શું તમારા ફૅબ્રિક-સૉફ્ટનરની સુગંધ ફેફસાં માટે ઝેરી છે?

29 January, 2026 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કપડાંને સૉફ્ટ અને ફ્રેશ ફીલ આપતું રોજિંદા વપરાશમાં લેવાતું ફૅબ્રિક-સૉફ્ટનર સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે ત્યારે એના સુરક્ષિત વિકલ્પો શું છે એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

ઘણી વાર કપડાં ધોયા પછી એમાંથી આવતી તાજગીભરી સુગંધ આપણને ગમે છે, પરંતુ આ સુગંધ પાછળ છુપાયેલાં કેમિકલ્સ તમારા ઘરની અંદરની હવાને પ્રદૂષિત કરે છે અને શ્વસનતંત્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

જોખમો

વૉલેટાઇલ ઑર્ગેનિક કમ્પાઉન્ડ્સ (VOCs) : ફૅબ્રિક-સૉફ્ટનરમાં ઍસિટાલ્ડિહાઇડ અને બેન્ઝિન જેવાં કેમિકલો હોય છે. તમે જ્યારે કપડાં સૂકવો છો ત્યારે આ કેમિકલ હવામાં ભળે છે જે આંખોમાં પાણી આવવું, માથાનો દુખાવો થવો, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.

અસ્થમા અને ઍલર્જીમાં વધારો : જે લોકોને પહેલેથી જ શ્વાસની બીમારી કે અસ્થમા છે તેમના માટે આ સુગંધિત પ્રવાહી અત્યંત જોખમી છે. લાંબા ગાળા સુધી આ કેમિકલ્સના સંપર્કમાં રહેવાથી ફેફસાંમાં ક્રોનિક સોજો આવી શકે છે.

બાળકો અને પાળેલાં પ્રાણીઓને વધારે જોખમ : બાળકો અને પાળેલાં પ્રાણીઓનાં ફેફસાંની ક્ષમતા ઓછી હોય છે અને તેઓ ઝડપથી શ્વાસ લે છે. એટલે તેઓ વયસ્કો કરતાં વધુ માત્રામાં આ હાનિકારક કેમિકલ્સ શરીરમાં લે છે.

ઉપાય શું?

કપડાંને નરમ બનાવવા માટે મોંઘું અને કેમિકલયુક્ત સૉફ્ટનર વાપરવાને બદલે કુદરતી વસ્તુઓ અપનાવવી જોઈએ.

સફેદ વિનેગર : કપડાં ધોતી વખતે અડધો કપ વિનેગર નાખવાથી કપડાં કુદરતી રીતે નરમ બને છે.

બેકિંગ સોડા : આ પણ કપડાંને સૉફ્ટ બનાવવા અને ગંધ દૂર કરવા માટે ઉત્તમ છે.

સુગંધ માટે કુદરતી તેલ : જો તમારે સુગંધ જોઈતી હોય તો લીંબુ કે લૅવન્ડર જેવા કુદરતી તેલનાં થોડાં ટીપાં વાપરી શકાય.

જો તમારે ફૅબ્રિક સૉફ્ટનરનો ઉપયોગ કરવો જ હોય તો ફ્રૅગ્રન્સ-ફ્રી અથવા તો પ્લાન્ટબેઝ્ડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો અને તીવ્ર સુગંધવાળા ફૅબ્રિક સૉફ્ટનરથી દૂર રહો.

health tips fashion life and style lifestyle news columnists