11 November, 2025 03:55 PM IST | Mumbai | Dharmesh Mehta
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
શિયાળામાં કફ થઈ જવો એકદમ કૉમન પ્રૉબ્લેમ છે. આ કફના બે પ્રકાર હોય છે. એક ડ્રાય અને બીજો ભીનો-ગળફાવાળો. મોટા ભાગે આજકાલ લોકો કફ થાય એટલે સિરપ લઈ લે છે કે દવાઓ લઈને પોતાના કામે લાગી જાય છે, પરંતુ અમુક ઘરગથ્થુ ઉપચાર છે જે ઘણા અસરકારક છે. પહેલાં એ અજમાવી જુવો અને ન ઠીક થાય તો ડૉક્ટર પાસે જાઓ.
ડ્રાય કફ એટલે કે સૂકી ખાંસી આવતી હોય તો આ રેમેડી ઉપયોગી છે. આ સિવાય જો ગળું ખૂબ દુખતું હોય, પાણી પીવામાં કે કશું ગળવામાં દુખાવો થતો હોય ત્યારે આ રેમેડી ઉપયોગી છે. હળદર અને ખડી સાકરનો પાઉડર બન્ને સપ્રમાણ લઈને ફાકી જવાનો. આ રેમેડી દિવસમાં કોઈ પણ સમયે લઈ શકાય. દિવસમાં બે વખત એ લઈ શકાય છે. ખાસ કરીને એક વખત દિવસમાં અને એક વાર રાત્રે સૂતા પહેલાં લો તો એ ઘણું ઉપયોગી બને છે.
જ્યારે ભીનો કફ હોય એટલે કે ગળામાંથી ગળફા નીકળતા હોય ત્યારે એમાં પણ બે પ્રકાર છે. જો કફનો રંગ પીળો કે લીલો હોય તો એનો અર્થ એ થયો કે કફની સાથે પિત્ત પણ છે. તો આ રેમેડી વાપરવી. તુલસીનો રસ એક ચમચી એમાં એક ચમચી મધ અને અડધી ચમચી હળદરનો પાઉડર ભેળવીને લઈ શકાય. દિવસમાં કોઈ પણ સમયે એક કે બે વાર આ લઈ શકાય છે. જો મધ ન વાપરવું હોય તો એની જગ્યાએ ગોળ વાપરી શકાય.
જો કફનો રંગ સફેદ હોય અને કફ એકદમ ચીકણો હોય તો આ રેમેડી વાપરવી. એક ચમચી આદુંના રસમાં એક ચમચી મધ અને અડધી ચમચી હળદર ભેળવીને લઈ લેવું. આ પણ દિવસમાં કોઈ પણ સમયે એક કે બે વાર લઈ શકાય. અહીં પણ જે લોકો મધ ન વાપરે તે ગોળ વાપરી શકે છે.
શિયાળામાં એક બીજો પ્રૉબ્લેમ છે શરીરમાં કળતર અને સાંધાનો દુખાવો. મોટા ભાગે વડીલોને આ તકલીફ થાય છે. તેમના માટે બે જુદી-જુદી રેમેડી વાપરી શકાય. અળસીનો પાઉડર અડધી ચમચી લેવો અને એ પાઉડરને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળીને એ પીવું. અહીં ધ્યાન એ વાતનું રાખવાનું છે કે આ અળસીનો પાઉડર પહેલેથી કરીને રાખશો તો નહીં ચાલે. તાજો પાઉડર બનાવવો અને વાપરવો.
કાશ્મીરી કાવો પણ સાંધાના દુખાવામાં ઘણો ઉપયોગી છે. પાણીમાં બેથી ૪ પાંખળાં કેસર ઉકાળવું. એમાં એક ચપટી ઇલાયચી નાખવી, એક ચપટી સૂંઠ નાખવી અને એને ઉકાળવું. એક મિનિટ ઉકાળ્યા પછી કપમાં લઈને એમાં સ્વાદ માટે ખડી સાકર કે મધ ઉમેરી શકાય. એમાં બદામનો ભૂકો નાખીને ભેળવી દો. નૉર્મલ ચા કરતાં આ કાવો વધુ ઉપયોગી સાબિત થશે, ખાસ કરીને જે લોકોને આર્થ્રાઇટિસ છે.
- ધ્વનિ શાહ