બાળકોએ વાઇટ સૉસ પાસ્તા ન ખાવા જોઈએ?

22 October, 2021 03:32 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

આજકાલ આપણો ખોરાક ખૂબ અલગ થઈ ગયો છે અને આ બાબતે લોકો સમજતા નથી. પારંપરિક રીતે જે દિવસે દૂધપાક બનાવવામાં આવે એ દિવસે કાઢી બનાવાતી નહીં કે જમવામાં દહીં દેવાતું નહીં

પ્રતીકાત્મક તસવીર

મારો દીકરો ૧૪ વર્ષનો છે અને તેને અમુક પ્રકારની સ્કિન ડિસીઝ થઈ છે. મેં ઇન્ટરનેટ પર વાંચ્યું કે આયુર્વેદ અનુસાર વિરુદ્ધ આહારની સીધી અસર ચામડી પર થાય છે. મારી મમ્મીએ પણ મને ટોકી હતી, જ્યારે હું ઘરે મારા દીકરા માટે વાઇટ સૉસ પાસ્તા બનાવતી હતી. મમ્મીએ કહ્યું હતું કે દૂધમાં શાકભાજી અને ખટાશ નાખીને ન ખવાય. હું પણ આ નિયમો જાણું છું, પણ જ્યારે બાળકો માટે ખોરાક બનાવું છું ત્યારે આવું ધ્યાન રહેતું નથી. એ રીતે તો આપણે પનીરનું શાક પણ ન ખાવું જોઈએ. તો શું એ પણ અનહેલ્ધી ગણાય?

 હા, દૂધ અને દૂધની વાનગીઓ સાથે ફળો અને શાકભાજીને મિક્સ કરવામાં આવે તો એ વિરુદ્ધ આહાર ગણાય છે. આજકાલ આપણો ખોરાક ખૂબ અલગ થઈ ગયો છે અને આ બાબતે લોકો સમજતા નથી. પારંપરિક રીતે જે દિવસે દૂધપાક બનાવવામાં આવે એ દિવસે કાઢી બનાવાતી નહીં કે જમવામાં દહીં દેવાતું નહીં. આ સિવાય છાસ પણ જમ્યા પછી જ પીવાનો રીવાજ છે. આપણા વડીલો રાત્રે જમતા ત્યારે દૂધનો વાટકો ભરીને બેસતા, પરંતુ એ પણ ત્યારે જ જ્યારે જમવામાં રોટલો કે રોટલી એકલી જ હોય, સાથે શાક ન હોય. જમવામાં પણ દૂધ ત્યારે યોગ્ય છે જ્યારે તમે જમવામાં શાક, પાપડ, કંદમૂળ, અથાણાં કોઈ વસ્તુનો પ્રયોગ ન કરવાના હોય. હકીકત એ છે કે જેટલો વિરુદ્ધ આહાર તમે લેશો એ શરીરમાં જઈને નુકસાન જ કરે છે. પંજાબી શાક ખાસ કરીને પનીરનો જેમાં પ્રયોગ કરવામાં આવતો હોય એમાં દૂધ અને શાકભાજી એક થતા હોય છે. પનીરનું શાક કે કોફતાનું શાક હોય, કે કોઈ બીજા શાક કે દાળની ગ્રેવીને રીચ બનાવવા ટમેટા, ડુંગળી અને લસણ સાથે દૂધ, દહીં અને મલાઈનો પ્રયોગ થાય છે. આ સિવાય વાઇટ સૉસની સાથે વેજિટેબલ્સ નાખીને પાસ્તા ખવાય છે. બર્ગર, હૉટડૉગ કે પીત્ઝામાં ચીઝ સાથે શાકભાજી નાખીને વાપરવામાં આવે છે. આ ખોરાક યોગ્ય નથી જ. શાકભાજી અને દૂધ બંનેની તાસીર જુદી-જુદી છે માટે જ્યારે એ બંનેને ભેળવીએ છીએ તો એ વીર્ય વિરુદ્ધ આહાર બની જાય છે. લીલા શાકભાજી કે કંદમૂળ સાથે દૂધ અને દૂધની બનાવટોનો પ્રયોગ ન જ કરવો જોઈએ.

columnists health tips