શું તમારાં બાળકો પણ પથારી પર લાંબાં થઈને સૂતાં-સૂતાં જ ભણે છે?

25 June, 2026 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેટલાં બાળકો તમે જોયાં જેઓ એકદમ ટટ્ટાર ચાલતાં કે બેસતાં હોય? ખૂબ ઓછાં. તકલીફ એ છે કે નાનપણથી માતા-પિતા આ બાબતે ઉદાસીનતા સેવે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પહેલાંનો એક સમય હતો કે બાળકો સ્કૂલથી આવતાં અને દફ્તર ફેંકીને રમવા ભાગી જતાં. અત્યારે ભણવાનું પ્રેશર એટલું હોય છે કે ઘરે આવીને પણ ભણવા બેસવું પડે છે. સામાન્ય રીતે બાળકોને સવારે સાતથી બપોરે બે-ત્રણ વાગ્યા સુધીની સ્કૂલ હોય છે. પછી જો બે કલાક ટ્યુશન હોય તો એ વધુ. આવવા-જવાના કલાકો એમાં ઉમેરો તો કેટલાય કલાક બાળક બેઠું જ હોય છે. આટલું કરીને જ્યારે તે ઘરે આવે ત્યારે જમવા બેસે, ટીવી જુએ કે લૅપટૉપ પર ગેમ રમે કે હોમવર્ક કરવા બેસે કે વધુ તૈયારી કરવાની હોય ત્યારે પણ બેસવાનું? જે પ્રકારનો થાક અને ભાર લઈને બાળક જીવે છે એમાં તે ઘરે આવે ત્યારે સીધો સોફા પર કે પલંગ પર લાંબો જ થઈ જાય છે. આજકાલ એવાં ઘણાં બાળકો છે જેઓ ઘરે આવીને જે પણ કરતાં હોય એ સૂતાં-સૂતાં જ કરતાં હોય. ગેમ રમવાનું સૂતાં-સૂતાં, હોમવર્ક કરવાનું સૂતાં-સૂતાં, વાંચવાનું સૂતાં-સૂતાં.

માતા-પિતાને પણ દયા આવતી હોય છે એટલે કંઈ કહેતાં નથી. મુખ્ય તો તેમના મનમાં એવું હોય છે કે ભણે છેને એટલે બસ. પછી તે સૂતાં-સૂતાં ભણે કે બેઠાં-બેઠાં, ચાલે. જોકે આ સૂતાં-સૂતાં કામ કરવાની ટેવ બાળકને કેટલી નડે છે એનો તેમને અંદાજ હોતો નથી.

સ્કૂલમાં જતાં બાળકો ઘણી જુદી-જુદી સમસ્યાઓથી ઝૂઝતાં હોય છે. એમાંની એક સમસ્યા છે તેમનું પૉશ્ચર. કેટલાં બાળકો તમે જોયાં જેઓ એકદમ ટટ્ટાર ચાલતાં કે બેસતાં હોય? ખૂબ ઓછાં. તકલીફ એ છે કે નાનપણથી માતા-પિતા આ બાબતે ઉદાસીનતા સેવે છે. પછી બાળકોને આદત પડી જાય છે વાંકા બેસવાની કે ખૂંધ કાઢીને બેસવાની. આ એ ઉંમર છે જ્યારે સ્નાયુઓ અને હાડકાં વિકાસ પામે છે. જો આ ઉંમરે બાળક ટટ્ટાર બેસતાં નહીં શીખે તો તેના સ્નાયુઓ અને હાડકાંનો વિકાસ તેના ખોટા પૉશ્ચરને માફક આવે એ જ રીતે થશે. તે નબળું પણ રહી જાય, કારણ કે ખોટા પૉશ્ચરને કારણે સ્નાયુઓ પર અમુક પ્રકારે વધુ ભાર આવે છે. એને લીધે એની સ્ટ્રેન્થ પર પણ અસર પડે છે. એક વખત આ પ્રકારે સ્નાયુઓ અને હાડકાંનો આકાર અને દશા બગડી ગયાં તો પછી એને સુધારવાં અઘરાં બની જાય છે. વળી પૉશ્ચર એક આદત છે. જો નાનપણથી પાડવામાં આવે તો છેક સુધી રહે છે.

ખોટા પૉશ્ચરની આદત જે બાળકોમાં નાનપણથી જ હોય છે એ વર્ષો સુધી ખોટી જ રહે છે. એને સુધારવી ખૂબ અઘરી પડે છે એટલે પૉશ્ચરની બાબતમાં બાળકો પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.

healthy living health tips life and style lifestyle news columnists