જ્યારે દવાઓ વ્યક્તિ પર અસર ન કરે ત્યારે બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી કરી શકાય. એને ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી કહે છે. આ સર્જરી દ્વારા મગજના જે ભાગમાં અસર થઈ હોય એ ભાગમાં એક ડિવાઇસ ગોઠવવામાં આવે અને એ ડિવાઇસ ગોઠવીને એ ભાગને ઇલેક્ટ્રિકલ સિગ્નલ મોકલવામાં આવે. જેવી રીતે હાર્ટનું પેસમેકર હોય છે એ જ રીતે આ ડિવાઇસ કામ કરે છે જેની મદદથી ન્યુરો-સ્ટિમ્યુલેટર એની ઇલેક્ટ્રિક પલ્સ વાપરીને મગજની ઍક્ટિવિટી ચાલુ રાખે છે. આ સર્જરી બ્રેઇનની બીજી સર્જરીઓ કરતાં ઘણી સેફ ગણાય છે અને એના થકી મગજના કોઈ બીજા ભાગનું નુકસાન થતું નથી. ઊલટું એનાથી દરદીની લાઇફ ઘણી સુધરી જાય છે અને તે પોતાનાં રૂટીન કામ સરળતાથી કરી શકે છે.

health tips