સમર અને મૉન્સૂનના સંધિકાળનું સુપરફૂડ જાંબુ

04 June, 2026 01:42 PM IST  |  Mumbai | Kajal Rampariya

ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન વચ્ચે માર્કેટમાં મબલક પ્રમાણમાં જોવા મળતાં ભારતનાં બ્લુબેરી જાંબુ આજકાલ ફિટનેસ-ફ્રીક્સ માટે ફેવરિટ ફ્રૂટ બની રહ્યાં છે. લો કૅલરી ધરાવતા આ ફળ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ

જાંબુ

ઋતુ બદલાય એટલે આપણી ખાવા-પીવાની આદતો અને શરીરની જરૂરિયાતો પણ બદલાય છે. ઉનાળાના અંતમાં અને ચોમાસાની શરૂઆતમાં બજારમાં જાંબલી રંગનાં નાનાં-નાનાં જાંબુ દેખાવા લાગે છે. આ ટ્રાન્ઝિશન પિરિયડ દરમ્યાન હવામાં ભેજનું પ્રમાણ અચાનક વધે છે, પાચનક્રિયા ધીમી પડે છે અને વાઇરસ તેમ જ બૅક્ટેરિયા ઍક્ટિવ થવાથી હવાજન્ય અને પાણીજન્ય ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધે છે. આવા સમયે જાંબુનું સેવન સ્વાસ્થ્યની સંભાળમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કાંદિવલીનાં અનુભવી ન્યુટ્રિશનિસ્ટ ડૉ. રિશિતા બોચિયા જોશી પાસેથી જાણીએ જાંબુ ખાવાના ફાયદા, ઉપયોગની સાચી રીત અને એની સાથે જોડાયેલી કેટલીક ગંભીર ગેરસમજ વિશે.

સીઝનલ શીલ્ડ

જાંબુનું આગમન ઉનાળાના અંત અને ચોમાસાની શરૂઆતનો જે ટ્રાન્ઝિશન પિરિયડ છે ત્યારે થાય છે. એ શરીરના સ્વાસ્થ્યને કઈ રીતે સુધારવામાં મદદ કરે છે એ વિશે ડૉ. રિશિતા કહે છે, ‘ચોમાસાની શરૂઆતમાં આપણું શ્વસનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે જેને કારણે શરદી, ઉધરસ અને વાઇરલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે. જાંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન C હોય છે જે શરીરના વાઇટ બ્લડ-સેલ્સ વધારવામાં અને ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત જાંબુનો ઘેરો જાંબલી રંગ એમાં રહેલા ઍન્થોસાયનિન નામના તત્ત્વને કારણે શરીરના કોષોને નુકસાન થતું અટકાવે છે. જેમ પશ્ચિમી દેશોમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ માટે બ્લુબેરીઝને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે એમ ભારત માટે જાંબુ આપણું પોતાનું ઇન્ડિયન બ્લુબેરી છે જે શરીરને અંદરથી ડીટૉક્સિફાય કરે છે.’

ફિટનેસ-ફ્રીક્સ માટે પર્ફેક્ટ સ્નૅક

આજકાલ હેલ્થ-કૉન્શ્યસ લોકો વર્કઆઉટ પછી કે સાંજની ભૂખ માટે પ્રોટીન બાર કે ડ્રાયફ્રૂટ્સ લેતા હોય છે, પરંતુ ચોમાસામાં જાંબુ શ્રેષ્ઠ અને સસ્તો વિકલ્પ સાબિત થઈ શકે છે એમ જણાવીને ડૉ. રિશિતા કહે છે, ‘૧૦૦ ગ્રામ જાંબુમાંથી શરીરને માત્ર ૬૦ કૅલરી મળે છે. એટલે કે પેટ પણ ભરાય છે, ગળ્યું ખાવાની ક્રેવિંગ્સ પણ સંતોષાય છે અને કૅલરી પણ વધતી નથી. વર્કઆઉટ કે કસરત કર્યા પછી ઘણા લોકોને સ્નાયુઓમાં દુખાવો થતો હોય છે અથવા પગમાં ગોટલા ચડી જતા હોય છે. જાંબુમાં ભરપૂર માત્રામાં પોટૅશિયમ હોય છે જે સ્નાયુઓના સંકોચનને સામાન્ય રાખે છે. તેથી પોસ્ટ-વર્કઆઉટ સ્નૅક તરીકે જાંબુ ખાવાં ઉત્તમ છે. જો તમે વેઇટલૉસ જર્ની પર હો તો માર્કેટના મોંઘા પ્રોટીન બારને બદલે દહીંમાં જાંબુના નાના ટુકડા ઉમેરીને ખાવાથી શરીરને હાઈ-પ્રોટીન મળશે.’

નૅચરલ ટમી ફિક્સર

કઈ રીતે જાંબુ પેટની સમસ્યા માટે રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે એ વિશે ડૉ. રિશિતા કહે છે, ‘ચોમાસામાં દૂષિત પાણી કે બહારના ખોરાકને કારણે પેટ બગડવું, ગૅસ થવો, ડાયેરિયા કે લૂઝ મોશન્સ થવા સામાન્ય બાબત છે. આ ઋતુમાં આંતરડાંમાં ખરાબ બૅક્ટેરિયા જમા થાય છે. જાંબુમાં એસ્ટ્રિન્જન્ટ એટલે કે ગ્રાહી ગુણ હોય છે. એ પેટના ઇન્ફેક્શનને શાંત કરે છે અને આંતરડાંને મજબૂતી આપે છે. એટલા માટે જ ન્યુટ્રિશનની ભાષામાં એને ટમી ફિક્સર કહેવામાં આવે છે જે પાચનતંત્રને પાટા પર લાવે છે. આ સિવાય એ લિવરના સ્વાસ્થ્ય માટે અને ત્વચા પર કુદરતી ગ્લો લાવવા માટે પણ ગુણકારી છે. જાંબુ મર્યાદિત પ્રમાણમાં ખાવામાં આવે તો જ એના ફાયદાઓ શરીરને મળે છે. દિવસ દરમ્યાન આશરે ૧૦૦ ગ્રામ જાંબુ એટલે કે દસથી ૧૫ નંગ જેટલાં ખાવાં જોઈએ.’

ગેરસમજનું સાચું વિજ્ઞાન

જાંબુ સાથે સંકળાયેલી ગેરમાન્યતા વિશે ડૉ. રિશિતા કહે છે, ‘આપણા સમાજમાં એક બહુ મોટો ભ્રમ છે કે જાંબુ ખાવાથી ડાયાબિટીઝ મટી જાય છે. આ માનસિકતાને કારણે ઘણા દરદીઓ જાંબુની સીઝનમાં પોતાની મેડિકલ દવાઓ કે ઇન્સ્યુલિનના ડોઝ જાતે જ ઓછા કરી નાખે છે અથવા બંધ કરી દે છે જે અત્યંત જોખમી છે. જાંબુ ડાયાબિટીઝને ક્યારેય જડમૂળથી મટાડી શકતાં નથી, એ માત્ર એને મૅનેજ કરવામાં મદદ કરે છે. જાંબુનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે એમાં રહેલી શર્કરાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. એને ખાધા પછી શુગર સ્પાઇક થતું નથી. બીજુ, જાંબુમાં જમ્બોલિન નામનું ખાસ તત્ત્વ હોય છે. આ કમ્પાઉન્ડ આપણે જે ખોરાક ખાઈએ છીએ એના સ્ટાર્ચને શુગરમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. આનાથી શુગરનું લેવલ કન્ટ્રોલમાં રહે છે. આથી જાંબુ દવાનો વિકલ્પ કે રિપ્લેસમેન્ટ નથી, પરંતુ શુગર કન્ટ્રોલ કરવાનું એક સહાયક અને ગુણકારી ફળ છે. દવા બદલતાં પહેલાં હંમેશાં ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.’

આટલી સાવધાની જરૂરી

• કોઈ પણ હેલ્ધી વસ્તુ જો ખોટી રીતે ખાવામાં આવે તો એ ઝેર સમાન સાબિત થાય છે. ઘણા લોકોને જાંબુ બહુ ભાવતાં હોય છે તો સવારે ઊઠીને તરત જ ખાલી પેટે એનું સેવન કરતા હોય છે. સવારના પહોરમાં ખાલી પેટે જાંબુ ખાવાથી એમાં રહેલું ઍસિડ કન્ટેન્ટ પેટની અંદરની દીવાલોને ઉત્તેજિત કરે છે. પરિણામે ઍસિડિટી અને ઍસિડ રિફ્લક્સ એટલે છાતીમાં બળતરા થઈ શકે છે. જાંબુ આરોગવાનો બેસ્ટ ટાઇમ દિવસ દરમ્યાન અથવા સૂર્યાસ્ત પહેલાંનો છે.

• જાંબુ ખાધા પછી ક્યારેય તરત દૂધ ન પીવું જોઈએ. દૂધ અને જાંબુનું કેમિકલ રીઍક્શન પેટ બગાડી શકે છે. દહીંની વાત અલગ છે, કારણ એ ફર્મેન્ટેડ પ્રોડક્ટ છે. જાંબુ અને હળદરનું કૉમ્બિનેશન પણ ઇરિટેશન પેદા કરી શકે છે એટલે એની સાથે પણ ન લેવામાં નવ ગુણ છે.

• જે લોકોને અતિશય કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે જાંબુ ન ખાવાં જોઈએ, કારણ કે એ મળને વધુ કડક બનાવે છે. જે લોકોને ક્રોનિક ઍસિડિટી અથવા પેટ સંબંધિત સમસ્યાઓ છાશવારે રહેતી હોય તેમણે પણ આ ફળથી અંતર જાળવવું હિતાવહ છે.

ઇન્ટરેસ્ટિંગ ફૅક્ટ્સ

• પૌરાણિક ગ્રંથોમાં ભારતવર્ષને જાંબુદ્વીપ તરીકે ઓળખવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ ભૂમિ પર જાંબુનાં વૃક્ષો વિપુલ પ્રમાણમાં હોવાથી આ નામ પડ્યું હતું.

• ભગવાન શ્રીકૃષ્ણના ત્વચાના શ્યામ રંગને ઘણી જગ્યાએ જાંબુના રંગ સાથે સરખાવવામાં આવ્યો છે. એથી આ ફળને ભગવાનનું પ્રિય ફળ માનવામાં આવે છે. ભગવાન રામે પોતાના ૧૪ વર્ષના વનવાસ દરમ્યાન જંગલમાં આ ફળ ખાધું હતું.

• જાંબુના વૃક્ષનું લાકડું વર્ષો સુધી પાણીમાં રહેવા છતાં સડતું નથી કે એને ઊધઈ લાગતી નથી. આ જ કારણે પ્રાચીન સમયમાં કૂવાની નીચેનો આધાર બનાવવા માટે જાંબુના લાકડાનો ઉપયોગ થતો હતો. આજે પણ ઘણાં ગામડાંમાં કૂવાના તળિયે જાંબુનું લાકડું મૂકવામાં આવે છે જેથી પાણી શુદ્ધ રહે અને કૂવાની દીવાલો મજબૂત રહે.

ઠળિયા ફેંકી નહીં દેતા

સામાન્ય રીતે આપણે જાંબુ ખાઈને ઠળિયા કચરાપેટીમાં ફેંકી દેતા હોઈએ છીએ, પણ હકીકત એ છે ઠળિયામાં ફળ જેટલા જ, કદાચ એનાથી પણ વધુ ઔષધીય ગુણો છે એમ સમજાવતાં ડૉ. રિશિતા કહે છે, ‘જાંબુના ઠળિયામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. એના ગુણો લીવર અને કિડની માટે નૅચરલ ડીટૉક્સિફાયરનું કામ કરે છે. જાંબુના ઠળિયાનો પાઉડરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. જાંબુ ખાધા પછી ઠળિયાને બરાબર ધોઈ લો. એને તડકામાં સુકાવા રાખો. પછી એની કડક છાલ કાઢીને અંદરના લીલા સફેદ ભાગને મિક્સરમાં પીસી બારીક પાઉડર બનાવીને કાચની બરણીમાં ભરી દો. દરરોજ સવારે નવશેકા પાણી સાથે લેવામાં આવે તો એ આંતરડાં સાફ રાખે છે અને લાંબા ગાળે બ્લડ-શુગરનું મૅનેજમેન્ટ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીઝ, લિવર કે કિડનીના દરદીઓ એક્સપર્ટની સલાહ લઈને આ પ્રયોગ કરી શકે છે.’

જાંબુ યૉગર્ટ સ્મૂધી

પોસ્ટ વર્કઆઉટ સ્પેશ્યલ આ રેસિપી મસલ્સ ક્રૅમ્પ્સને રોકવામાં મદદ કરે છે. મિક્સરમાં એક કપ ઠળિયા વગરનાં જાંબુ, અડધો કપ મોળું દહીં, એક ચપટી સંચળ મીઠું, પા ચમચી શેકેલા જીરાનો પાઉડર, એક ચમચી મધ અને ચાર-પાંચ ફુદીનાનાં પાન નાખીને બ્લેન્ડ કરો. આ હાઈ-પ્રોટીન સ્મૂધીને ગ્લાસમાં કાઢી ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરીને તરત જ એન્જૉય કરો.

જાંબુ-ફુદીના શૉટ્સ

ચોમાસામાં ક્રેવિંગ્સ સંતોષવા અને ઇમ્યુનિટી બૂસ્ટ કરવા આ સુપરહેલ્ધી અને નૅચરલ ડ્રિન્ક છે. મિક્સરના નાના જારમાં દસથી ૧૨ જાંબુ, ફુદીનાનાં પાન, લીંબુનો રસ અને ચાટ મસાલો ઍડ કરો. એમાં થોડું પાણી અથવા બરફ નાખીને સરસ બ્લેન્ડ કરો અને ગરણીથી ગાળીને ગ્લાસમાં સર્વ કરો. આ રેસિપી પાચન માટે ઉત્તમ છે, પણ ખાલી પેટે ન લેવી. સાંજના નાસ્તાના સમયે આ રેસિપી લેવી બેસ્ટ છે.

food and drink food news healthy living health tips life and style lifestyle news columnists