કોવિડને એક મહિનો થઈ ગયો, પણ RT-PCR નેગેટિવ આવતો નથી

27 October, 2021 12:59 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

મારાં ચિહ્ન સાચું કહું તો કંઈ ખાસ હતાં નહીં એટલે ઘરમાં જ ૧૪ દિવસ રહીને પસાર કર્યા. મારું સીટી સ્કેન પણ થયું છે. ફેફસાં એકદમ બરાબર છે, પણ તકલીફ એ છે  કે મારો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવતો જ નથી.

પ્રતીકાત્મક તસવીર

હું ૬૫ વર્ષનો છું. મને એક મહિના પહેલાં કોરોના થયેલો. જોકે મને સામાન્ય શરદી અને થોડો તાવ જ હતો. નબળાઈ આવેલી પણ ૪-૫ દિવસ પછી હું એકદમ ઠીક હતો. ગંધ પાછી આવી પણ હજીયે સ્વાદ બરાબર થયો નથી. મારાં ચિહ્ન સાચું કહું તો કંઈ ખાસ હતાં નહીં એટલે ઘરમાં જ ૧૪ દિવસ રહીને પસાર કર્યા. મારું સીટી સ્કેન પણ થયું છે. ફેફસાં એકદમ બરાબર છે, પણ તકલીફ એ છે  કે મારો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવતો જ નથી. મારો પહેલો પૉઝિટિવ રિપોર્ટ એક મહિના પહેલાં આવેલો. એ પછી ૧૪ દિવસ પછી દર બે-ત્રણ દિવસે હું રિપોર્ટ કરાવું છું, પણ રિપોર્ટ નેગેટિવ થતો જ નથી. એને કારણે હું દુકાન ખોલી શકતો નથી. એક મહિનાથી મારું ખૂબ નુકસાન થઈ રહ્યું છે. હું ક્યારે કામ શરૂ કરી શકું?
   
તમારી એ ભૂલ છે કે તમે છેલ્લા ૧૫ દિવસથી ડૉક્ટરની સલાહ વગર RT-PCR કરાવ્યા કરો છો, એ પણ એ જોવા માટે કે તમને કોવિડ છે કે ગયો? આવી ભૂલ કરનારા જોકે તમે એકલા નથી, ઘણા લોકો છે જે આવું કરી રહ્યા છે. કોરોનાનો વાઇરસ દસ દિવસ સુધી શરીરમાં જીવે છે. પછી આપોઆપ એ ખતમ થઈ જાય છે. બીજું એ કે ૧૪ દિવસ પછી તમે કોઈ પણ વ્યક્તિને ચેપ લગાડતા નથી. એટલે કે ઇન્ફેક્શનના ૧૪ દિવસ પછી કોરોના એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સ્પ્રેડ થતો નથી. ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન મુજબ પણ RT-PCR રિપોર્ટ એક જ વાર કરાવવો જોઈએ. જો એ રિપોર્ટ પૉઝિટિવ આવે તો ૧૪ દિવસ ક્વૉરન્ટીન રહેવું જરૂરી છે. બસ, એ પછીથી તમે બહાર જઈ શકો છો. ફરીથી રિપોર્ટ કરાવવાની જરૂર જ નથી. એ રિપોર્ટ તો ઘણીવાર ૨-૩ મહિના સુધી પણ પૉઝિટિવ જ આવી શકે છે, માટે ૧૪ દિવસ ધ્યાન રાખી લીધા પછી જો તમને કોઈ ચિહ્ન ન હોય તો તમે આરામથી બહાર જઈ શકો છો અને તમારું કામ પણ કરી શકો છો. ત્યારે તમે કોઈ પણને ચેપ નહીં જ લગાડો એની ખાતરી છે, માટે તમે તમારી દુકાન ખોલી શકો છો અને કામ પણ કરી શકો છો. કારણકે સૌથી સારી વાત એ છે કે તમને કોવિડ થયો પરંતુ ખાસ કોઈ ચિહ્ન તમને અસરકર્તા નથી, છતાં તમારી નબળાઈનું ધ્યાન રાખજો.

columnists health tips